આ સંજોગોમાં અસંખ્ય વિકાસ દૂબે પેદા થાય એમાં શી નવાઇ !
- ટુ ધ પોઇન્ટ- અજિત પોપટ
- પુત્ર અસામાજિક પરિબળ બની જાય ત્યારે સગ્ગી જનેતા એને ઠાર કરવાની વિનંતી કરે છે
- ભૂતિયા યુનિવસટીઓનાં બોગસ પ્રમાણપત્રોના જોરે નોકરી મેળવનારા લેભાગુ શિક્ષકો શું ભણાવતા હશે !
'પેટે પાટા બાંધીને વિકાસને ભણાવ્યો ગણાવ્યો અને લશ્કરમાં મોકલવાની ઇચ્છા હતી પરંતુ એ રાજકારણના રવાડે ચડી ગયો અને વંઠી ગયો.... હવે એને ઠાર કરો... એને હવે જીવવાનો અધિકાર રહ્યો નથી... જેવો નજરે પડે કે તરત ઠાર કરી દો...' ગયા શુક્રવારે કાનપુરમાં પોલીસ ટુકડી પર હુમલો કરનારા ગુંડા વિકાસ દૂબેની માતાએ આ શબ્દો ઉચ્ચાર્યા ત્યારે ૧૯૫૦ના દાયકામાં આવેલી મહેબૂબખાનની અજોડ ફિલ્મ મધર ઇન્ડિયા યાદ આવી ગઇ.
પુત્ર અસામાજિક પરિબળ બની જાય ત્યારે સગ્ગી જનેતા એને ઠાર કરે છે. વિકાસ જેવા વંઠેલા પુત્રને ઠાર કરવાની અપીલ માતાએ કરવી પડે એ માતા પર શી વીતી હશે એની કલ્પના કરવા જેવી છે. એક તરફ ગંધાતું સડી ગયેલું રાજકારણ અને બીજી બાજુ શાસકોના છતી આંખે આંખે અંધાપાને લીધે શિક્ષણ તંત્રમાં પેસી ગયેલી શિથિલતા લાખ્ખો બાળકોને ગૂમરાહ કરે છે.
ઉત્તર પ્રદેશ કદ અને વસતિની દ્રષ્ટિએ દેશનું સૌથી મોટું રાજ્ય છે. સરકારી આંકડા મુજબ ત્યાં ૨૧ કરોડ ૯૮ લાખ લોકોની વસતિ છે. ૭૧ જિલ્લા અને ૩૧૨ પેટા જિલ્લા છે. ૮૦ ટકા લોકો પારાવાર ગરીબી અને અજ્ઞાાનમાં સબડે છે. એક સમયે એમ કહેવાતું કે વડા પ્રધાન અથવા રાષ્ટ્રપતિ અચૂક ઉત્તર પ્રદેશના જ હોય. રવિવારે પાંચમી જુલાઇએ ગુરૂ પૂણમા ગઇ. કરોડો બાળકોએ 'શિક્ષકો'ની પૂજા કરી હશે.
એના ચોવીસ કલાક પહેલાં અખબારોમાં પ્રગટ થયેલા સમાચાર મુજબ એકલા ઉત્તર પ્રદેશમાં સેંકડો બોગસ શિક્ષકો પકડાયા. અનામિકા શુક્લા નામની મહિલા તો એક સાથે પચીસ સ્કૂલમાં શિક્ષિકા હોય એ રીતે તગડો પગાર વસૂલ કરતી હતી. ભૂતિયા યુનિવસટીઓનાં બોગસ પ્રમાણપત્રોના જોરે નોકરી મેળવનારા લેભાગુ શિક્ષકો ઊગતી પેઢીને કેવું શિક્ષણ આપતા હશે એની કલ્પના ધ્રુજાવી દે છે.
અખબારી અહેવાલો મુજબ કેટલાક કહેવાતા શિક્ષકો તો છેલ્લાં વીસ વરસથી આ રીતે શિક્ષક બની બેઠાં છે. આવા શિક્ષકો પપ્પુ યાદવ, શાહબુદ્દીન અને વિકાસ દૂબે જેવા માથાભારે ગુંડા પેદા કરે એમાં શી નવાઇ ! વિકાસ દૂબેને તો કહે છે કે રાજ્યના મોટા ભાગના રાજકીય પક્ષોનો ટેકો હતો. કહેવાતા લોકપ્રતિનિધિઓ આવા અસામાજિક તત્ત્વોની મદદથી ગરીબ મતદારો પર અત્યાચાર ગુજારતા હોય છે.
ચૂંટણી વખતે આખી ને આખી મતપેટીઓ કબજે કરીને આવા ગુંડાઓ જે તે ઉમેદવારના નામે સાગમટે મત અંકે કરી લેતા હોય છે. વિકાસ દૂબે કોઇ રીઢા રાજકારણીની અદાથી પક્ષપલટા કરતો હતો. હવે કાયદાના રખેવાળોએ વિકાસની માતાએ કરેલી હાકલ સ્વીકારીને એને સીધો ઠાર કરવો જોઇએ.
આપણે ત્યાં અદાલતોમાં જજથી માંડીને પટાવાળા સુધીના સ્ટાફની એવી તો ખેંચ છે કે કરોડો કેસ છેલ્લાં ત્રીસ પાંત્રીસ વર્ષથી ઊભા છે. એની ધરપકડ કરીને કેસ ચલાવવા જેવી પ્રક્રિયામાં સમય, શક્તિ અને નાણાં ત્રણે વેડફી નાખવા જેવું થશે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ અને ઝારખંડ જેવાં રાજ્યોમાં તો પચીસ પચાસ અપરાધો કરનારા ગુંડા જેલમાં બેસીને પણ પોતાનું સામ્રાજ્ય ચલાવતા હોય છે. પોલીસ એનો વાળ સુદ્ધાં વાંકો કરી શકતી નથી. એટલે વિકાસની માતા કહે છે એ વિકલ્પ ખુલ્લો રાખવો જોઇએ.