ઉત્તર ગુજરાતને ઘમરોળતો કોરોના વાઈરસ 46 નવા કેસ ઉમેરાયા,4નાં મોત
- કોરોના અબ તો બસ કરોના...
- મહેસાણામાં ૧૮, બનાસકાંઠામાં ૨૭, પાટણમાં ૧ કેસ સામે આવ્યો,ઉત્તર ગુજરાતમાં કોરોના બેકાબુ બન્યો
મહેસાણા,
પાલનપુર, તા. 21 જુલાઇ 2020, મંગળવાર
ઉત્તર ગુજરાતમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે. પોઝિટિવ
દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મંગળવારે મહેસાણામાં ૧૮, બનાસકાંઠામાં ૨૭
અને પાટણ જિલ્લામાં ૧ મળી કુલ ૪૬ પોઝિટિવ નવા કેસો ઉમેરાયા છે. જેના લીધે વહિવટી
તંત્ર અને આરોગ્યની ટીમોમાં દોડધામ મચી જવા પામી છે. આ ઉપરાંત પાલનપુર અને ડીસાની કોવિડ હોસ્પિટલમાં સારવાર
હેઠળ રાખવામાં આવેલા ચાર પોઝિટિવ દર્દીઓના મોત નીપજ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં હત્યાના ચાર આરોપીઓ સહિત કુલ ૨૭
પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. જેના લીધે તંત્રની ટીમોએ પોઝિટિવ દર્દીઓના રહેઠાણના
સ્થળે કોરોન્ટાઈન કરવાની તેમજ તેમના નીકટના સંપર્કમાં આવેલા લોકોની તબીબી તપાસ
કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લામાં મંગળવારે પાલનપુરમાં ૧, વડગામમાં ૨, ડીસામાં ૮, ભાભરમાં ૪, વાવમાં ૧, કાંકરેજમાં ૨, ધાનેરામાં ૪, દાંતીવાડામાં ૧, સુઈગામ અને
થરાદમાં ૧-૧- કેસનો સમાવેશ થાય છે. જ્યારે કોરોના સંક્રમણને રોકવા માટે જિલ્લામાં
સવારે સાતથી બપોરે ચાર વાગ્યા સુધી જ વેપારધંધા ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો
છે.
મહેસાણા જિલ્લામાં મંગળવારે કુલ ૧૮ કોરોના પોઝિટિવ દર્દીઓ
સામે આવ્યા છે. જેમાં શહેરી વિસ્તારમાં ૧૧ અને ગ્રામ્ય વિસ્તારમાં ૭ કેસોનો સમાવેશ
થાય છે. મહેસાણા શહેરના સોમનાથ રોડ અને રાધનપુર રોડ ઉપરાંત જોરણંગ અને લાંઘણજ, કડીમાં કરણનગર
રોડ અને માર્કેટયાર્ડ તેમજ કલ્યાણપુરા અને ઘુમાસણ, ઊંઝામાં પાટણ રોડ,
ગાંધી ચોક, ખેરાલુ
હાઈવે, ખેરાલુમાં
છીપાવાડો અને વિસનગર રોડ,
વિસનગરમાં દિપરા દરવાજા અને મહેસાણા ચોકડી તેમજ વિજાપુર તાલુકાના વસઈ અને
ચાંગોદમાં કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. જિલ્લામાં ૩૮૩ વ્યક્તિઓના રિપોર્ટ
પેન્ડીંગ રહ્યા છે. જ્યારે હાલ ૨૬૭ દર્દીઓ જુદી જુદી હોસ્પિટલમાં સારવાર હેઠળ
રાખવામાં આવ્યા છે. જ્યારે પાટણ જિલ્લામાં રાહતના સમાચાર આવતા માત્ર ૧ કેસ જ
નોંધાયો છે.
મૃત્યુઆંક-પોઝિટિવ કેસોની સંખ્યા છુપાવવા તંત્રના પેંતરા
આરોગ્ય તંત્ર દ્વારા મહેસાણા જિલ્લામાં કોરોનાથી મૃત્યુ
થનાર દર્દીઓ તેમજ કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યાની માહિતી છુપાવવા પ્રયાસો
હાથ ધર્યા છે. વળી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી સહિત આરોગ્ય તંત્રના અધિકારીઓ
ફોન ઉપાડવાનું ટાળી રહ્યા છે.
આ વિસ્તારને કન્ટેઈન્મેન્ટ એરીયા જાહેર કરાયા
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, વાવ,
વડગામ, કાંકરેજ, દાંતીવાડા અને
દાંતા તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાતા અસરગ્રસ્ત વિસ્તારોમાં કોરોનાનું
સંક્રમણ રોકવા કન્ટેન્મેન્ટ એરીયા જાહેર કરાયા છે. કોરોના વાઈરસના સંક્રમણને
અટકાવવા તકેદારીના ભાગરૃપે કન્ટેન લોકોની અવરજવર ઉપર ૨૮ દિવસ સુધી સંપુર્ણ
પ્રતિબંધ મુકાયો છે.
પાલનપુર-ડીસા,
ધાનેરામાં સવારના ૭ થી બપોરના ૪ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે
બનાસકાંઠામાં પાલનપુર અને ડીસામાં કોરોના વાઈરસ પર નિયંત્રણ
મેળવવા અને લોકોમાં સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ સંદિપ
સાગલેએ પાલનપુર અને ડીસા નગરપાલિકા વિસ્તારોમાં વેપારધંધો, ચા, નાસ્તાની લારીઓ, દુકાનો (મેડિકલ, દૂધ પાર્લર સિવા)
તમામ વોક-વે, બાગ
બગીચા સવારના ૭ કલાકથી બપોરના ૪ કલાક સુધી જ ખુલ્લા રાખવા જાહેરનામું પ્રસિધ્ધ
કર્યું છે.