એક મોત સહિત ગાંધીનગરમાં વધુ 12 કેસ
ગાંધીનગર,તા. 15 મે 2020, શુક્રવાર
ગાંધીનગર શહેર નજીક આવેલા અડાલજ અન્નપૂર્ણા સર્કલ પાસે રહેતાં અને વાંસની ટોપલીઓ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલો યુવક પોઝિટિવ આવ્યો હતો અને અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ હતો. આરોગ્ય તંત્રએ અગાઉ આ આલ્કોહોલીક યુવાનને સરકારી ચોપડે મૃત પણ જાહેર કરીદીધો હતો ત્યારે આ દર્દી છેલ્લા દસ દિવસથી અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ હતો. ત્યારે ગઈકાલે આ યુવકનું આખરે મોત નીપજયું હતું. ગાંધીનગર શહેરમાં એક અને જિલ્લામાં છ મળી કુલ સાત કોરોના પોઝિટિવ દર્દીઓના મોત અત્યાર સુધી નીપજયા છે ત્યારે આજે વધુ ૧ર પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જો કે સરકારી ચોપડે ફકત ૧૧ દર્દી જ નોંધાયા છે. તે સાથે પોઝિટિવ દર્દીઓનો આંકડો ૧પ૭ સુધી પહોંચી ગયો છે.
સેકટર-24 ઈન્દીરાનગરમાંથી વધુ એક કેસ પ્રકાશમાં આવ્યો
ગાંધીનગર શહેરમાં વસ્તી ગીચતાની દ્રષ્ટીએ સૌથી મોટા સે-ર૪માં ગઈકાલ સુધી સૌથી વધારે ૧૦ કેસ હતા તેમાં આજે એક પોઝિટિવ દર્દી ઉમેરાયો છે. આ અંગે કોર્પોેરેશનમાંથી મળતી વિગતો પ્રમાણે સે-ર૪ ઈન્દિરાનગરમાંથી અગાઉ ૧ર વર્ષીય બાળક પોઝિટિવ આવ્યું હતું. શાકભાજી અને ફળના વેચાણ સાથે સંકડાયેલા આ પરિવારના સભ્યોને કવોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. ત્યારે આ પોઝિટિવ બાળ દર્દીના ઘરથી બે ઘર છોડીને રહેતો ર૮ વર્ષીય યુવાનનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા ઘણા દિવસથી તાવ અને ખાંસીની સમસ્યાથી પીડાતાં દર્દીએ ગઈકાલે કોવિડ ટેસ્ટ કરાવતાં તે પોઝિટિવ આવ્યો છે. દર્દીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. સે-ર૪માં આ સાથે પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૧૧ થઈ છે. સે-ર૪ના આ પોઝિટિવ દર્દીના ઘરના છ સભ્યોને કોર્પોરેશને ફેસેલીટી કવોરેન્ટાઈન કર્યા છે.
