બે મોત સહિત નવા 25 કેસઃગાંધીનગરમાં કોરોના 500ને પાર
- સેક્ટર-14ના વૃદ્ધનું મોત પાટનગરમાં વધુ પાંચ કેસ

ગાંધીનગર, તા.16 જૂન 2020,મંગળવાર
ગાંધીનગરમાં તા.19 માર્ચના રોજ દુબઇથી આવેલો કોરોના વાયરસે 89 દિવસે પ00નો આંકડો વટાવી દીધો છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં આજે વધુ રપ કેસ સામે આવતાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા પ00ને પાર થઇ ગઇ છે. તો બીજી બાજુ મોતનો આંકડો પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે. શહેર અને જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટિવ 30થી વધુ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગાંધીનગર શહેરી વિસ્તારમાં પોઝિટિવ દર્દીઓ 167 જેટલાં થયાં છે. જ્યારે ગાંધીનગર તાલુકામાં 116, દહેગામમાં 39, માણસામાં 28 તથા કલોલમાં 128 પોઝિટિવ દર્દીઓ અત્યાર સુધી સરકારી ચોપડે નોંધાયાં છે. કલોલમાં 12 દર્દીઓ સહિત 30 થી વધુ વ્યક્તિઓના મોત પણ અત્યાર સુધીમાં થયાં હોવાનં સામે આવી રહ્યું છે.
ગાંધીનગર કોર્પોરેશનમાં કોરોના પોઝિટિવ વધુ એક દર્દીનું મોત થયું છે. સેક્ટર-14માં રહેતા 68 વર્ષિય વૃદ્ધનું કોરોના પોઝિટિવ તથા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગઇકાલે આ વૃદ્ધે અહીં આખરી શ્વાસ લીધા હતાં. ત્યારે સેક્ટર-7માં બે, સેક્ટર-3, સેક્ટર-3/એ ન્યુ તથા સેક્ટર-13/એમાં એક-એક નવા દર્દી નોંધાયાં છે.
ગાંધીનગર શહેરમાં ઉમંગના દાદા ઉપરાંત સે-24ની યુવતી તેમજ સેક્ટર-28ના વૃદ્ધનું મોત કોરોનાથી થયું હતું. ત્યારે તા.9મી જુને તાવ સહિત અન્ય તકલીફો તથા સે-14ના 68 વર્ષિય વૃદ્ધને ગાંધીનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જેમનો કોરોના રીપોર્ટ કરાવતાં તેમનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ કોવિડ વોર્ડમાં આ વૃદ્ધને સારવાર આપવામાં આવી રહી હતી પરંતુ ગઇકાલે આ પોઝિટિવ દર્દી કોરોના સામેની જંગ હારી ગયા હતા અને તેમનું મૃત્યુ થયું હતું. આ સાથે કોર્પોરેશનમાં ચાર કોરોના પોઝિટિવ દર્દીઓના મોત નિપજ્યાં છે. તો આજે નવા પાંચ દર્દીઓ પણ ઉમેરાયાં છે. સેક્ટર-3/એ ન્યુમાં રહેતો 38 વર્ષિય યુવાન કે જે વિસનગરની આઇટીઆઇમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવે છે તે પોઝિટિવ આવ્યો છે. જેની એપોલો હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 
અમદાવાદ બોપલ જઇને આવ્યા બાદ સેક્ટર-3 ડી માં રહેતાં 37 વર્ષિય મહિલા પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. આ પોઝિટિવ મહિલાના ઘરના પાંચ વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીમાં જોબ કરતાં અને સેક્ટર-7/એમાં રહેતું યુવા દંપતિ પણ કોરોનામા સપડાયું છે. જેમની ગાંધીનગર સિવિલમાં સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત સેક્ટર-13/એમાં રહેતો 31 વર્ષિય યુવાનનો રીપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. 
