mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ફેંકી દેવાતા ગંદા પાણીને ગોબરમાં રહેલા બેક્ટેરિયા સ્વચ્છ કરી આપે છે

Updated: Dec 26th, 2023

ફેંકી દેવાતા ગંદા પાણીને ગોબરમાં રહેલા બેક્ટેરિયા સ્વચ્છ કરી આપે છે 1 - image


- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

પર્યાવરણવિદો છેલ્લાં કેટલાંક વરસથી સતત કહે છે કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો પાણી માટે થશે. દિવસે દિવસે દુનિયા આખીમાં પીવાના પાણીની તંગી વધતી જાય છે. બાળકોને સ્કૂલમાં ભણાવાય છે કે વિશ્વમાં ત્રણ ભાગ મહાસાગરો છે. માત્ર એક ભાગ જમીન છે. આજકાલ દુબઇ, મુંબઇ, બેંગલોર, ટોકિયો, ન્યૂયોર્ક, સિંગાપોર, હોંગકોંગ વગેરે સ્થળે પચાસ પચાસ મજલાના ટાવર ઊભા કરાય છે. વધી રહેલી વસતિને રહેઠાણ આપવા ટાવર્સ બને એ જરૂરી છે. પરંતુ આ ટાવર્સ દ્વારા રોજ લાખો ગેલન ગંદું પાણી ગટર દ્વારા વહેતું થાય છે.

 એ નજીકની નદીઓમાં કે દરિયામાં જાય છે અને જળ સૃષ્ટિને ભયંકર નુકસાન કરે છે. આ તો થઇ રહેઠાણોની વાત. ઔદ્યોગિક એકમો પણ નજીકની નદીઓમાં કેમિકલ ધરાવતું પાણી છોડે છે. એ ગંદું અને દૂષિત પાણી પણ દરિયાકાંઠાને દૂષિત કરે છે. રોજ અબજો ગેલન ગંદું પાણી આ રીતે વેડફાઇ જાય છે. આ પાણી સહન ન થાય એવી દુર્ગંધ ફેલાવવા ઉપરાંત જીવલેણ બીમારી આપતા માખી-મચ્છર જેવા જીવજંતુ પેદા કરે છે.

કેટલાક સમૃદ્ધ દેશો આવા ગંદા પાણીને ફરી વપરાશ યોગ્ય બનાવવા કરોડો રૂપિયાના પ્લાન્ટ નાખે છે. અત્યાર સુધીમાં ગંદા પાણીને સ્વચ્છ કરવા અબજો ખર્વો ડોલર્સ ખર્ચાયા છે. હજુ પણ ખર્ચાઈ રહ્યા છે. બેંગલોર (કર્ણાટક)માં ગાયના ગોબરની મદદથી ગંદા પાણીને સ્વચ્છ કરી શકાય એવા પ્લાન્ટ તૈયાર થયા છે. 

વિજ્ઞાનીઓ કહે છે કે ગાયના ગોબરમાં કેટલાક એવા બેક્ટિરિયા અને એન્ઝાઇમ્સ હોય છે, જે ઓક્સિજન (પ્રાણવાયુ) વિના પણ જીવી શકે છે. ગામડાંમાં જેને છાણાં કહે છે એેને બાળીને એ ભસ્મ ગંદા પાણીમાં નાખવાથી પાણીમાં રહેલી તમામ ગંદકી આપોઆપ નષ્ટ થઇ જાય છે. અન્ય પદ્ધતિ પણ અપનાવાય છે.

સહેલાઇથી ગળે ન ઊતરે એવી પણ સાચી વાત છે. આપણા દેશમાં આમ તો હજારો વરસથી ગાયનો મહિમા થતો આવ્યો છે. ગાયનાં મળમૂત્ર, ત્વચા, અસ્થિ અને ગાયના દૂધની વિવિધ પેદાશોમાં રહેલા મૂલ્યવાન લાભ વિશે ઢગલાબંધ પુસ્તકો પણ લખાયાં છે. આયુર્વેદમાં એને પંચગવ્ય તરીકે બિરદાવાયાં છે. એક સંશોધનનું તારણ કહે છે કે ગમે તેવા દૂષિત પાણીને ગોબરની ભસ્મ સ્વચ્છ કરી દે છે. જોકે આ પાણી પીવાલાયક બને છે કે કેમ એ વિશે સંશોધન થઇ રહ્યું છે. અત્યારે તો એવી વાત છે કે આ રીતે સ્વચ્છ થયેલું પાણી ફરીવાર વાપરવા યોગ્ય બને છે.

ગાયના ગોબરમાં રહેલા બેક્ટેરિયાને છૂટા પાડવાની પ્રક્રિયા પણ વિજ્ઞાનીઓએ વિકસાવી છે. એ બાબત અતિ ટેકનિકલ હોવાથી એની ચર્ચા અહીં કરી નથી. એકવાર બેક્ટેરિયા છૂટા પાડી લેવામાં આવે ત્યારબાદ એનો ઉપયોગ જુદી જુદી ગંદકી ધરાવતા પાણી પર કરવામાં આવે છે. 

સાવ કદળા જેવા કાળા પાણી પર પણ આ બેક્ટેરિયાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. એ કદળાનો રંગ અને એની સ્વચ્છતાએ વિજ્ઞાનીઓનો ઉત્સાહ વધાર્યો. આ પ્લાન્ટ સફળ થયા બાદ એની નિકાસ કરવાની યોજના પણ વિચારાઇ છે.

આ પ્રયોગ સાથે સંકળાયેલા વિજ્ઞાનીઓ કહે છે કે દૂષિત પાણીને ફરી વાપરવા યોગ્ય બનાવવાની અન્ય પદ્ધતિઓની તુલનાએ ગાયના ગોબરની પ્રક્રિયા સોંઘી અને વધુ સરળ છે. કોઇ પણ વ્યક્તિ એકવાર આ પદ્ધતિનો બરાબર અભ્યાસ કરી લે પછી આ પ્લાન્ટ નાખી શકાય છે. આ વિજ્ઞાનીઓ કહે છે કે આપણી દેશી ગાયના ગોબરમાં એન્ટીમાઇક્રોબિયલ પ્રોપર્ટી ભરપુર હોય છે એટલે આ પ્લાન્ટ લાંબો સમય વાપરી શકાય એવો બની જાય છે. એની જાળવણી (મેઇન્ટેનન્સ) પણ જટિલ અને ખર્ચાળ નથી. 

અહીં એક મોટી મર્યાદા પણ ધ્યાનમાં લેવી જોઇએ. ગોબર બાળવાથી હવામાં અમુક એવા ગેસ પેદા થાય છે, જે આરોગ્ય માટે હાનિકારક છે. ગોબર ગેસ ભલે માનવજાત માટે ઉપયોગી હોય, ગોબર બાળવાથી એક પ્રકારનું પ્રદૂષણ થાય છે જે જીવમાત્રના આરોગ્ય માટે હાનિકારક છે. એ વિશે બેંગલોરના વિજ્ઞાનીઓ કહે છે કે અમે એનું નિરાકરણ પણ શોધી રહ્યા છીએ. થોભો અને પ્રતીક્ષા કરો. 

Gujarat