સે-27માં રહેતી બેંકની મહિલા કર્મચારી પણ કોરોનામાં સપડાઈ
ગાંધીનગર શહેરમાં અમદાવાદ કનેકશનના કારણે દિવસેને દિવસે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. સે-ર૭માં આજે પોઝિટિવ આવેલી યુવતિ પણ અમદાવાદના સાથી કર્મીઓથી સંક્રમિત થઈ હોવાનું આરોગ્ય વિભાગના સુત્રોમાંથી માહીતી મળી રહી છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેરના સે-ર૭માં રહેતી અને સે-ર૬માં આવેલી વિજયા બેંકની બ્રાન્ચમાં નોકરી કરતી ૩૬ વર્ષીય યુવતિને છેલ્લા ઘણા દિવસોથી શરદી, ખાંસી અને તાવની તકલીફ હતી. જેને લઈને તેણીએ ગઈકાલે કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. જે આજે પોઝિટિવ આવ્યો છે. કોર્પોરેશને તેણીની હીસ્ટ્રી તપાસતાં આ યુવતિ જ્યાં નોકરી કરે છે તે બેંકમાં બે કર્મચારીઓ અમદાવાદના હોટ સ્પોટ એવા દાણીલીમડા અને સરદારનગરમાંથી આવે છે. આ કર્મીઓના કારણે યુવતિ સંક્રમિત થઈ છે. યુવતિને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જયારે આ પોઝિટિવ યુવતિના ઘરમાં રહેતાં બે સભ્યોને હોમ કવોરેન્ટાઈ કરવામાં આવ્યા છે તો પોઝિટિવ યુવતિના સાથી સાત કર્મચારીઓને પણ કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
માણસા સિવિલમાં ડિલિવરી કરાવી હતી
પ્રસુતિના બીજા દિવસે જ મહિલા પોઝિટિવ : આરોગ્ય તંત્ર દોડતું થયું
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલા અમરાપુર ગામમાંથી આજે એક પોઝિટિવ કેસ સામે આવતાં સમગ્ર આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે. આંતરિક સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમરાપુર ગામમાં રહેતી ૨૦ વર્ષિય મહિલાની ગઇકાલે માણસા સિવિલ હોસ્પિટલમાં ડિલિવરી કરવામાં આવી હતી. જેમાં આ મહિલાના કોખે બાળકીનો જન્મ થયો હતો. જન્મ થયાં બાદ આ પ્રસુતા મહિલા એટલે કે માતાનું સેમ્પલ લેવામાં આવ્યું હતું અને તેનો કોવિડ ટેસ્ટ કરાયો હતો. જેમાં આ પ્રસુતા પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે સ્થાનિક આરોગ્ય તંત્ર દોડતું થયું છે. પ્રસુતાના ઘરે જઇને આરોગ્યની ટીમ દ્વારા પુછપરછ કરવામાં આવી છે તેમ છતાં દર્દીને ચેપ ક્યાંથી લાગ્યો તેનો કોઇ ખ્યાલ આવતો નથી. તો બીજી બાજુ માણસા સિવિલમાં આ પેસન્ટ પોઝિટિવ હોવા અંગે જાણ કરવામાં આવી છે. જેથી આ દર્દીના સંપર્કમાં આવેલા ડોક્ટર સહિત સ્ટાફને કવોરેન્ટાઇન જવાની ફરજ પડશે. નોધવું રહેશે કે, આ એક દિવસના બાળકનો ટેસ્ટ કરવામાં આવશે કે નહીં તે અંગે ગાંધીનગર સિવિલના તબીબો દ્વારા ઉચ્ચકક્ષાએથી માર્ગદર્શન મેળવવામાં આવી રહ્યું છે.હાલ આ માતા અને નવજાતશીશુ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
કલોલના ઉંડાવાસમાં રહેતાં પિતા અને પુત્ર સંક્રમિત થયાં
ગાંધીનગર તાલુકા ઉપરાંત કલોલ તાલુકામાં કોરોનાના વધુ કેસ ઉડીને આંખે વળગે છે. આ બંને તાલુકામાં અમદાવાદ કનેક્શનના કારણે સંક્રમણ ખુબ જ ઝડપથી ફેલાયું છે. ત્યારે કલોલના ઉંડાવાસમાં રહેતી મહિલા અગાઉ પોઝિટિવ આવી હતી. જેના ઘરમાં રહેતાં તેના પતિ અને પુત્રને હોમકવોરેન્ટાઇન કર્યા હતા. જેમનો ગઇકાલે રીપોર્ટ કરતાં આ બંને પિતા-પુત્ર પોઝિટિવ આવ્યા છે. ૫૭ વર્ષિય પિતા અને ૨૪ વર્ષિય પુત્રનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કલોલમાં વધતાં જતાં કેસને લઇને સ્થાનિક આરોગ્ય તંત્ર દોડતું થયું છે.