સે-7નું દંપતિ, સે-3/ડીની મહિલા, સે-3/ન્યુનો કર્મચારી અને સેક્ટર-13માં રહેતો યુવાન કોરોના પોઝિટિવ
| ક્રમ | ઉંમર | પુ/સ્ત્રી | વિસ્તાર | 
| 1 | 37 | પુરુષ | સે-3/ન્યુ | 
| 2 | 37 | સ્ત્રી | સે-3/ડી | 
| 3 | 25 | પુરુષ | જ-ટુ, સે-7/એ | 
| 4 | 23 | સ્ત્રી | જ-ટુ, સે-7/એ | 
| 5 | 31 | પુરુષ | સેક્ટર-13/એ | 
સરગાસણ, કુડાસણ, કોલવડા, પેથાપુર, ચિલોડામાંથી કોરોનાના કેસ મળી આવ્યાં
ગાંધીનગર તાલુકામાં પણ કલોલની જેમ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા દિવસે અને દિવસે વધી રહી છે. આજે સરગાસણ, કુડાસણ, પેથાપુર, ચિલોડા, કોટેશ્વર, ઉવારસદ, કોલવડામાંથી પોઝિટિવ દર્દીઓ મળી આવ્યાં છે.
આરોગ્ય વિભાગના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે જમિયતપુરમાં રહેતો 32 વર્ષિય યુવાન કે જે અમદાવાદની પ્રાઇવેટ હોસ્પિટલમાં નોકરી કરે છે. આ કોરોના વોરિયર્સ કોરોનામાં પટકાયો છે. મળતી માહિતી પ્રમાણે છેલ્લા અઠવાડીયાથી આ યુવાન ગામમાં આવ્યો નથી. તો બીજી બાજુ પેથાપુરમાં રહેતા 52 વર્ષિય કર્મચારી કોરોનાગ્રસ્ત થયાં છે. નવા સચિવાલયમાં આવેલા નર્મદા નિગમમાં આ કર્મચારી ફરજ બજાવતાં હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારે કોલવડામાં રહેતો યુવાન કે જે છુટક કામ કરે છે તે પણ કોરોનાથી સંક્રમિત થયો છે. લોકડાઉન દરમિયાન આ યુવાન બહાર નહીં ગયો હોવાની પ્રાથમિક વિગત સાપડી રહી છે. જ્યારે સરગાસણમાંથી બે કેસ સામે આવ્યા છે. 38 વર્ષિય મહિલા ઉપરાંત 44 વર્ષિય પુરુષ પણ કોરોનાગ્રસ્ત થયાં છે. કુડાસણની 38 વર્ષિય મહિલા કોરોનામાં સપડાઇ છે. જ્યારે કોટેશ્વરમાં 49 વર્ષિય પુરુષ, ઉવારસદના 63 વર્ષિય વૃદ્ધા અને ચિલોડાના 40 વર્ષિય યુવાન કોરોનાથી ચેપગ્રસ્ત થયાં છે.
| ક્રમ | ઉંમર | પુ/સ્ત્રી | વિસ્તાર | 
| 1 | 44 | પુરુષ | સરગાસણ | 
| 2 | 32 | પુુરુષ | જમિયતપુરા | 
| 3 | 53 | પુરુષ | પેથાપુર | 
| 4 | 38 | સ્ત્રી | કુડાસણ | 
| 5 | 40 | પુરુષ | ચિલોડા | 
| 6 | 23 | પુરુષ | કોલવડા | 
| 7 | 49 | પુરુષ | કોટેશ્વર | 
| 8 | 63 | સ્ત્રી | ઉવારસદ | 
| 9 | 38 | સ્ત્રી | સરગાસણ | 
કલોલમાં વૃદ્ધના મોત ઉપરાંત કોરોનાના નવા 8 કેસ નોંધાયાં
કલોલમાં ગઇકાલ સુધી 120 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયાં હતાં. ત્યારે આજે વધુ આઠ કેસનો ઉમેરો થયો છે. જેની સાથે જિલ્લામાં સૌથી વધારે 128 પોઝિટિવ દર્દીઓ કલોલમાંથી સામે આવી રહ્યાં છે. જે પૈકી 12 વ્યક્તિઓના મોત પણ નિપજ્યાં છે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના આંતરિક સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે રવિવારે કલોલની જયઅંબે સોસાયટીમાં રહેતાં 65 વર્ષિય વૃદ્ધને દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમનો કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવતાં કોવિડ વોર્ડમાં તેમની સારવાર કરવામાં આવી રહી હતી ત્યારે ગઇકાલે સાંજે આ વૃદ્ધ કોરોના સામે હારી ગયા હતા અને ગાંધીનગર સિવિલમાં આખરી શ્વાસ લીધો હતો. કોરોનાગ્રસ્ત મૃતદેહ હોવાના કારણે ડબલ કોટેડ પોલીથીનમાં તેમના મૃતદેહને ગાંધીનગરના અંતિમધામમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતાં. ત્યારે આજે કલોલમાંથી વધુ આઠ પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યાં છે.
