To The Point

વિદેશી સાજ પર મૈહર ઘરાનાના ગાયકી અંગને ઊતારનારા વિરલ ગુજરાતી

By GS Team
8 Sep 20263 mins read
TukuTouch Logo
ગુજરાતી સંગીત જગતે 1 અઠવાડિયામાં બે મહાન સંગીતકારો ગુમાવ્યા. ગૌરાંગ વ્યાસ બાદ શાસ્ત્રીય સંગીતના ઉપાસક ઇમુ દેસાઈનું અવસાન થયું. મૂળ નામ ઇમેન્યુઅલ દેસાઈ, તેઓ બહુમુખી પ્રતિભા હતા. મેંડોલીન પર ગાયકી અંગ ઉતારી, તેમણે પંડિત રવિશંકર અને ઉસ્તાદ વિલાયત ખાન જેવા મહાન કલાકારોની પ્રશંસા મેળવી હતી. બેંકમાં નોકરી સાથે સ્વરસાધના કરી, તેમણે સંગીત ક્ષેત્રે મોટું યોગદાન આપ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

વિદેશી સાજ પર મૈહર ઘરાનાના ગાયકી અંગને ઊતારનારા વિરલ ગુજરાતી
  • ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

દેવલોકમાં જરૂર જન્માષ્ટમીની ઊજવણી થઇ રહી હશે અથવા ગણેશોત્સવની પૂર્વતૈયારી થતી હશે. તો જ એક અઠવાડિયામાં બબ્બે સંગીતકારોને બોલાવી લે. ગુજરાતી સુગમ સંગીત અને ફિલ્મ સંગીતના ધુરંધર સંગીતકાર ગૌરાંગભાઇ વ્યાસની ચિરવિદાયના સમાચારની શાહી હજુ સુકાઇ નહોતી ત્યાં ક્લાસિકલ મ્યુઝિકના અઠંગ ઉપાસક ઇમુભાઇ દેસાઈની ચિરવિદાયના આઘાતજનક સમાચાર આવ્યા. મૂળ નામ ઇમેન્યુઅલ દેસાઇ પરંતુ સંગીતના ચાહકોમાં ઇમુ દેસાઇ તરીકે ઓળખાતા ઇમુભાઇ બહુમુખી પ્રતિભા હતા. સંગીતકાર હોવા ઉપરાંત પોતે પણ ગીતો અને ગઝલો રચતા. ટોચના સંગીતકારો સાથે ખાસ ઘરોબો. બનારસ ઘરાનાના તબલા સમ્રાટ પંડિત કિસન મહારાજ અમદાવાદ આવે ત્યારે અચૂક ઇમુભાઇની મહેમાનગતિ માણે. શુદ્ધ ક્લાસિકલ સંગીતના ઉપાસક હોવા છતાં એમને ફિલ્મ સંગીત પ્રત્યે અણગમો નહીં. મેલોડીને માણે અને બિરદાવે. પંડિત રવિશંકર, નિખિલ બેનર્જી અને પન્નાલાલ ઘોષ જેવા યુગસર્જક કલાકારો આપનારા મૈહર ઘરાનામાં તંતુવાદ્ય પર ગાયકી અંગ ઊતારવાનો ભગીરથ પુરુષાર્થ છેક ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાનસાહેબના સમયથી ચાલતો આવ્યો છે. ઉસ્તાદ અલી અકબર ખાનના શિષ્ય પંડિત દામોદરલાલ કાબરા પાસે એ ગાયકી અંગ શીખનારા ઇમુભાઇએ મેંડોલીન જેવા વિદેશી સાજ પર ગાયકીની આલાપચારી, મીંડ, ખટકા, તાન અને સિતાર-સરોદના દ્રુત લયના ઝાલા સુદ્ધાં ઊતાર્યા. કાબરા પરિવારના બ્રિજભૂષણ કાબરાએ પણ હવાયન ગિટાર પર શાસ્ત્રીય સંગીત ઊતાર્યું અને પંડિત શિવકુમાર શર્મા તથા પંડિત હરિપ્રસાદ ચૌરસિયા સાથે સહ-સર્જન પણ કર્યું.
