રોડ ઉપર રોફ જમાવી રૂપિયા પડાવતી નવ યુવતીઓને સાબરમતી જેલ મોકલાઇ
- અંબાવાડાની સીમમાંથી યુવતીઓ પકડાઇ હતી
- યુવતીઓને કોર્ટમાં રજૂ કરતા જેલમાં મોકલી આપવા આદેશ કર્યો
પ્રાંતિજ,તા.26 જુલાઈ, 2020,
રવિવાર
પ્રાંતિજ તાલુકાના
અંબાવાડા ગામની સીમમાં ગુરૂવારના રોજ લીફટ લેવાના બહાને વાહનચાલકોને રોકી રૂપિયા
પડાવતી અમદાવાદની નવ યુવતીઓને પ્રાંતિજ
પોલીસે પકડી તેમના વિરૂદ્ધ ગુનો નોંધી પ્રાંતિજની એકજયુકેટીવ મેજીસ્ટેટની કોર્ટમાં
રજૂ કરતાં તેમણે આ ૯ યુવતીઓને સાબરમતી જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો. જેના પગલે
તમામ યુવતીઓને પ્રાંતિજ પોલીસે સાબરમતી જેલ મોકલી આપી હતી.
સાબરડેરીથી તલોદ જવાના માર્ગમાં
અંબાવાડા ગામની સીમમાં રોડ ઉપર ઉભી રહેલી અમદાવાદની
૯ યુવતીઓ માર્ગ પરથી પસાર થનારા વાહન ચાલકોને લીફટ લેવાને રોકી તેમની પાસેથી રૂપિયા
પડાવતી અને જો કોઈ વાહનચાલક રૂપિયા ન આપે તો તેને મારવાની અને બદનામ કરવાની ધમકીઓ આપી
કેટલાક વાહનચાલકો પાસેથી રૂપિયા પડાવ્યા હતા.
આ અંગે ગ્રામ વાસીઓએ પ્રાંતિજ પોલીસને જાણ કરતાં પ્રાંતિજ પોલીસની ટીમ ઘટનાસ્થળે
પહોંચી આ ૯ યુવતીઓને ઝડપી લઈ તેમની વિરૂદ્ધ ગુનો નોંધી તેમને પ્રાંતિજ તાલુકા એકજયુકેટીવ
મેજીસ્ટેટ ગઢવીની કોર્ટમાં રજૂ કરતાં તેમણે આ ૯ યુવતીઓને સાબરમતી જેલમાં મોકલવાનો હુકમ
કરતાં પ્રાંતિજ પોલીસે આ યુવતીઓને સાબરમતી જેલને હવાલે કરી હતી.