અંબાજી, તા. ૧4 જુલાઇ 2020, મંગળવાર
યાત્રાધામ અંબાજી ખાતે ગઈકાલે અંબાજી પોલીસની અમાનવીયતાના
કારણે એક નવજાત શિશુના મૃત્યુ મામલે ન્યાય માટે તડફી રહેલા રબારી સમાજની ફરિયાદ
લેવા પોલીસે ૨૭ કલાક સુધી રાહ દેખાડવા છતાં હજી સુધી તેની ફરિયાદ ન લેવાતા રબારી
સમાજમાં પોલીસની કાર્યવાહી સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.આ સમગ્ર બાબતે રેંજ
આઇજી કડક પગલા લેવાના મુડમા હોય તેવુ દેખાઇ રહ્યું છે.
બનાવની વિગતો મુજબ ગઈકાલે અંબાજીમાં માસ્ક જેવા સામાન્ય
મુદ્દે અંબાજી પોલીસે કાયદાનું ભુત સવાર કરી ગર્ભવતી મહિલાની ગાડીને રોકાવી બે
કલાકથી વધુ સમય પસાર કરતા આ સમયગાળા દરમિયાન આ મહિલાને વધુ દુઃખાવો ઉપડતાં તેને
પાલનપુર બાદ પાટણ ધારપુર મેડિકલ હોસ્પિટલ લઈ જવાઈ જ્યાં વધુ સમય થવાના કારણે આ
મહિલાને સિઝેરીયન કરી ઓપરેશન કરવામાં આવ્યું. જ્યાં પેટમાં રહેલ બાળકીનું અકાળે
મૃત્યુ પામ્યું હતું. જેના ઘેર પ્રત્યાઘાતો પડયા હતા. પાટણ ધારપુર મેડિકલ ડોક્ટરના
કહેવા મુજબ જો એક કલાક વહેલા આવ્યા હોત તો આ બાળકીને બચાવી શકાઈ હોત.ત્યાર બાદ
રોષે ભરાયેલા રબારી સમાજે મૃતક નવજાતની લાશ લઇ અંબાજી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.
અને જવાબદારો સામે કડક પગલા ભરવાની માંગ કરી હતી. તે સમયે ડીવાયએસપી જાતે પોલીસ
સ્ટેશન આવ્યા હતા અને પગલા ભરવાની ધરપત આપી હતી. પરંતુ આ ઘટનાને ૨૭ કલાક વિતવા છતાં પોલીસે રબારી
સમાજની માંગણીને સ્વીકારી નથી અને હજી સુધી એફ.આઈ.આર. પણ નોંધવામાં આવી નથી તેવું
સમાજના આગેવાન વીરાજી રબારીએ જણાવ્યું હતું. આ અંગે અંબાજી પોલીસ સ્ટેશને પુછતાં
પીએસઓએ જણાવ્યુ ંહતું કે હજી સુધી આ અંગે એફઆઈઆર નોંધવામાં આવેલ નથી. આ અંગે
કાર્યવાહી ચાલી રહી છે તેવું જણાવ્યું હતું. અહીં પ્રશ્ન એ થાય છે કે પોલીસ કેમ
એફઆઈઆર નોંધતી નથી. પોલીસ કોને બચાવી રહી છે ? આ માટે પોલીસ આટલા મોટા સમાજની માંગણીને અવગણી રહી છે ? જિલ્લા પોલીસવડા
આ અંગે કોઈ કાર્યવાહી કરશે ખરા ?
આ પ્રશ્ન પ્રજામાં જોરશોરથી ચર્ચાઈ રહ્યો છે.


