ગાંધીનગરનું પ્રથમ કન્ટેન્મેન્ટ ઝોન સે-29 આખરે મુક્ત થયું
- 20 એપ્રિલ પછી કોઈ નવો કેસ નહીં આવતાં
ગાંધીનગર, તા. 18 મે 2020, સોમવાર
કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે જે વિસ્તારમાંથી કેસો મળે તે વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે ત્યારે ગાંધીનગરનો સૌપ્રથમ કેસ સે-ર૯માંથી મળ્યો હતો અને ગત તા.ર૦ માર્ચથી આ વિસ્તાર કન્ટેન્મેન્ટ ઝોનમાં આવી ગયો હતો. ત્યારે તા.ર૦ એપ્રિલ બાદ હવે એકપણ નવો કેસ નહીં નોંધાતા કોર્પોરેશને તેને કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યું છે ત્યારે વસવાટ કરતાં સ્થાનિકોને રાહત મળી છે.
કોરોના વાઈરસના દર્દીઓ જે વિસ્તારમાંથી મળી આવે તેની આસપાસના વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી સ્થાનિકોની આવનજાવન ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવે છે. ત્યારે આવા વિસ્તારોમાં સ્થાનિક તંત્ર દ્વારા વસાહતીઓને શાકભાજીથી લઈ દૂધ અને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ પહોંચતી કરવામાં આવી રહી છે.
ગત તા.ર૦ માર્ચે ગાંધીનગર શહેરના સે-ર૯માંથી શહેરનો સૌપ્રથમ કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યો હતો ત્યારે કોર્પોરેશન દ્વારા સે-ર૯ના સમગ્ર વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી પ્રતિબંધો લાદી દીધા હતા અને પોલીસ તંત્ર દ્વારા તેનું ચુસ્ત પાલન કરાવાઈ રહયું હતું. સેકટરને ફરતે કોર્ડન કરીને વસાહતીઓની આવન જાવન ઉપર પણ રોક લગાવી દેવામાં આવી હતી. ત્યારે હવે તા.ર૦ એપ્રિલ બાદ હવે આ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં આવતાં કોર્પોરેશન તંત્ર દ્વારા આ વિસ્તારને કન્ટેન્ટમેન્ટમાંથી મુક્ત કરી દીધો છે.