Tantri Lekh

મેક્રોન કોનાથી ભયભીત?

By GS Team
22 Oct 20264 mins read
TukuTouch Logo
ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ મેક્રોન અને વડાપ્રધાન લેકોર્નુ શાસન પુન:સ્થાપિત કરવા સંઘર્ષ કરી રહ્યા છે. 2017માં સત્તા પર આવેલા મેક્રોનનું રેટિંગ 15% નીચું ગયું છે. ફ્રાન્સ આર્થિક મુશ્કેલીઓ, શેરી વિરોધ અને હિંસક રમખાણોથી ઘેરાયેલું છે. તાજેતરના રમખાણોમાં 3000 વ્યવસાયોને નુકસાન થયું, મ્યુનિસિપલ ઇમારતો પર હુમલા થયા અને 2400 લોકોની ધરપકડ થઈ છે. વડાપ્રધાન લેકોર્નુએ બજેટ દરખાસ્તો રજૂ કરતા અશાંતિ વકરી.

Summarized by AI; it may make mistakes. Check important info

મેક્રોન કોનાથી ભયભીત?

સન ૨૦૧૭માં ચાલીસેક વર્ષની ઉંમરે જ્યારે ઇમેન્યુઅલ મેક્રોન સત્તા પર આવ્યા, ત્યારે તેમણે કટ્ટરપંથી રાજકીય દળોને દૂર રાખવા, તેમના તથાકથિત ક્રાંતિ અભિયાન દ્વારા નવા ફ્રાન્સનું નિર્માણ કરવાનું, આર્થિક વિકાસને પુનર્જીવિત કરવાનું, દેવાનું વ્યવસ્થાપન કરવાનું અને નવી રોજગારીનું સર્જન કરવાનું વચન આપ્યું. નવ વર્ષ પછી, આગામી ફ્રેન્ચ રાષ્ટ્રપતિની ચૂંટણી સુધી છ મહિના બાકી છે, ત્યારે રાષ્ટ્રપતિ મેક્રોન અને વડા પ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુ તેમના દેશમાં વ્યવસ્થા પુન:સ્થાપિત કરવા માટે અત્યારે સંઘર્ષ કરી રહ્યા છે. મેક્રોનનું રેટિંગ ૧૫ ટકાના રેકોર્ડ નીચા સ્તરે આવી ગયું છે, અને લેકોર્નુ પાસે પણ સંસદીય બહુમતીનો અભાવ છે. ફ્રાન્સ આર્થિક મુશ્કેલીઓ, શેરી વિરોધ, હિંસક રમખાણો અને હળવી જમણેરી વિચારધારાના વધતા પ્રભાવ સામે ઝઝૂમી રહ્યું છે.
એવા દેશમાં પણ જ્યાં વિરોધ રાજકીય સંસ્કૃતિનો ભાગ છે, ત્યાં દુનિયાને ગત શનિવારના રમખાણો અને લૂંટફાટ આઘાતજનક લાગ્યા છે. ઓછામાં ઓછા ત્રણેક હજાર વ્યવસાયો અને દુકાનોને નુકસાન થયું છે. મ્યુનિસિપલ ઇમારતો પર હુમલો કરવામાં આવ્યો છે અને આગ લગાવવામાં આવી છે. ૧૯મી સદીના ભવ્ય લિમોજેસ ટાઉન હોલને ભડકે બાળ્યો છે. આશરે ૨,૪૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે, અને વડા પ્રધાન લેકોર્નુએ સ્થાનિક કર્ફ્યુની હાકલ કરી છે. લેકોર્નુએ બજેટ દરખાસ્તો રજૂ કરી ત્યારે અશાંતિ શરૂ થઈ, જેમાં કેટલાક કર વધારવા અને સામાજિક કાર્યક્રમો પર ખર્ચ મર્યાદિત કરવાનો સમાવેશ થતો હતો. જ્યારે શાળાના વિદ્યાર્થીઓ સારી શૈક્ષણિક સુવિધાઓની માંગણી કરીને રસ્તા પર ઉતર્યા, ત્યારે સરકારે બળ અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો. જોકે, સરકારના કઠોર પ્રતિભાવે વિદ્યાર્થીઓના વિરોધને સરકાર વિરોધી આંદોલનમાં રૂપાંતરિત કર્યું, જેના પરિણામે આ બધા રમખાણો ચાલુ થયા છે. ફ્રાન્સ જે અનિશ્ચિત પરિસ્થિતિમાં છે તે સમજવા માટે, મેક્રોઇકોનોમિક ડેટા જોવાની જરૂર છે.
