ચંદ્રાલા પાસે હીટ એન્ડ રનની ઘટનામાં મોપેડ સવાર યુવાનનું મોત
- ચિલોડા-હિંમતનગર હાઈવે ઉપર
- નિકોલનો યુવાન ઘરેથી થોડીવારમાં આવુ છુ તેમ કહીને નિકળ્યો હતોઃપોલીસે વાહનની શોધખોળ શરૂ કરી
ગાંધીનગર,તા. 01 જૂન 2020,સોમવાર
ગાંધીનગર જિલ્લામાં લોકડાઉન ખુલતાંની સાથે જ વાહન વ્યવહાર પણ પૂર્વવત થઈ ગયો છે. પરંતુ અકસ્માતની ઘટનાઓ પણ સતત વધી રહી છે. ગઈકાલે સાંજે ચંદ્રાલા પાસે મોપેડ સવાર નિકોલના યુવાનને અજાણ્યા વાહને અડફેટે લઈ લીધો હતો. જેમાં આ યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. આ ઘટના અંગે ચિલોડા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર વાહન ચાલકને પકડવા માટે દોડધામ શરૂ કરી છે.
બે મહિનાના લોકડાઉન બાદ હવે અનલોક-૧ શરૂ કરી દેવામાં આવ્યું છે. ધંધા રોજગાર શરૂ થતાંની સાથે જ હાઈવે માર્ગો ઉપર વાહન વ્યવહાર પણ પૂર્વવત બની ગયો છે જો કે તેના કારણે અકસ્માતના બનાવો પણ વધી રહયા છે. અમદાવાદના નિકોલ ખાતે તીર્થભુમિ રેસીડેન્સીમાં મકાન નં.બી/૧૦ર ખાતે રહેતો યુવાન જયેશભાઈ ગોપાલભાઈ પટેલ ગઈકાલે બપોરે તેના ઘરેથી મોપેડ નં.જીજે-૧૮-પી-પ૯૯૯ લઈને થોડીવારમાં આવું છું તેમ કહી નીકળ્યો હતો.
દરમ્યાનમાં ગાંધીનગર નજીક ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર કોઈ અજાણ્યા વાહને જયેશના મોપેડને અડફેટે લીધું હતું અને શરીરે ગંભીર ઈજાઓના કારણે તેનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. અકસ્માતની ઘટના બાદ વાહનચાલક તેનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકો પણ ત્યાં એકઠાં થઈ ગયા હતા અને મૃતક યુવાન પાસે રહેલા ફોનના આધારે તેના મોટાભાઈ કમલેશભાઈને જાણ કરી હતી. જેથી પરિવારજનો સથળ ઉપર પહોંચ્યા હતા અને આ ઘટના અંગે ચિલોડા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર વાહનચાલકને પડકવા શોધખોળ આદરી છે.