લોકડાઉન ખુલી જતાં દેશી દારૂની હાટડીઓ ધમધમીઃપોલીસના દરોડા
- ધોળાકુવા, ભાટ, મેદરા, કોબા, વલાદ, જીઈબી છાપરા, વાવોલ અને ફતેપુરામાંથી પોલીસે દારૂ પકડયો
ગાંધીનગર,તા. 02 જૂન 2020,મંગળવાર
ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે મહિનાથી લોકડાઉનના કારણે ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકી ગઈ હતી ત્યારે હવે લોકડાઉન ખુલતાંની સાથે જ દેશી દારૂની હાટડીઓ પણ ધમધમવા લાગી છે. પોલીસે ઠેકઠેકાણે દરોડા પાડયા છે જેમાં ધોળાકુવા, ભાટ, મેદરા, કોબા અને પીંડારડા, વાવોલ, ફતેપુરામાંથી દેશી દારૂ પકડયો છે.
લોકડાઉનની સ્થિતિના કારણે જનજીવન સ્થગિત થઈ ગયું હતું ત્યારે કોરોના વાઈરસના સંકટ વચ્ચે પણ હવે જનજીવન ધબકતું કરવા માટે સરકારે છુટછાટ આપી દીધી છે ત્યારે અન્ય પ્રવૃતિઓની સાથે જ ગેરકાયદે એવી દેશી દારૂ ગાળવાની પ્રવૃતિ પણ શરૂ થઈ ગઈ છે.
જો કે ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા આ દેશી દારૂની હાટડીઓ શોધવા માટે ફરી કામગીરી શરૂ કરવામાં આવી છે અને બાતમીના આધારે દરોડા પાડી દારૂ પકડવામાં આવી રહયો છે. બુટલેગરો સામે પણ કાર્યવાહી કરાઈ રહી છે.
છેલ્લા ર૪ કલાકમાં ગાંધીનગર શહેર આસપાસમાં પોલીસે ધોળાકુવામાંથી દેશી દારૂ ગાળવાનો ૮૦૦ લીટર વોશ કબ્જે કર્યો હતો. જ્યારે ભાટ, મેદરા, વલાદ, જીઈબી છાપરા, પીંડારડા, કોબા, વાવોલ અને ફતેપુરામાંથી દેશી દારૂ કબ્જે કરીને બુટલેગરો સામે કાર્યવાહી કરી હતી.