વાવોલમાં સોસાયટી આગળથી પસાર થતાં ભારે વાહનોથી રહિશો પરેશાન
- અનઅધિકૃત રીતે વાહનોની અવર જવર થતાં રજૂઆત
ગાંધીનગર,તા. 25 મે 2020,સોમવાર
ગાંધીનગર નજીક આવેલાં વાવોલ ગામમાં આવેલી સોસાયટીઓ પાસેથી અનઅધિકૃત રીતે અવર જવર કરતાં ભારે વાહનોના પગલે સ્થાનિક રહિશો હેરાન પરેશાન થઇ ગયા છે. જે અંગે જિલ્લા કલેક્ટરને રહિશોએ રજૂઆત કરી છે કે, જાહેરનામાનો ભંગ થતો હોવાથી તાત્કાલિક આ વાહનોની અવર જવર ઉપર રોક લગાવવામાં આવે તેવી માંગ કરી છે.
અમદાવાદથી ગાંધીનગર શહેરમાં પ્રવેશતાં મુખ્યમાર્ગો ઘ-૦, ચ-૦ અને જ-૦ સિવાયના તમામ માર્ગો જાહેર જનતા સહિત ભારે વાહનોની અવર જવર માટે બંધ કરવામાં આવ્યા છે. જે અંગોનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારે વાવોલ ઉવારસદ રોડ પણ બંધ કરવામાં આવ્યો હતો અને કોલવડા ચાર રસ્તા પાસે ક રોડ નજીક બંધ કરવા હોવા છતાં હજુ પણ વાહનો અનઅધિકૃત રીતે ચાર રસ્તા બાયપાસ કરવા વાવોલ - ઉવારસદ ઉપર આવેલાં ખેતરમાં કાચા રસ્તા ઉપરથી પસાર થઇ રહ્યાં છે. સંકલ્પ રોયલ તેમજ તત્વ બંગલોઝની આસપાસ વાહનોની અવર જવર થતી હોવાના કારણે સ્થાનિક રહિશઓ પણ હેરાન પરેશાન થઇ રહ્યાં છે.
આમ જાહેરનામાંનો ભંગ કરીને સોસાયટી પાસેથી પસાર થતાં આ વાહનોના લીધે પ્રદુષણની માત્રામાં પણ વધારો થઇ રહ્યો છે. તો ગતિ મર્યાદા કરતાં વધારે ઝડપથી વાહનો પસાર થવાના કારણે સોસાયટીના રહિશોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે આથી આ અવર જવરને બંધ કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.