To The Point

નીમ કરૌલી બાબાની ફિલ્મે એક મહત્ત્વની ગેરસમજ દૂર કરી એ ધ્યાનમાં લેજો !

By GS Team
22 Sep 20263 mins read
TukuTouch Logo
'હનુમાન અંશ' ફિલ્મ કરૌલી બાબાના જીવન પર આધારિત છે, જેમાં સંયમિત સંસારી જીવનનો મહિમા વર્ણવાયો છે. ફિલ્મમાં બાબાને તેમના પિતા લગ્ન કરવા સમજાવે છે કે ભગવાન રામ પણ સંસારી હતા. બાબા ગોપાલને કહે છે કે તુમને મુઝે ફસા દિયા. આ ફિલ્મ બ્રહ્મચર્ય અંગેની ગેરસમજ દૂર કરે છે. આયુર્વેદ મુજબ, કોઈપણ બાબતની અતિ સારી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

નીમ કરૌલી બાબાની ફિલ્મે એક મહત્ત્વની ગેરસમજ દૂર કરી એ ધ્યાનમાં લેજો !
  • ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

નીમ કરૌલી બાબાના જીવન પર આધારિત ફિલ્મ હનુમાન અંશે સારી એવી ઉત્સુકતા જગાડી છે. માઉથ પબ્લિસિટી દ્વારા ફિલ્મે ધાર્યા કરતાં સારો બિઝનેસ પણ કર્યો છે. આ ફિલ્મ વિશે ઘણું લખાયું છે અને હજુય લખાઇ રહ્યું છે. આ ફિલ્મે અનાયાસે દૂર કરેલી એક ગેરસમજની વાત અહીં કરવી છે. ફિલ્મમાં એક દ્રશ્ય એવું છે કે બાબાને એમના પિતા આવીને સમજાવે છે કે તારા આરાધ્યદેવ ભગવાન શ્રી રામ પણ સંસારી હતા. એટલે તારે પણ લગ્ન કરી લેવાં જોઇએ. બાબા હસતાં હસતાં પોતાના ચેલા જેવા ગોપાલને કહે છે કે તુમને મુઝે ફસા દિયા…. વાસ્તવમાં આ મુદ્દો સ્વસ્થતાથી સમજવા જેવો છે. સ્વયંભૂ પ્રગટેલા કૈલાસવાસી ભગવાન શિવ સિવાય લગભગ બધાં દેવદેવી સંસારી હતા. એજ રીતે પ્રાચીનકાળના ઋષિ-મુનિ પણ સંસારી હતા. કેટલાક ધંધાદારી સાધુબાવા બ્રહ્મચર્ય નામે ખોટ્ટો પ્રચાર કરે છે. વાત વિગતે કરીએ.
આખ્યાનકાર પ્રેમાનંદે સુદામા ચરિત્રમાં કેટલીક પંક્તિ રચી છે- ચોસઠ દા'ડે ચૌદે વિદ્યા ભણ્યા બેઉ ભાઇ, ગુરુસુત ગુરુદક્ષિણામાં આપીને વિઠ્ઠલે લીધી વિદાય.. અર્થાત્ ભગવાન કૃષ્ણના ગુરુ સાંદિપની સંસારી હતા. અન્ય ઋષિ-મુનિની વાત કરીએ તો ભગવાન પરશુરામના પિતા જામદગ્નિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, અત્રિ, ગૌતમ, ગુર દ્રોણ, ઋષિ ભારદ્વાજ ઇત્યાદિ સર્વ સંસારી હતા. તો પછી બ્રહ્મચર્યની યુવા પેઢીને ડરાવે એવી વાતો શી રીતે વહેતી થઇ ? કોણે વહેતી કરી ? વિચારવા જેવું છે.
