સરકારી યોજનામાં ગોડાઉન બનાવીને પાક જાળવણી સાથે ખેડૂતે આવક વધારી

-તાપીના કુકરમુંડાના મેણપુરના વિકાસ વસાવા ગોડાઉન હોવાથી પાકને કમોસમી વરસાદ અને વાવઝોડાથી બચાવી શક્યા
વ્યારા
રાજ્યના દરેક વર્ગના ખેડૂતો કૃષિ પેદાશોનું સારૃં ઉત્પાદન કરે છે પરંતુ, કમોસમી વરસાદ, વાવાઝોડું, અતિવૃષ્ટી અને અન્ય પરિબળોથી ઉત્પાદનની ગુણવત્તા પર માઠી અસર થાય છે. ઉપરાંત લાંબા સમય સુધી પાક સંગ્રહ માટેની યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવે તો તેના લીધે પાકનો બગાડ થાય છે. જેથી પાક ઉત્પાદનને બચાવવા ખેડૂતોને ખેત પેદાશોના સંગ્રહની સગવડ મળી રહે, તે માટે ગોડાઉન ઉપલબ્ધ કરાવવુ જરૃરી છે. તે હેતુથી રાજ્યમાં ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે સહાય આપવાની યોજના ૨૦૨૦-૨૧થી જિલ્લા ખેતીવાડી વિભાગ અંતર્ગત અમલી બનાવવામાં આવી છે. પરંતુ માહિતીના અભાવને કારણે ખેડૂતો યોજનાનો લાભ લઇ શકતા નથી. જોકે આ યોજનાનો લાભ લઈ તાપી જિલ્લાના કુકરમુંડાના ખેડૂતે પોતાના પાકની જાણવણી કરી અન્ય ખેડૂતો માટે નવો રાહ ચીંધ્યો છે.
તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના મેણપુર ગામના ખેડૂત વિકાસ મોહનભાઇ વસાવા પાસે ૦.૮૮૬૭ હેકટર જમીન છે. તેઓને ખેતીના પાકની જાળવણી માટે ગોડાઉન બનાવવાની ઇચ્છા હતી. પરંતું આર્થિક સગવડના અભાવે તે સંભવ ન હતુ. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે સહાય આપવાની મુખ્યમંત્રી પાક સંરક્ષણ યોજનાની જાણકારી મળી હતી. જેથી તેમણે ઓનલાઇન પોર્ટલ પર અરજી કરી હતી. જે અરજી મંજુર થતા આ યોજના હેઠળ સહાય મેળવી ખેડૂતે પાક સંગ્રહ સ્ટ્રક્ચરના સ્પેશીફીકેશન મુજબ ૩૩૦ ચોરસ ફૂટ વિસ્તારનું સ્ટ્રકચર તેઓની જમીન ઉપર તૈયાર કર્યું છે. આ ગોડાઉનના કારણે તેઓ ખેતી પાકને કમોસમી વરસાદ અને વાવાઝોડાથી બચાવી શક્યા છે. અને ખેતીને લગતા સાધનો ગોડાઉનમાં સાચવવાની પણ વ્યવસ્થા થઇ છે. જેથી તેની ચોરી થવાના કે કોઈને ઇજા થવાની સંભાવના પણ રહેતી નથી. પાકની લણણી કરી ગોડાઉનમા સંગ્રહ કર્યા બાદ બજારમાં સારો ભાવ મળતા તેનું વેચાણ કરે છે. જેનાથી આર્થિક ફાયદો પણ થઇ રહ્યો છે. આ અગાઉ તેમણે પાકને સાચવવા ખેતરેથી ઘર સુધી લઇ જવો પડતો હતો, જેથી સમય અને મૂડીનો પણ વ્યય થતો હતો. અને કુદરતી હોનારતમાં નુકસાન થવાની પણ ભીતિ રહેતી હતી. આજે ગોડાઉન બનવાથી તેઓ ખેતી દ્વારા આર્થિક ફાયદો મેળવી રહ્યા છે.