કલોલના ઇન્દ્રપ્રસ્થ ફલેટમાં પતિ બાદ પત્ની પણ પોઝિટિવ
કલોલમાં આવેલા ઇન્દ્રપ્રસ્થ ફલેટમાં ૫૦ વર્ષિય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલાના પતિનો અગાઉ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ગાંધીનગર સારવાર માટે ખસેડાયા હતા અને તેમના પત્ની સહિત પરિવારજનોને ફેસેલિટી કવોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. જો કવોરેન્ટાઇનમાં રહેલી મહિલામાં પણ કોરોનાના લક્ષણો જણાતા સેમ્પલ લેવામાં આવ્યું હતું. ત્યારે આજે મહિલાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેણીને પણ ગાંધીનગર ખાતે સારવાર માટે ખસેડવામાં આવી છે. આ ઉપરાંત આ વિસ્તાર આરોગ્ય તંત્ર દ્વારા સેનેટાઇઝ કરવામાં આવ્યો છે અને સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે.
નવ માસનો ગર્ભ ધરાવતી છાલાની મહિલા પોઝિટિવ
છાલા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી નર્સ અગાઉ પોઝિટિવ આવી હતી અને તબક્કાવાર તેના પરિવારના પાંચ સભ્યો પોઝિટિવ આવ્યા છે. ત્યારે છાલાના નવાઘર વિસ્તારમાં રહેતી રપ વર્ષિય મહિલા કે જેને નવ માસનો ગર્ભ છે તે પણ પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે. આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે આ ગર્ભવતી મહિલાએ તા.૩૦ એપ્રિલે સામુહિક આરોગ્ય કેન્દ્ર છાલાની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તા.૯ મેના રોજ દવા લેવા માટે દહેગામની ખાનગી હોસ્પિટલમાં ગયા હતા. છેલ્લા ઘણા દિવસથી તકલીફ હોવાના કારણે આ સગર્ભાનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે પોઝિટિવ આવતાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
પલસાણામાં રહેતા વોટર વર્કસના કર્મીની સાત વર્ષની પુત્રી પોઝિટિવ
કલોલ તાલુકામાં આવેલા જાસપુર વોટર વર્કસમાં કામ કરતાં દસ જેટલા કર્મચારીઓ કોરોનામાં સપડાયાં હતાં. અમદાવાદ, ગાંધીનગર અને કલોલમાં રહેતા આ કર્મચારીઓના પરિવારજનોને કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે ત્યારે તેમાંથી પોઝિટિવ દર્દીઓ હવે સામે આવી રહ્યાં છે. પલસાણામાં રહેતા અને વોટર વર્કસમાં ફરજ બજાવતો કર્મી પોઝિટિવ આવતાં તેના પરિવારજનોને કવોરેન્ટાઇન કર્યા હતા. જે પૈકી ગઇકાલે તેની સાત વર્ષની પુત્રીનો કોરોના ટેસ્ટ કર્યો હતો. જે આજે પોઝિટિવ આવ્યો છે. બાળકોમાં વધતા જતાં કોરોનાના સંક્રમણથી આરોગ્યતંત્ર ચિંતામા મુકાયું છે.
