Get The App

કોરોનામાં કલોલની 'અમદાવાદ' કૂચઃ વધુ 12 કેસ નોંધાયા, 1નું મોત

Updated: Jun 26th, 2020

GS TEAM

Google News
Google News
કોરોનામાં કલોલની 'અમદાવાદ' કૂચઃ વધુ 12 કેસ નોંધાયા, 1નું મોત 1 - image


- અત્યાર સુધી કલોલમાં જ 17 કોરના પોઝિટિવ દર્દીઓના મોત

ગાંધીનગર, તા. 26 જૂન 2020, શુક્રવાર

કોરોનામાં ગુજરાતના હોટ સ્પોટ અમદાવાદમાં રોગચાળો બે કાબુ બન્યો છે અને રોજના ૩૦૦ થી ૪૦૦ દર્દીઓ અમદાવાદમાં નોંધાય છે. તો સામે મૃત્યુઆંક પણ અમદાવાદમાં ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના કલોલમાં પણ પોઝિટિવ કેસ અને તેમાં પણ મૃત્યુઆંક ખુબ જ વધી રહ્યો છે.

ગાંધીનગર જિલ્લાના અધિકારીઓને પણ તેની ચિંતા છે પરંતુ દર્દીઓ ઘટવાનું નામ જ નથી લેતાં. આજે કુલ ૧૯ દર્દીઓ પૈકી ૧૨ કેસ ફક્ત કલોલના જ છે તેમાં પણ કલોલ શહેરના ગીચ વિસ્તારમાંથી કોરોનાના કેસ ખાસ જોવા મળી રહ્યાં છે. જ્યારે સરકારી ચોપડે આજે વધુ એક મોત પણ કલોલમાં નોંધાતાં અત્યાર સુધી કલોલમાં જ ૧૭ કોરના પોઝિટિવ દર્દીઓના મોત નિપજ્યાં છે. 

ગાંધીનગર શહેર જિલ્લામાંથી આજે ૧૯ પોઝિટિવ દર્દીઓ નોંધાયાં છે. જેમાં પાટનગરમાંથી ત્રણ કેસ સામે આવી રહ્યાં છે. સેક્ટર-૨૫માં રહેતો ૪૮ વર્ષિય પુરુષ કે જે લેબર કોન્ટ્રાક્ટર છે અને છેલ્લા ત્રણ મહિનાથી વતન હારીજ હતો. તા.રર જુનના રોજ વતનમાંથી આવ્યા બાદ કોરોનામાં સપડાયો છે.

સેક્ટર-૧૬માં ઘરે જ રહેતી ૨૭ વર્ષિય યુવતિ કોરોના પોઝિટિવ આવી છે. જેના ઘરના ત્રણ વ્યક્તિઓને કવોરેન્ટાઇન કરવામાં આવ્યાં છે. અગાઉ પોઝિટિવ આવેલાં સેક્ટર-૨૭ના દર્દીની ૫૦ વર્ષિય માતા સંક્રમિત થઇ છે. ડીએસપી ઓફિસના ક્વોટર્સમાં રહેતી આ મહિલાને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.આજે ત્રણ પોઝિટિવ દર્દીઓ પાટનગરમાંથી નોંધાતાં ગાંધીનગર શહેરી વિસ્તારમાં કોરોનાની બેવડી સદી પુરી થઇ છે.

પાટનગરમાં કોરોનાનો આંકડો ૨૦૧ સુધી પહોંચી ગયો છે. જેમાં અત્યાર સુધી કુલ સાત દર્દીઓના મોત પણ નિપજ્યાં છે. ગાંધીનગરના કોબા ગામમાં રહેતો ૩૧ વર્ષિય યુવાન, અડાલજ ગામમાં ૫૯ વર્ષિય મહિલા, પોર ગામમાં ૭૦ વર્ષિય વૃધ્ધ અને સુઘડ ગામમાં ૩૦ વર્ષિય યુવાન કોરોના પોઝિટિવ આવ્યાં છે. જેમને સારવાર આપવામાં આવી રહી છે.

જયારે કલોલમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધી રહ્યો છે. કલોલમાં અર્બન-ર આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં રહેતાં 72 વર્ષિય પુરુષ કે જેમને તા.૨૧ના રોજ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. જેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. આ કોરોના પોઝિટિવ વૃધ્ધ દર્દીનું મોત નિપજ્યું છે. જેનાથી કલોલમાં મૃત્યુઆંક 17 પહોંચ્યો છે. જ્યારે આજે વધુ 12 કોરોના પોઝિટિવ દર્દીઓ કલોલમાંથી જ સામે આવ્યાં છે. જેમાંથી મોટાભાગના દર્દીઓ કલોલ શહેરી વિસ્તારના હોવાનું જાણવા મળી રહ્યું છે.

શહેરમાંથી વધતાં જતાં દર્દીઓ સ્થાનિક તંત્ર માટે  અને રહિશો માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. કલોલની જીગરજયોત સોસા.માં રહેતો ૩૩ વર્ષિય યુવાન કોરોનામાં સપડાયો છે. જ્યારે કલોલના ગંગા રો હાઉસમાં રહેતો ૩૨ વર્ષિય યુવાન પણ કોરોનામાં પટકાયો છે. કલોલ પૂર્વમાં આવેલા મજુર હાઉસીંગ સોસાયટીમાં રહેતાં પપ વર્ષિય પુરુષ કોરોના સંક્રમિત થયાં છે. જ્યારે વેદાંત સોસાયટીનો ૩૨ વર્ષિય યુવાન પણ કોરોનાગ્રસ્ત થયો છે.

વિજયનગર કલ્યાણપુરાના ૪૮ વર્ષિય પુરુષ પોઝિટિવ આવ્યાં છે. જ્યારે કલોલના પાંચહાટડી બજારમાં રહેતાં ૭૫ વર્ષિય વૃદ્ધ પણ સંક્રમિત થયાં છે. જ્યારે છત્રાલમાં આવેલાં સુરભિ એપાર્ટમેન્ટમાં રહેતાં ૬૮ વૃદ્ધ અને ૬૦ વર્ષિય વૃદ્ધા કોરોનામાં પટકાયાં છે. ડીંગુચા ગામના ૭૦ વર્ષિય વૃદ્ધ પણ સંક્રમિત થયાં છે.

બોરીસણામાં આવેલા ઉમિયા રો હાઉસમાં રહેતા ૫૧ વર્ષિય આધેડ પણ કોરોના પોઝિટિવ આવ્યાં છે. જ્યારે કલોલ શહેરી વિસ્તારમાં રહેતા વધુ બે આધેડ પણ કોરોના પોઝિટિવ આવ્યાં છે. જેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં છે. અત્યાર સુધી ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના ૪૨૯ દર્દીઓ નોંધાયાં છે. જેમાં ૧૦૮ કોરોના દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જ્યારે ૨૮૭ વ્યક્તિઓએ કોરોનાને પરાસ્ત કર્યો છે.


Tags :