FOLLOW US

બુટલેગરને દારૂની ડિલિવરી આપવા જતા કોન્સ્ટેબલને પોલીસે ઝડપી લીધો

ભરૂચ બાદ અરવલ્લીના બે કોન્સ્ટેબલોએ પોલીસનું નાક કાપ્યું

રાજસ્થાનથી દારૂ મંગાવીને બુટલેગરોને સપ્લાય કરતા હતા

Updated: Jan 20th, 2023

 અમદાવાદ

ભરૂચ લોકલ ક્રાઇમબ્રાંચના બે પોલીસ કોન્સ્ટેબલો દ્વારા સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓના ફોન ટ્રેક કરીને બુટલેગરોને માહિતી આપવાની શરમજનક ઘટના બાદ વધુ એકવાર પોલીસનું નાક કપાયું હોય તેવી ઘટના બની છે. જેમાં સાબરકાંઠા પોલીસે અરવલ્લીના બે પોલીસ કોન્સ્ટેબલ સહિત ચાર લોકોને દારૂ ભરેલી કાર સાથે ઝડપી લીધા હતા. જે કેસની પ્રાથમિક તપાસમાં પોલીસ કોન્સ્ટેબલ જ રાજસ્થાનથી દારૂ મંગાવીને બુટલેગરોને સપ્લાય કરતા હતા.   ત્યારે પોલીસની દારૂના હેરફેરમાં જ નહી પણ વેચાણ કરવાનું પણ કૌભાંડ બહાર આવ્યું છે. જે અંગે ઉચ્ચકક્ષાએ તપાસના આદેશ આપવામાં આવ્યો છે.

અરવલ્લી પોલીસ હેડ ક્વાટર્સનો કોન્સ્ટેબલ જ દારૂનું વેચાણ કરતો હોવાનો ચોંકાવનારો ખુલાસોઃ રાજસ્થાનથી દારૂ મંગાવીને બુટલેગરોને સપ્લાય કરતા હતા

હિંમતનગર પોલીસની લોકલ ક્રાઇમ બ્રાંચનો સ્ટાફ ગુરૂવારે રાતના સમયે પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે એક સફેદ રંગની નંબર પ્લેટ વિનાની કારમાં દારૂનો મોટો જથ્થો લઇને ગાંધીનગર સપ્લાય કરવામાં આવી રહ્યો છે. જેના આધારે  તલોદના રણાસણથી હરસોલ જવાના રસ્તા પર વોચ ગોઠવીને પોલીસે એક કારને રોકી હતી અને કારમાં સવાર ત્રણેય જણા નાસવા જતા હતા. જો કે પોલીસે કારને કોર્ડન કરી હોવાથી તે દરવાજો ખોલી શક્યા નહોતા. જે બાદ પોલીસે તપાસ કરતા વિવિધ બ્રાંડના વિદેશી દારૂની ૨૪૦ જેટલી બોટલો મળી આવી હતી. જેની કિંમત ૩૮ હજાર જેટલી હતી.  આ અંગે કારમાં સવાર ત્રણેયની પુછપરછ કરતા તેંમના નામ (૧) રોહિતસિંહ જગતસિંહ ચૌહાણ , (૨) પ્રવિણસિંહ રણજીતસિંહ ચૌહાણ  અને યોગેશ પટેલ (રહે.લીંબ ડેરી વાળુ ફળીયુ, બાયડ)ને હોવાનું જાણવા મળ્યું હતું.