એક માન્યતા એવી છે કે ક્લાસિકલ સંગીતના ઉપાસકો ઔપચારિક શિક્ષણને ઝાઝું મહત્ત્વ આપતા નથી. ઇમુભાઇ એમાં અપવાદ ગણાય. એમનાં માતુશ્રી એક સ્કૂલના પ્રિન્સિપાલ હતાં એટલે શિસ્ત અને શિક્ષણપ્રેમ ઇમુભાઇમાં અનાયાસે ઊતર્યા હતા. બી.એ. અને બી. કોમ જેવી બબ્બે ડિગ્રી મેળવ્યા પછી આડત્રીસ વર્ષ એક રાષ્ટ્રીય બેંકમાં નોકરી કરતાં કરતાં એમણે સ્વરસાધના કરી. રોજ સાંજે બેંકમાંથી છૂટીને જૂના અમદાવાદમાં સાબરમતીના કાંઠે બેસીને ઇમુભાઇ મેંડોલીન છેડતા. દર વરસે બેંકમાંથી રજા લઇને એક મહિનો જયપુર જતા અને પંડિત દામોદરલાલ કાબરા પાસે સઘન તાલીમ મેળવતા. રોજ રાત્રે ગુરુને ત્યાં યોજાતી અનૌપચારિક બેઠકમાં ઇમુભાઇ શંકર જયકિસનનાં યાદગાર ગીતો મેંડોલીન પર છેડતા. યોગાનુયોગે આજે ઇમુભાઇનો પુત્ર હૃદય પંડિત દામોદરલાલ કાબરાના યશસ્વી પુત્ર પંડિત વસંત કાબરા પાસે સરોદવાદનની તાલીમ લઇને સ્વરસાધનાના પિતાના વારસાને સાચવી રહ્યો છે. પંડિત વસંત કાબરાએ માતા અન્નપૂર્ણાદેવી પાસે બે અઢી દાયકા સુધી સરોદની સઘન તાલીમ લીધી છે.
મુંબઇમાં સૂર સિંગાર સંસદ જેવી સંસ્થા દ્વારા દર વરસે યોજાતા સ્વામી હરિદાસ સંગીત સંમેલન, અમદાવાદના જગપ્રસિદ્ધ સપ્તકના તેર દિવસના સંગીત સમારોહ જેવા કાર્યક્રમોમાં ઇમુભાઇએ પોતાની કલા પ્રસ્તુત કરીને ઢેર સારી પ્રશંસા મેળવી છે. એક પ્રસંગે તો સ્વામી હરિદાસ સંગીત સંમેલનમાં દિલ્હીથી આવનાર એક કલાકાર નહીં આવી શક્યા. ત્યારે ઇમરજન્સીમાં ઇમુભાઇને સ્ટેજ પર મોકલ્યા. એકલે હાથે દોઢ બે કલાક મેંડોલીન પર ક્લાસિકલ સંગીત રજૂ કરીને ઇમુભાઇએ ઉસ્તાદ વિલાયત ખાન જેવાની શાબાશી મેળવી હતી. ઇમુભાઇની ઔર એક વિશેષતા એ કે મેંડોલીન ઉપરાંત એમણે તબલાવાદનની પણ પાક્કી તાલીમ લીધી. ખાસ કરીને સાત, નવ, અગિયાર, સત્તર જેવા વિષમ માત્રાના તાલ પર એમનું ગજબનું પ્રભુત્વ હતું. સપ્તકના એક કાર્યક્રમમાં એમની સામે પોતાને ધુરંધર સમજતા એક તબલાવાદક હતા. એમના ગર્વનું ખંડન કરવા ઇમુભાઇએ નવ માત્રાના મત્ત તાલમાં રાગ કીરવાણી છેડયો અને એવી અટપટી લયકારી કરી કે પેલો ભરશિયાળામાં પરસેવે રેબઝેબ થઇ ગયેલો.
ઇમુભાઇની ઔર એક ખાસિયત એ હતી કે પોતે અચ્છા સ્વરનિયોજક અને ઘેઘુર કંઠ ધરાવતા ગાયક હતા. કવિ રાજેન્દ્ર શુક્લ અને શેખાદમ આબુવાલાની ઘણી રચનાઓ સ્વરાંકિત કરીને એમણે જાણીતા ગાયકો પાસે ગવડાવી છે.