GISFના 105 સિક્યુરીટી ગાર્ડને કોર્પોરેશને બેરોજગાર બનાવી દીધા
- ખાનગી કોન્ટ્રાક્ટરોને લાભ કરાવવા માટે
- ફરજ ઉપર પુનઃ લેવામાં નહીં આવે તો આંદોલન કરવાની યુનિયનની ચિમકી
ગાંધીનગર, તા.30 મે 2020, શનિવાર
ગાંધીનગર કોર્પોરેશન દ્વારા જીઆઇએસએફના તમામ પોઇન્ટ પરની સેવાઓ બંધ કરવામાં આવી છે. જેના પગલે ૧૦૫ જેટલા સિક્યુરીટી ગાર્ડને બેરોજગાર બનવાની નોબત આવી છે. કોર્પોરેશન દ્વારા ખાનગી કોન્ટ્રાક્ટરોને લાભ કરાવવા માટે સરકારના આદેશ વિરૂદ્ધ કોન્ટ્રાક્ટ આપવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે. તેની સામે યુનિયને રોષ પ્રગટ કર્યો છે. આ ગાર્ડને કોર્પોરેશનમાં ફરજ પર લેવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા શિક્ષિત બેરોજગાર માટે રોજગારી પુરી પાડવાના આશયથી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં ભરતી થયેલાં જવાનો વિવિધ સરકારી કચેરીઓ ઉપર ફરજ બજાવતાં હોય છે. હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કોઇપણ કર્મચારીને છુટા નહીં કરવાનો આદેશ હોવા છતાં ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ખાનગી કોન્ટ્રાક્ટરોને લાભ કરાવવા માટે સરકારના આદેશ વિરૂદ્ધ કોન્ટ્રાક્ટ આપવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે તેના પગલે કોર્પોરેશન દ્વારા જીઆઇએસએફના તમામ પોઇન્ટ ઉપરની સેવાઓ બંધ કરવામાં આવી છે.
જેના પગલે ૧૦૫ સિક્યુરીટી ગાર્ડને બેરોજગાર બનાવાની નોબત આવી છે. જીઆઇએસએફ અને કોર્પોરેશન બંને સરકારની સંસ્થાઓ છે.
લોકડાઉનમાં અમલ કરવાની જવાબદારી બંને સંસ્થાઓની છે ત્યારે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ જાહેરનામું બહાર પાડેલું છે ત્યારે કોઇને પણ ચાલુ ફરજે બેરોજગાર બનાવવાનો હક્ક નથી અને તેનો પરિપત્ર પણ જાહેર કરેલ છે. ત્યારે પરિપત્રનો અમલ કરીને પણ તમામ ગાર્ડને ફરજ ઉપર ચાલુ રાખવા પડે હોવા છતાં કોર્પોરેશન દ્વારા તેનો ભંગ કરવામાં આવ્યો છે. જેનો યુનિયન દ્વારા વિરોધ પ્રગટ કરવામાં આવ્યો છે.
ખાનગી કોન્ટ્રાક્ટરોને લાભ કરાવવા માટે સરકારના આદેશનો ભંગ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. તેની સામે કોઇ કાર્યવાહી નહીં થતાં જવાનોમાં પણ તંત્રની કામગીરી સામે રોષ ઉભો થયો છે. સત્વરે આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ના છુટકે આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.