પાટનગરમાં ગરમીનો પારો ઉચકાયોઃતાપમાન 42 ડિગ્રી
ગાંધીનગર,તા.13 મે 2020, બુધવાર
ગાંધીનગર શહેરમાં દિનપ્રતિદિન તાપમાનના પારામાં થઇ રહેલાં વધારાના પગલે ગરમી પણ આકરી બની રહી છે ત્યારે બુધવારે મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રીએ પહોંચી ગયું હતું. તો બીજી તરફ સવારના તાપમાનમાં વધારો નોંધાતાં ૨૯.૫ ડિગ્રીએ આવીને અટક્યું હતું. ગરમીમાં થઇ રહેલાં વધારાથી નગરજનો પણ આકુળવ્યાકુળ થઇ ગયાં છે અને પરસેવે રેબઝેબ થઇ રહ્યાં છે.
સમગ્ર રાજ્યમાં છેલ્લા બે દિવસથી સતત તાપમાનના પારામાં થઇ રહેલાં વધારાના પગલે ગરમી આકરી બની રહી છે. તો આ વાતાવરણની અસર રાજ્યના પાટનગર ઉપર પણ જોવા મળી રહી હોય તે પ્રકારે ગરમીનો પારો વધી રહ્યો છે. ત્યારે મંગળવારે સવારનું તાપમાન ૨૮.૫ ડિગ્રીએ નોંધાયું હતું.
તો દિવસે ગરમીનો પારો ૪૧ ડિગ્રીએ પહોંચ્યો હતો. ભેજના પ્રમાણમાં થઇ રહેલાં વધારાના પગલે ગરમી આકરી બની ગઇ હોય તેમ બુધવારે મહત્તમ અને લઘુત્તમ તાપમાનના પારામાં વધારો થવાથી તેની અસર સમગ્ર દિવસ દરમિયાન અનુભવવા મળી હતી. મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રીએ જ્યારે લઘુત્તમ ૨૯.૫ ડિગ્રીએ પહોંચી જતાં આકરી ગરમીમાં નગરજનો પણ પરસેવે રેબઝેબ થઇ રહ્યાં છે. ત્યારે હવામાન ખાતા દ્વારા આગામી દિવસોમાં ગરમી વધશે તેવી આગાહી પણ કરવામાં આવી છે.