સે-24માં કન્ટેન્મેન્ટ ઝોનમાં દુકાનો નહીં ખોલાય તો આંદોલનની ચીમકી
- કોર્પોરેશન તંત્ર દ્વારા વહાલા-દવાલાની નીતિનો આક્ષેપ
- અન્ય દુકાનો ખુલી ગઈ હોવા છતાં અંબાજી ચોક પાસે દુકાનો ખોલવામાં નહીં આવતાં વેપારીઓ પરિવાર સાથે ઉપવાસ ઉપર બેસશે
ગાંધીનગર,તા. 05 જૂન 2020, શુક્રવાર
ગાંધીનગર શહેરના સે-ર૪માં આવેલા શ્રીનગર આસપાસના કન્ટેન્મેન્ટ ઝોનમાં અન્ય દુકાનો ખુલી ગઈ છે ત્યારે અંબાજી ચોક પાસે જ ૧૫૦થી ૧૮૦ જેટલી દુકાનો ખોલવા નહીં દેવામાં આવતાં વેપારીઓમાં રોષ ભભુકયો છે અને આ મામલે કોર્પોરેશન તંત્ર સામે વહાલા દવાલાની નીતિનો આક્ષેપ કરીને જો એક-બે દિવસમાં દુકાનો ખોલવા દેવામાં નહીં આવે તો વેપારીઓએ સહ પરિવાર દુકાન આગળ ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે કન્ટેન્મેન્ટ ઝોનની પોલીસી અમલમાં છે. કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં શહેરમાં ૩પથી વધુ કન્ટેન્મેન્ટ ઝોન રાખવામાંઆવ્યા છે ત્યારે આ કન્ટેન્મેન્ટ ઝોનમાં વહાલા દવાલાની નીતિ રાખવામાં આવી રહી હોવાનો આક્ષેપ સે-ર૪ શ્રીનગરના વેપારીઓએ કર્યો છે. તેમણે રજૂઆત કરતાં જણાવ્યું છે કે શ્રીનગરની આજુબાજુમાં પહેલાની જેમ શાકમાર્કેટ ભરાવાની સાથે ખાણીપીણીની લારીઓ અને પાથરણાં પણ શરૂ થઈ ગયા છે.
ત્યાં સોશ્યલ ડીસ્ટેન્સીંગનું પાલન થતું નથી તેમ છતાં કોર્પોરેશન દ્વારા આંખ આડા કાન કરીને તેમને ધંધો કરવા દેવામાં આવે છે ત્યારે અંબાજી મંદિરની આજુબાજુના વેપારીઓએ છેલ્લા અઢી મહિનાથી દુકાનો ખોલી નથી અને તેમની આર્થિક સ્થિતિ કફોડી બની છે ત્યારે આ વેપારીઓને દુકાન ખોલવા દેવામાં આવતી નથી અને કોર્પોરેશન દ્વારા પાંચથી રપ હજારનો દંડ વસુલવાની ધમકી આપવામાં આવે છે.
જયારે આ કન્ટેન્મેન્ટ ઝોનમાં અન્ય દુકાનો રાબેતા મુજબ ખુલી ગઈ છે. ત્યારે આ વેપારીઓએ કમિશનર, કલેકટર, ધારાસભ્ય સહિતના અધિકારીઓ, પદાધિકારીઓને રજુઆત કરી હોવા છતાં તેમની સમસ્યાનો નિવેડો આવ્યો નથી. જેથી આગામી એક-બે દિવસમાં આ અંગે નિર્ણય નહીં લેવાય તો સહ પરિવાર દુકાન આગળ ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.