પરંતુ, પોલીસ અધિકારીઓ ત્યારે ચોંકી ઉઠયા હતા કે જ્યારે પુછપરછમાં જાણવા મળ્યું હતું રોહિતસિંહ ચૌહાણ અરવલ્લી પોલીસના હેડ ક્વાટર્સમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો અને આ દારૂ હેડ ક્વાટર્સમાં જ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિજય છનાજી પરમારે (રહે. રહિયોલ, તા. ધનસુરા, જિ. અરવલ્લી)  ભરાવ્યો હતો અને ગાંધીનગરના હાલીસામાં દારૂનો ધંધો કરતા કિશન ગોસ્વામી નામના બુટલેગરને પહોંચતો કરવાનો હતો.જે બાદ હિંમતનગર પોલીસે અરવલ્લી પોલીસને જાણ કરીને તાત્કાલિક વિજય પરમારની અટકાયત કરવા માટે જાણ કરી હતી અને તેને ઝડપી લીધો હતો. દારૂની હેરફેર કરવા માટે રોહિતે કાર તેના મિત્ર પાસેથી સામાજીક પ્રસંગમાં જવાનું કહીને લીધી હતી. રસ્તામાં કોઇ સીસીટીવીમાં કારના રજીસ્ટ્રેશન નંબર અંગે માહિતી લીક ન થાય તે માટે નંબર પ્લેટ કાઢીને કારમાં મુકી દીધી હતી. આ અંગે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું હતું કે આ કેસમાં બંને પોલીસ કોન્સ્ટેબલની સઘન પુછપરછ કરવાની સાથે અગાઉ કરવામાં આવેલી દારૂની હેરફેર તેમજ બુટલેગરોની સંડોવણી અંગે સઘન પુછપરછ કરવામાં આવી રહી છે અને ડીવાયએસપી કક્ષાના અધિકારી સમગ્ર કેસનું સુપરવિઝન કરી રહ્યા છે. તપાસમાં જે લોકોના નામ બહાર આવશે તેમના વિરૂદ્વ પણ કાર્યવાહી કરવામાં આવશે.

 કોન્સ્ટેબલ વિજય પરમાર રાજસ્થાનથી દારૂ મંગાવીને ખેતરમાં છુપાવતો હતો

પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી કે વિજય પરમાર અને રોહિતસિંહે જ દારૂના વેચાણનું નેટવર્ક બનાવ્યું હતું. જેમાં માત્ર અરવલ્લીના જ નહી પણ પંરંતુ, હિંમતનગર, ગાંધીનગર, બનાસકાંઠાના સ્થાનિક બુટલેગરોને દારૂ સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું. રાજસ્થાનથી મોટા પ્રમાણમાં દારૂ મંગાવીને તે વિજય પોતાના ખેતરમાં છુપાવતો હતો અને ઓર્ડર મુજબ રોહિતસિંહ ડીલેવરી કરવા માટે જતો હતો. જ્યારે નાણાંકીય વ્યવહાર ખુદ વિજય સંભાળતો હતો.  જો કે બંને જણા ભાગીદારીમાં આ ધંધો કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે. છેલ્લાં છ મહિનામાં બંને જણાએ લાખો રૂપિયાનો દારૂ સપ્લાય કર્યાની વિગતો પણ મળી છે.

 વિજય પરમાર અગાઉ માલપુરમાં દારૂ ડીલેવરીં કેસમાં ઝડપાઇ ચુક્યો છે

પોલીસની પ્રાથમિક તપાસમાં વધુ  ચોંકાવનારી વિગતો મળી હતી કે વિજય પરમાર અગાઉ માલપુર પોલીસ સ્ટેશનમાં દારૂની ડીલેવરી કેસમાં ઝડપાયો હતો. જેમાં તેને સસ્પેન્ડ કરાયો હતો. જ્યારે એક તકરારમાં આરોપીની તરફેણ રહીને કાયદાની બહાર જઇને કામગીરી કરી હતી. તે કેસમાં તેના વિરૂદ્વ કાર્યવાહી થઇ હતી. જ્યારે ત્રીજો કેસ દારૂના વેેચાણનો તલોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. જે અંગે ડીજીપી ઓફિસમાં રિપોર્ટ કરાયો છે.

 જો બુટલેગર બીજા પાસેથી દારૂ મંગાવે તો તેને કેસમાં ફસાવવાની ધમકી અપાતી

પોલીસની પ્રાથમિક તપાસમાં એવી પણ વિગતો આવી છે કે વિજય પરમાર પાસે ૧૦૦ થી બુટલેગરોની યાદી હતી અને તે બુટલેગરોને ફોન કરીને દારૂ પોતાના પાસેથી જ ખરીદવા માટે કહેતો હતો. જ્યારે કોઇ બુટલેગર તેની પાસેથી દારૂ ખરીદવાની ના પાડતો ત્યારે તે પોલીસને બાતમી આપીને રેડ પડાવવાની ધમકી આપતો હતો.  આમ, બંને કોન્સ્ટેબલોની તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા છે.

Gujarat
News
News
News
Magazines