Get The App

સિનિયર સિટિઝન સતત વાતો કરતાં રહે એ એમના શારીરિક-માનસિક આરોગ્ય માટે અનિવાર્ય છે

Updated: Feb 10th, 2026

GS TEAM

Google News
Google News
સિનિયર સિટિઝન સતત વાતો કરતાં રહે એ એમના શારીરિક-માનસિક આરોગ્ય માટે અનિવાર્ય છે 1 - image

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

- બોલો ત્યારે સતત મગજ સક્રિય રહે છે. વીજળીની ઝડપે મગજમાં વિચારોની આવ-જા થાય છે અને જે વિષયમાં તમે બોલી રહ્યા હો એને મગજ સતત પૂરતી વિગતો પૂરી પાડે છે

૬૫ વર્ષના ચંદુભાઇને પત્નીએ દૂધ લેવા મોકલેલા. દૂધ તો લાવ્યા પરંતુ ઘરમાં ક્યાં મૂકાઇ ગયું એ એમને યાદ આવતું નહોતું,  એક લેખક મહોદય લખતાં લખતાં વોશરૂમ જઇ આવે તો છેલ્લે ક્યાં અટક્યા હતા એે યાદ આવતું નથી.... આવા કિસ્સા લગભગ રોજ બનતાં હોય છે. એક તરફ સંયુક્ત પરિવારની પરંપરા નષ્ટ થઇ ગઇ છે તો બીજી બાજુ સ્મૃતિદોષનો ભોગ બનેલા વડીલોની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. ૨૦૨૪-૨૫ના એક સરકારી સર્વે મુજબ આપણા દેશમાં આશરે ૯૦ લાખ સિનિયર સિટિઝન ડિમેન્શિયાનો ભોગ બન્યા છે. પચાસ લાખ લોકો અલ્ઝાઇમર તરીકે જાણીતા મનોવ્યાધિનો શિકાર બનેલા છે. નિષ્ણાતો કહે છે કે આવતાં દસ વર્ષમાં આ આંકડો બમણો થઇ જવાની ભીતિ છે. કેમ, તો કહે, સંયુક્ત પરિવારો ભાંગી જતાં મોટા ભાગના વડીલો એકલાપણું અને પરવશતા અનુભવે છે. સર્વે કરનારા નિષ્ણાતોના કહેવા મુજબ ૨૦૫૦ સુધીમાં આવા વડીલોની સંખ્યા એક કરોડ સિત્તેર લાખથી વધુ હશે. ક્યારેક કોઇ વૃદ્ધાશ્રમની મુલાકાત લેવાનું થાય તો જોજો. કેટલાક વડીલો તરવરિયા દેખાશે જ્યારે કેટલાક  મૂંજી અને અતડા ફરતા હશે. આનું કારણ એકલતા છે. પરિવાર તરફથી થયેલા દુર્વ્યહારને એ ભૂલી શકતા નથી. સતત એમનો જીવ બળ્યા કરે છે.

જોકે આવા સર્વેની સાથોસાથ શારીરિક અને માનસિક આરોગ્ય ક્ષેત્રે નીત નવાં સંશોધન થતાં રહે છે. ડિમેન્શિયા અને અલ્ઝાઇમરની એલોપથીની દવાઓ ઘણીવાર બકરું કાઢવાને બદલે ઊંટ પેસાડી દે છે. આવી દવાઓની સાઇડ ઇફેક્ટ્સ ગંભીર હોય છે. એટલે દવાઓને બદલે બીજા ઉપાયો પણ સતત વિચારાતા હતા. એક લેટેસ્ટ સંશોધન દ્વારા આવી મનોવ્યાધિનો હળવો ઉપાય શોધી કઢાયો છે. એ ઉપાય છે, તમારા વડીલોને સતત વાતો કરતાં રાખો. તમને સમય ન હોય તો સરખે સરખી ઉંમરના સિનિયર સિટિઝનને મંદિરમાં કે બગીચામાં ભેગાં થઇને ગપ્પાં મારતા કરી દો.

આ હસી કાઢવાની વાત નથી. વડીલો જેટલું વધારે બોલે એટલો એમને વધુ લાભ થતો રહેશે. બોલતાં રહેવાથી મગજ સતત સક્રિય રહે છે, લાગણીના ચડાવઉતારમાં રાહત રહે છે અને શારીરિક આરોગ્યને પણ લાભ થાય છે. વાતો કરવાથી મગજનો જે હિસ્સો સક્રિય રહે છે એને પગલે સ્મૃતિલોપ લંબાઇ જાય છે. સ્ટ્રેસ કે ટેન્શન ઘટી જાય છે. આપણે જેને હૈયાબળાપો કહીએ છીએ એ વાસ્તવમાં ટેન્શનનો એક પ્રકાર છે. દીકરો વહુ કહ્યું માનતા નથી કે સાંભળતાં નથી એવી ગ્રંથિથી પણ એક જાતનું ટેન્શન સ્થાપિત થઇ જાય છે.

બોલવાથી શારીરિક લાભ કેવી રીતે થાય છે એ પણ સમજવા જેવું છે. ચહેરાના સ્નાયુઓને એક પ્રકારની કસરત મળે છે, ગળાના સ્નાયુ ખાસ કરીને સ્વરપેટી (સાઉન્ડ બોક્સ) પણ કાર્યક્ષમ રહે છે, હતાશા કે કંટાળો દૂર થાય છે અને સૌથી મોટો લાભ એ કે પોતે એકલવયા છે એવો ખરોખોટો ભય દૂર થાય છે. તમે ક્યારેક વિચારજો. બોલો ત્યારે સતત મગજ સક્રિય રહે છે. વીજળીની ઝડપે મગજમાં વિચારોની આવ-જા થાય છે અને જે વિષયમાં તમે બોલી રહ્યા હો એને મગજ સતત પૂરતી વિગતો પૂરી પાડે છે. બોલવા અને વિચારવાની પ્રક્રિયા એક સાથે અને એકસરખી ઝડપે ચાલે છે. આમ થવાથી સ્મૃતિદોષ વહેલો આવતો નથી.

આજકાલ દેશનાં ઘણાં શહેરોમાં સિનિયર સિટિઝન ક્લબો ચાલે છે. એ લોકો અવારનવાર વિવિધ કાર્યક્રમો યોજે છે. દરેક વડીલ આવા કાર્યક્રમમાં સહભાગી થાય એવા પ્રયાસો પણ થાય છે. જોકે કેટલીક સંસ્થામાં હોદ્દા માટે કાવાદાવા અને ઝઘડા પણ થતા રહે છે. 

આવી મર્યાદા મૂળ હેતુને ઉપકારક નીવડે છે. કેટલીક ટ્રાવેલ એજન્સીઓ સિનિયર સિટિઝન્સ માટે ખાસ પ્રવાસો પણ યોજે છે. એને કારણે આ વડીલો ક્યારેય એકલતા અનુભવતા નથી. એક ચિંતકે સાચું કહ્યું છે કે વૃદ્ધ એટલે ઘરડા નહીં, અનુભવસમૃદ્ધ! એમના અનુભવનો લાભ લેતાં આવડે તો ઘણી સમસ્યાઓ આપોઆપ દૂર થઇ જાય.