કવોરેન્ટાઇન સેન્ટરની કેન્ટીનમાં ફરજ બજાવતો રાંચરડાનો યુવક ચેપગ્રસ્ત
કલોલ તાલુકાના રાંચરડામાં છ વર્ષનો બાળક કોરોનાને હરાવીને સ્વસ્થ થઇ ગયો છે જે હકારાત્મક સમાચારથી કોરોનાગ્રસ્ત દર્દીઓને પ્રેરણા મળી રહી છે ત્યારે રાંચરડામાં આરોગ્ય તંત્રએ ઉભી કરેલી ફેસીલી કવોરેન્ટાઇન સેન્ટરમાંથી પોઝિટિવ દર્દી આજે મળી આવ્યો છે. આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે કવોરેન્ટાઇન ફેસીલીની કેન્ટીનમાં ૧૮ વર્ષિય યુવક ફરજ બજાવતો હતો. આ યુવકને ઘણા દિવસથી તાવ સહિતની તકલીફ હતી. જેથી તેનો ગઇકાલે ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે આજે પોઝિટિવ આવતાં તેની સાથે કામ કરતાં કર્મચારીઓને કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે તેને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
કુડાસણ સોસાયટી વિસ્તારમાંં કેસ આવતાં રહિશોમાં ફફડાટ
ગાંધીનગર શહેરને અડીને આવેલા કુડાસણની સોસાયટી વિસ્તાર છેલ્લા ઘણા વખતથી વિકસી છે અહીં દસ હજારથી પણ વધારે લોકો રહે છે ત્યારે કુડાસણની હરીગોલ્ડ સોસાયટીમાં આજે કોરોના પોઝિટિવ દર્દી આવતાં રહિશોમાં ફફડાટ ફેલાયો છે. આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ કેડીલામાં નોકરી કરતો ૩૭ વર્ષિય યુવાન તેની ઓફિસમાં અન્ય કર્મી પોઝિટિવ આવવાના કારણે સેલ્ફ કવોરેન્ટાઇન થઇ ગયો હતો તા.૩ મે આ યુવાન ઓફિસે જતો ન હતો ત્યારે છેલ્લા ઘણા દિવસથી તેને તાવ અને ગળામાં બળતરા સહિતની તકલીફ થતાં તેણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. જેથી આ યુવાનને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે સાવચેતીના ભાગરૂપે આ યુવાનની પત્નિ અને તેના સાત વર્ષિય પુત્રને કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
દહેગામ આરોગ્ય કેન્દ્રની લેબ ટેકનીશીયન કોરોનામાં સપડાઇ
- શબ્દલપુર સબસેન્ટરનો મલ્ટીપરપઝ હેલ્થવર્કર પોઝિટિવ
કોરોનાના કપરા કાળમાં પોતાની અને પરિવારની ચિંતા કર્યા વગર જ આરોગ્ય કર્મી દિવસ રાત ફરજ બજાવી રહ્યાં છે ત્યારે આ કોરોના વોરિયર્સ પણ હવે કોરોનામાં સપડાઇ રહ્યાં છે ગાંધીનગર તાલુકાના પાટનાકુવા આરોગ્ય કેન્દ્રના શબ્દલપુર સબસેન્ટરનો હેલ્થવર્કર અને દહેગામ આરોગ્ય કેન્દ્રની લેબ ટેકનીશીયન કોરોનામાં સપડાઇ છે.
ગાંધીનગર તાલુકાના છાલા આરોગ્ય કેન્દ્રની સ્ટાફ નર્સ અગાઉ પોઝિટિવ આવ્યા બાદ ગાંધીનગર જિલ્લાના દહેગામ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી પર વર્ષિય લેબ ટેકનીશીયન કોરોનામાં સપડાઇ છે. આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી દરરોજ અપડાઉન કરતી આ લેબ ટેકનીશીયનને છેલ્લા ઘણા દિવસથી શારીરીક તકલીફ થઇ હતી. જેને લઇને તેણીએ ગઇકાલે કોરોના ટેસ્ટ કરાવ્યો છે. જે આજે પોઝિટિવ આવ્યો છે. આ લેબ ટેકનીશીયન છેલ્લા આઠ દિવસથી રજા ઉપર હોવાનું સામે આવ્યું છે. દહેગામ સામુહિક આરોગ્ય કેન્દ્રના લેબ ટેકનીશીયન ઉપરાંત ગાંધીનગર તાલુકાના પાટનાકુવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના શબ્દલપુર સબસેન્ટરનો મલ્ટીપરપઝ હેલ્થવર્કર પણ પોઝિટિવ આવ્યો છે. હાલીસામાં પોઝિટિવ કેસ આવ્યા તે વખતે તેમજ કોરોનાની કામગીરીમાં છેલ્લા ઘણા વખતથી રજા લીધા વગર સતત ફરજ બજાવતા શબ્દલપુરના ૩૮ વર્ષિય યુવાન કોરોનામાં સપડાયાં છે. આ યુવાન મલ્ટીપરપઝ હેલ્થવર્કર તરીકે સેવા આપે છે. જેમને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.