સેક્ટર-4માં ઓમકારેશ્વર મહાદેવ પાસે પડેલો ભુવો અકસ્માત નોતરશે
ગાંધીનગર,તા.13 જુલાઈ 2020, સોમવાર
શહેરના સેક્ટર-૪માં ઓમકારેશ્વર મહાદેવ મંદિર પાસે છેલ્લા ઘણા દિવસોથી ભુવો પડયો છે. જે અવર જવર કરતાં રાહદારીઓ તેમજ વાહનચાલકો માટે જોખમી બની રહ્યો છે. આ વિસ્તારમાં ખોદકામની પ્રવૃત્તિ થયા બાદ યોગ્ય રીતે પુરાણ કરવામાં નહીં આવતાં માટી બેસી જવાથી આ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે જમીન બેસી જવાની ઘટનાઓ ઠેકઠેકાણે બનતી હોય છે.
મહાદેવ મંદિરે રોજના અસંખ્ય લોકો દર્શનાર્થે પણ આવતાં હોય છે તો બીજી તરફ બાજુમાં માર્ગ હોવાથી વાહનચાલકોની અવર જવર પણ દિવસ દરમિયાન રહેતી હોય છે. આમ તંત્ર દ્વારા સમારકામની કામગીરી કરવામાં નહીં આવતાં વાહનચાલકો તેમજ રાહદારીઓને અકસ્માતના ભયે પસાર થવાની નોબત આવી છે.