સામાન્ય પ્રવાહના પરિણામ સંદર્ભે ખોટો મેસેજ ફરતો કરવા બદલ ગુનો
- વિજ્ઞાાન પ્રવાહના પરિણામની યાદીમાં છેડછાડ કરીને સોશ્યલ મીડીયામાં ફરતો કરાયો હતો
ગાંધીનગર, તા. 20 મે 2020, બુધવાર
બે દિવસ પહેલા ધો.૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે તેવા માધ્યમિક શિક્ષણ બોર્ડના લેટર સાથેનો મેસેજ ફરતો થયો હતો. જે મેસેજ અખબારી યાદીમાં છેડછાડ કરીને ફરતો કરાયો હોવાનું ધ્યાને આવતાં આ મામલે બોર્ડના મદદનીશ સચિવે સે-૭ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.
સોશ્યલ મીડીયા ઉપયોગી હોવાની સાથે ઘણીવાર અફવાઓ ફેલાવામાં પણ આગળ રહયું છે ત્યારે બે દિવસ અગાઉ સોશ્યલ મીડીયામાં ધો.૧ર સામાનય પ્રવાહનું પરિણામ જાહેર થશે તેવો મેસેજ ફરતો થયો હતો. જે અંગે શિક્ષણ બોર્ડના અધિકારીઓએ આ બાબતને રદીયો આપ્યો હતો ત્યારે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે કોઈએ બોગસ અખબારી યાદી તૈયાર કરીને તા.૧૯ મે મંગળવારના રોજ સવારે આઠ વાગ્યે ધો.૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે તેવો મેેસેજ તૈયાર કર્યો હતો.
પરંતુ તા.૧૬ મેના રોજ બોર્ડ દ્વારા ધો.૧ર વિજ્ઞાાન પ્રવાહના પરિણામ અંગે પ્રસિધ્ધ કરાયેલી યાદીમાં છેડછાડ કરીને તેમાં તા.૧૭ મે રવિવારના બદલે તા.૧૯ મે મંગળવાર અને વિજ્ઞાાન પ્રવાહના બદલે સામાન્ય પ્રવાહ કરી ફરતી કરી દીધી હતી. જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ગેરમાર્ગે દોરાયા હતા. જેથી આ મામલે બોર્ડના મદદનીશ સચિવ અશોકકુમાર ખસતીયાએ સે-૭ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.