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા જાસપુરમાં રહેતો 32 વર્ષિય યુવાન કોરોનાથી સંક્રમિત થયો છે. જ્યારે કલોલના વ્હાઇટ હાઉસમાં રહેતા 60 વર્ષિય પુરુષ, 65 વર્ષિય વૃદ્ધા, કામધેનું ફલેટમાં રહેતા 50 વર્ષિય પુરુષ, ગોવર્ધનપાર્કમાં રહેતા 57 વર્ષિય મહિલા, 70 વર્ષિય વૃધ્ધા કોરોનામાં સપડાયાં છે. જેમની ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યારે આનંદપાર્ક સોસાયટીમાં રહેતા 51 વર્ષિય આધેડ અને કર્મયોગી સોસાયટીમાં રહેતા 65 વર્ષિય વૃદ્ધાનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. કલોલમાં વધતાં જતાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા અને મૃત્યુઆંકના કારણે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. તો બીજી બાજુ આરોગ્ય તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. આવી સ્થિતિમાં સોશ્યલ ડીસ્ટસીંગ રાખવા અને માસ્ક પહેરવા માટે તંત્રએ સુચન કર્યું છે.
કલોલમાં વધતાં જતાં કેસથી સ્થાનિકોમાં ફફડાટ આરોગ્ય તંત્ર ચિંતામાં
| ક્રમ | ઉંમર | પુ/સ્ત્રી | વિસ્તાર | 
| 1 | 32 | પુરુષ | જાસપુર,કલોલ | 
| 2 | 60 | પુરુષ | વ્હાઇટહાઉસ | 
| 3 | 65 | સ્ત્રી | કલોલ | 
| 4 | 50 | પુરુષ | કામધેનુ ફલેટ | 
| 5 | 57 | સ્ત્રી | ગોવર્ધનપાર્ક | 
| 6 | 70 | સ્ત્રી | કલોલ | 
| 7 | 51 | પુરુષ | આનંદપાર્ક
  સોસા. | 
| 8 | 65 | સ્ત્રી | કર્મયોગી
  સોસા. | 
દહેગામના નાંદોલમાં બે અને બાબરામાં કોરોનાનો એક દર્દી
દહેગામ તાલુકામાં આજે વધુ બે પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. આરોગ્ય વિભાગના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે દહેગામ તાલુકાના  બાબરા ગામનો 27 વર્ષિય યુવાન સંક્રમિત થયો છે. સેક્ટર-28ની કંપનીમાં કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવતો આ યુવાન છેલ્લા ઘણા દિવસથી બાબરા ગામમાં ગયો નથી.આ પોઝિટિવ યુવાનની સારવાર ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. નાંદોલ ગામમાં રહેતાં 52 વર્ષિય આધેડ પણ કોરોનાગ્રસ્ત થયાં છે. 
ખેતીવાડીના વ્યવસાય સાથે સંકળાયેલા આ આધેડ શાકભાજી માટે દહેગામ જતાં-આવતાં હોવાનું આરોગ્ય વિભાગના ધ્યાને આવ્યું છે. આ ઉપરાંત દહેગામ - નાંદોલ રોડ ઉપર આવેલાં ફાર્મમાં રહેતો 42 વર્ષિય યુવાન કોરોના પોઝિટિવ આવ્યો છે. મંડપ-ડેકોરેશનના ધંધા સાથે સંકળાયેલા આ યુવાનને તાવ, શરદી અને કફની તકલીફ થતાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં કોરોનાનો ટેસ્ટ કરાવતાં તે પોઝિટિવ આવ્યો છે. આ કોરોના પોઝિટિવ યુવાનના ઘરના છ વ્યક્તિઓને કવોરેન્ટાઇન કરવામાં આવ્યાં છે.


