Get The App

કોર્પોરેશનમાં ગામો ભળતાં ગાંધીનગર જિલ્લા પંચાયતની 2 સીટ ઘટી

- અગાઉ ૩૦ બેઠક હતી તેની હવે ૨૮ સીટ થઇ : કુડાસણ અને વાવોલ બેઠકને ખાસ અસર થશે, વિસ્તારનું સમીકરણ પણ બદલવું પડશે

Updated: Jul 22nd, 2020

GS TEAM

Google News
Google News
કોર્પોરેશનમાં ગામો ભળતાં ગાંધીનગર જિલ્લા પંચાયતની 2 સીટ ઘટી 1 - image


ગાંધીનગર, તા. 22 જુલાઇ 2020, બુધવાર

ગાંધીનગર તાલુકાના ૧૮ ગામો કોર્પોરેશનમાં ભળી જવાને કારણે તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકોને ખાસ અસર થઇ છે ત્યારે ગાંધીનગર જિલ્લા પંચાયત ટર્મ હવે આગામી ડિસેમ્બરમાં પુર્ણ થવા જઇ રહી છે ત્યારે સરકારે પંચાયતની બેઠકો જાહેર કરી છે જેમાં અગાઉ ૩૦ બેઠકો ગાંધીનગર જિલ્લા પંચાયતની હતી તેમાં બે સીટનો ઘટાડો કરીને હવે ૨૮ બેઠકો કરવામાં આવી છે. કુડાસણ બેઠકના તમામ ગામો કોર્પોરેશનમાં ભળી ગયા છે ત્યારે કુડાસણ બેઠકનો છેદ ઉડી જશે સાથે સાથે વાવોલ પણ શહેરીવિસ્તારમાં આવી ગયું હોવાથી તે બેઠક પણ રહેશે નહીં. આ ઉપરાંત અન્ય બેઠકોના વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં ફેરફાર કરવામાં આવશે. 

ગાંધીનગર અમદાવાદ ટ્વિનસીટી પ્રોજેક્ટ હેઠળ ગાંધીનગર તાલુકા અને જિલ્લાના ઘણા ગામો ગાંધીનગર કોર્પોરેશનમાં તથા કેટલાક ગામો અમદાવાદ કોર્પોરેશનમાં સામીલ કર્યા છે. જેને લઇને ગાંધીનગર તાલુકાની ઘણી બેઠકોનો છેદ ઉડી ગયો છે તો જિલ્લા પંચાયતની પણ ઘણી બેઠકોમાંથી ગામો કોર્પોરેશનમાં ભળ્યા હોવાને કારણે જિલ્લા પંચાયતનો વિસ્તાર ઘટયો છે તેની સીધી અસર જિલ્લા પંચાયતની બેઠકો ઉપર પડી છે. આ બાબતે તાજેતરમાં રાજ્ય સરકારના વિકાસ કમિશ્નરે ગેજેટ પણ બહાર પાડયું હતું. જે મુજબ ગાંધીનગર જિલ્લા પંચાયતની ૨૮ બેઠકો થઇ છે. ગત સ્થાનિકસ્વરાજ્યની ચુંટણી વખતે ગાંધીનગર જિલ્લા પંચાયતની બેઠકોની સંખ્યા ૩૦ હતી  ત્યારે ૧૮ ગામો ગાંધીનગર કોર્પોરેશનમાં ભળી જતાં કુડાસણ બેઠકનો છેદ ઉડી ગયો છે. તો બીજી બાજુ વાવોલ સહિતના ઘણા ગામો કોર્પોરેશનમાં સમાવી લેવામાં આવ્યા છે. જેથી આ બે બેઠકો સીધી રીતે ઘટશે તેમ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. ૩૦ બેઠકમાંથી ૨૮ બેઠક જિલ્લા પંચાયતની કરવામાં આવી છે. જ્યારે રાંધેજા ગામ પણ ગાંધીનગર કોર્પોરેશનમાં ઉમેરવામાં આવ્યું છે જેથી વિસ્તારનું સમીકરણ પણ આગામી દિવસોમાં બદલવામાં આવશે. ગાંધીનગર જિલ્લા પંચાયતની ૨૮ સીટ કરી દેવામાં આવી છે. ત્યારે સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીના નિયમો પ્રમાણે પ૦ ટકા બેઠકો મહિલા અનામત રાખવામાં આવશે. જ્યારે એસ.સી. કેટેગરી માટે એક એસ.ટી. કેટેગરી માટે પણ એક જ્યારે ઓબીસી માટે ત્રણ તથા જનરલ કેટેગરીની ૨૩ બેઠકો રહેશે. આગામી ડીસેમ્બર માસમાં પંચાયતની ટર્મ પુરી થવાની છે ત્યારે સરકારના આ ગેજેટને લઇને રાજકીય ઉત્તેજના ઉભી થઇ છે. 

દહેગામ તાલુકા પંચાયતની ૨૮ જ્યારે કલોલ અને માણસાની ૨૬-૨૬ સીટ

કોર્પોરેશનમાં ગામો સમાવવાના પગલે ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર ઘટયો છે. જેની સીધી અસર તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો ઉપર થઇ છે. જિલ્લા પંચાયતની બેઠકોમાં બેનો ઘટાડો થયો છે જ્યારે રાજ્યના વિકાસ કમિશ્નરે તાજેતરમાં પાડેલા ગેજેટમાં દહેગામ, કલોલ અને માણસા તાલુકા પંચાયતની બેઠકોનો પણ ઉલ્લેખ  કર્યો છે. ગાંધીનગર જિલ્લાની દહેગામ તાલુકા પંચાયતની કુલ ૨૮ બેઠકો છે. જ્યારે કલોલ અને માણસા તાલુકા પંચાયતની ૨૬-૨૬ બેઠકો છે. ઉલ્લેખનીય છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંંટણી દરમિયાન દહેગામ, કલોલ અને માણસા તાલુકા પંચાયતની ચૂંટણી પણ યોજાનાર છે. જ્યારે ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીને હજુ અઢી વર્ષથી વધુ સમયની વાર છે. જેથી ગાંધીનગર તાલુકા પંચાયતની બેઠકોની સંખ્યા હાલ જાહેર કરવામાં આવી નથી.

Tags :