ગાંધીનગરમાં સેકટર-રપ સિવાય તમામ સેકટરોમાં કોરોનાનો ચેપ
- મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોનાના 143 કેસ
ગાંધીનગર, તા. 7 જુન 2020, રવિવાર
લોકડાઉન ખુલ્યા બાદ ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ રાજયના મોટા શહેરો જેટલું જ વધી રહયું છે. ત્યારે ગાંધીનગર શહેરની વાત કરીએ તો અહીં સે-રપ સિવાય તમામ સેકટરોમાં કોરોના પ્રવેશી ચુકયો છે. પાડોશી એવા સે-ર૪માં ર૬ જેટલા કેસ છતાં સે-રપમાં હજુ સુધી એકપણ કોરોનાનો દર્દી નોંધાયો નથી જે સારી બાબત છે. જ્યારે સે-૩માં ૧૪, સે-રમાં ૧૧ અને સે-ર૯માં દસ કેસ જોવા મળ્યા છે. કોરોનાના વધતાં સંક્રમણના કારણે હજુ પણ લોકોમાં ડરનો માહોલ યથાવત રહેવા પામ્યો છે.
સૌથી વધારે સે-ર૪માં ર૬ કેસ છતાં સે-રપ હજુપણ સલામત સેકટર-૩માં ૧૪, સે-રમાં ૧૧ તો સે-ર૯માં ૧૦ કેસ નોંધાયા
વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ સામે ભારત હાલ લડી રહયું છે. ત્યારે પાટનગર ગાંધીનગર શહેરમાં ગત તા.૧૯ માર્ચે કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારબાદ લોકડાઉનની સ્થિતિના કારણે કોરોનાના કેસો ઉપર નિયંત્રણ લાવી શકાયું હતું. પરંતુ ગત તા.૧ જુનથી લોકડાઉનમાં છુટછાટ આપીને વેપાર ધંધા અન રોજગારી શરૃ કરી દેવામાં આવ્યા છે ત્યારે તેના કારણે કોરોનાનું સંક્રમણ સતત વધી રહયું છે. ગાંધીનગર જિલ્લો હાલ ૪૦૦ ઉપર ચાલી રહયો છે ત્યારે પાટનગર ગાંધીનગર શહેરની જ વાત કરીએ તો અહીં અત્યાર સુધી ૧૪૩ કેસ નોંધાઈ ચુકયા છે. જેમાં શહેરના સેકટર-રપ સિવાય તમામ સેકટરોમાં કોરોનાનો ચેપ પ્રસરી ચુકયો છે. સૌથી વધારે સે-ર૪માં ર૬ જેટલા કોરોનાના દર્દીઓ નોંધાઈ ચુકયા છે તેમ છતાં પાડોશી એવું સે-રપ કોરોનાના સંક્રમણથી બચી ગયું છે. તો સે-૩માં ૧૪ કેસ, સે-રમાં ૧૧ અને સે-ર૯માં દસ કેસ નોંધાયા છે. જ્યારે સે-૧૩, સે-રર, સે-૩/ન્યુમાં પાંચ-પાંચ કેસ, સે-ર૩માં સાત, સે-ર૧માં ૬, સે-૧રમાં ૪ કેસ નોંધાઈ ચુકયા છે. કોર્પોરેશન વિસ્તારના સેકટરો સિવાય કોર્પોરેશનમાં સમાવિષ્ટ ગામોમાં પણ કોરોનાનો પગપેસારો થઈ ચુકયો છે. ગોકુળપુરા છાપરામાં બે, ધોળાકુવામાં એક, બોરીજમાં એક, ચરેડી છાપરામાં એક અને જીઈબી છાપરામાં એક કેસ નોંધાયો છે. સેકટરો કરતાં છાપરા વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધતાં કોર્પોરેશન તંત્ર માટે પણ તે ચિંતાનો વિષય છે. હાલ તો ગાંધીનગરમાં સેકટરો કરતાં કન્ટેન્મેન્ટ ઝોન વધી ગયા છે ત્યારે આગામી દિવસોમાં સાવચેતી જ મહત્વની છે નહીંતર ઘર સુધી કોરોનાને પહોંચતા વાર નહીં લાગે.