આયુર્વેદના પ્રખર ઉપાસકો ચરક, ઝંડુ વગેરેએ એક વાત સરળ ભાષામાં કરી છે. કોઇ પણ ચીજની અતિ સારી નહીં. બ્રહ્મચર્યની આ સાવ સાદી વ્યાખ્યા છે. તમને દૂધપાક ભાવે છે. સારી વાત છે. દૂધપાક ખાઓ. પણ સમજીને ખાઓ. તમારી દૂધપાક પચાવવાની શક્તિ બે વાટકીની હોય અને તમે પાંચ સાત વાટકી ગટગટાવી જાઓ તો એની પ્રતિકૂળ અસર તમારા સ્વાસ્થ્ય પર થવાની જ. આ વાત આહારની થઇ. બાકીનાં ત્રણે પરિબળોને પણ આ વાત લાગુ પડે છે. આહાર, નિદ્રા, ભય મૈથુનશ્ચ… એમ શ્લોકમાં કહ્યું છે. વધુ પડતો આહાર કે નિદ્રા કે અન્ય કોઇ પણ બાબત શરીર અને મન બંને માટે જોખમી સાબિત થઇ શકે.
કેટલાક વિચારકોએ સરસ વાત કરી છે. એ લોકો કહે છે કે મૈથુન ચારે પરિબળોમાં છેક છેલ્લે આવે છે. તમે પશુપક્ષીઓને જુઓ. આ જીવો માત્ર સંતતિ માટે રૂતુકાળમાં સંવનન કરે છે. બીજી બાજુ પોતાને સૌથી ઉત્તમ જીવ ગણાવતો, વાણી, વિચાર અને બુદ્ધિ ધરાવતો માનવી ક્ષણિક સુખ માટે પણ સેક્સ તરફ ખેંચાય છે. એનો એક અર્થ એ પણ છે કે સેક્સની બાબતમાં માણસ પશુપક્ષી કરતાં પણ ઊતરતી કક્ષાનો છે. બ્રહ્મચર્ય જેવો અઘરો શબ્દ વાપરવાને બદલે સંયમ જેવો શબ્દ વાપરવો જોઇએ. આહાર, નિદ્રા, ભય અને મૈથુન ચારે બાબતોમાં સંયમ જરૂરી છે. ઊગતી પેઢીને આ મુદ્દો સમજાવવાની જરૂર છે. કિશોરાવસ્થામાં વિજાતીય આકર્ષણ જાગે એ સ્વાભાવિક છે પરંતુ વધુ પડતી સેક્સભૂખ કે બળાત્કાર સ્વાભાવિક નથી. એ વિકૃતિ છે.
હનુમાન અંશ ફિલ્મે આ મુદ્દાને બહુ સરસ રીતે રજૂ કર્યો છે. ભલે બાબા પોતાના ચેલા સમા ગોપાલને કહ્યું કે તુમને મુઝે ફસા દિયા… બાબાએ પિતાના આદેશનું પાલન કર્યું. એમને સંતાનો પણ થયાં. હકીકતમાં આ મુદ્દા દ્વારા સંયમિત સંસારી જીવનનો મહિમા વર્ણવાયો છે એમ કહી શકાય. જે લોકો પોતાની જાત પર જબરદસ્તી કરીને કહેવાતા બ્રહ્મચર્યનું પાલન કરવા જાય છે એ લોકો ભલે જાહેરમાં કબૂલ ન કરે પરંતુ મનોમન પસ્તાતા હોય છે. બ્રહ્મચર્ય સ્વાભાવિક કે કુદરતી નથી, હોઇ શકે પણ નહીં. જે કુદરતી છે એને સમજપૂર્વક ભોગવવાની વાત છે. એટલું સાદું સીધું સત્ય આજના ધંધાદારી સાધુબાવાઓ સમજાવતા નથી.
તમે નોંધ લીધી હોય તો સંસાર ત્યજીને સાધુ બનેલા ઘણા વેરાગી કરોડોપતિ છે. જો આટલી બધી સંપત્તિ જમાવવી હતી તો સંસાર ત્યજવાની જરૂર શી હતી, વારુ ? નરસિંહ મહેતાના શબ્દોમાં કહીએ તો સંસારમાં સરસો રહે ને મન મારી પાસ… સંસારમાં રહીને નામજપ કરો. એ ખરી ભક્તિ છે. સાધના છે. એટલું બસ છે.