વૃદ્ધિ ધીમી રહી છે. ૨૦૨૬માં અર્થતંત્ર માત્ર ૦.૮ ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ છે, જ્યારે બેરોજગારી દર ૮.૩ ટકા સુધી પહોંચી ગયો છે. મુખ્ય સમસ્યા દેશની જાહેર નાણાંકીય વ્યવસ્થા છે. ફ્રાન્સનું રાષ્ટ્રીય દેવું તેના GDPના ૧૨૦ ટકા સુધી ઊંચે ગયું છે, જે ગ્રીસ અને ઇટાલી પછી યુરોઝોનમાં ત્રીજા ક્રમે છે. ફ્રેન્ચ ટ્રેઝરીના દેવાની સેવાનો બોજ આ વરસના અંતે આશરે ૬૦ અબજ યુરો સુધી પહોંચવાની ધારણા છે. જ્યારે મેક્રોન સત્તામાં આવ્યા, ત્યારે તેમણે કોર્પોરેટ ટેક્સ ઘટાડયા અને વૃદ્ધિને વેગ આપવા માટે સરકારી ખર્ચને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો. જોકે, વૃદ્ધિ તો પણ ધીમી રહી, એની સામે જાહેર દેવું પુરપાટ વેગે વધી ગયું. જ્યારે ૨૦૧૮-૧૯માં દેશ વિરોધ પ્રદર્શનોથી ઘેરાયેલો હતો, ત્યારે તેમણે આર્થિક છૂટછાટો આપી હતી પરંતુ ફ્રેન્ચ અર્થતંત્ર સામેની માળખાકીય સમસ્યાઓનો કોઈ લાંબા ગાળાનો ઉકેલ આપ્યો ન હતો. પછીથી હમણાં ૨૦૨૪માં, તેમણે જમણેરીઓના વધતા પ્રભાવને રોકવા માટે વહેલી ચૂંટણીઓ બોલાવી. ચૂંટણીઓ પછી, તેમણે સૌથી મોટા ડાબેરી જૂથ, ન્યૂ પોપ્યુલર ફ્રન્ટને સત્તાથી દૂર રાખવા માટે નાના જૂથના નેતાને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું.
આ પગલાથી રાજકીય કટોકટી વધુ ઘેરી બની અને તેમની પોતાની સ્થિતિ નબળી પડી. આ ઇમેન્યુઅલ મેક્રોનનો વારસો છે. વધુ ખરાબ વાત એ છે કે, જમણેરી અને ઇમિગ્રન્ટ વિરોધી નેશનલ રેલી પાર્ટીના નેતા શ્રીમતી મરીન લે પેન ૨૦૨૭ની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા આ અરાજકતા અને જાહેર ગુસ્સાનો પૂરેપૂરો લાભ લેવાની વેતરણમાં છે. આ લે પેન બહુ વિવાદાસ્પદ છતાં પ્રભાવક નેતા છે. તેમણે પક્ષના ફંડનો પોતાની શાહી લિજ્જત માટે અનેકવાર દુરુપયોગ કર્યો છે. બે ત્રણ વખત જેલના સળિયા પાછળની જિંદગીમાં તેઓ ધકેલાયા છે અને આબાદ રીતે લડીને બહાર આવ્યા છે. મેક્રોન માટે આ મહિલા સૌથી મોટું સંકટ છે કારણ કે ઝેન-જી એને બહુ માનથી જુએ છે. તેઓ પોતાની વાકછટા દ્વારા પણ લોકપ્રિય છે. અમુક હદે તેઓ આપણે ત્યાં ભાજપના યુગ પહેલા -તંભરાના ભાષણોમાં જે જાદુગરી હતી એવી કંઈક કમાલ એમની વાણીમાં છે.
ટાઈમ મેગેઝિને એને બે વખત વિશ્વના સૌથી પ્રભાવશાળી સો નેતાઓમાં સ્થાન આપ્યું છે. મેક્રોને કાયદાની એવી અનેક આંટીઘૂંટીની જાળ લે પેનની આસપાસ બિછાવી છે કે જેથી તે આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી લડી ન શકે. પરંતુ ફ્રાન્સના ન્યાયતંત્રના ગળામાં મેક્રોન પાલતુ કુત્તા જેવો પટ્ટો બાંધી શકે એમ નથી, કારણ કે ફ્રાન્સના ન્યાયધીશો પહેરેથી જ કદી રાજકર્તાઓના ગુલામ બન્યા નથી ને તેમણે સ્વહસ્તે બંધારણ પસ્તીમાં આપી દીધું નથી. એટલે એ તો નક્કી જ છે કે લે પેન મેક્રોન સામે જંગમાં ઉતરશે ને મુકાબલો બરાબરનો જામશે.