લોકડાઉનમાં પણ BSNL દ્વારા બીલની ઉઘરાણીથી ગ્રાહકો ત્રસ્ત
- સરકાર લોકડાઉન લંબાવી રહી છે ત્યારે ઓનલાઈન પેમેન્ટ ના કરી શકનારને કનેકશન કાપી જવાની પણ ધમકી
ગાંધીનગર,તા. 18 મે 2020, સોમવાર
હાલમાં લોકડાઉનની સ્થિતિ છે અને સામાન્ય લોકો ઘરની બહાર પણ નીકળી શકતા નથી ત્યારે બીએસએનએલ તંત્ર દ્વારા ટેલીફોન બીલની ઉઘરાણી કરવામાં આવી રહી છે. કર્મચારીઓ દ્વારા ફોન કરીને બીલ ભરી જવા માટે સુચના આપવામાં આવી રહી છે. ઓનલાઈન પધ્ધતિથી જે લોકો બીલ નથી ભરી શકતા તેમના કનેકશન કાપી જવાની પણ ચીમકી ઉચ્ચારાઈ રહી છે. સરકાર એક બાજુ લોકડાઉન વધારી રહયું છે ત્યારે સરકારનું જ તંત્ર લોકોની સમસ્યા સમજતું નથી.
કોરોના વાઈરસના પગલે કેન્દ્ર સરકાર દ્વારા તબક્કાવાર લોકડાઉન અમલી કરી દીધું છે ત્યારે અલગ અલગ ઝોન પ્રમાણે વિસ્તારોને મુકીને ત્યાં લોકડાઉનનું પાલન થઈ રહયું છે. આવી સ્થિતિમાં લોકો ઘરની બહાર નીકળી શકતા નથી ત્યારે ધંધા રોજગાર પણ બંધ હાલતમાં જ છે. છેલ્લા પપ દિવસથી આ સ્થિતિના કારણે આર્થિક ઉપાર્જન શકય બન્યું નથી ત્યારે સરકારના જ તંત્રોને બિલોની ઉઘરાણીની પડી છે. બીએસએનએલ દ્વારા ગ્રાહકોને ફોન કરીને બીલ ભરી જવા માટે સૂચના આપવામાં આવી રહી છે.
લોકડાઉનની આ સ્થિતિમાં લોકો ઓફીસે પહોંચી બીલ કેવી રીતે ભરે તે સમજાતું નથી તો ઓનલાઈન પેમેન્ટ કરવા પણ કહેવામાં આવી રહયું છે નહીંતર તેમનું કનેકશન કાપી નાંખવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે ઈન્કમટેક્સ સહિતના ઘણા આવકના સ્ત્રોતોને નવેમ્બર સુધીની મુદત આપી દીધી છે ત્યારે અન્ય વિભાગો પણ તેનું અનુકરણ કરે તેવું લોકો ઈચ્છી રહયા છે.