હવે પ્રવાસનનું શું થશે ?
ક્ષિતિજો પારદર્શક થઈ ગઈ છે. સમુદ્રના જળ ખારા ભલે હોય પણ નિર્મળ થવા લાગ્યા છે. ગોવાનો કિનારો તો ઊંડે સુધી તરતી માછલીઓની સતત બદલતી રંગોળી આપણી આંખોમાં આંજે છે. ઉત્તર તરફથી દક્ષિણ તરફ વહેતી નદીઓના જળ તો ઓહોહો લીલા કાચ જેવા દેખાય છે. હિમાલયે દૂર દૂર સુધી દર્શન આપવાની શરૂઆત કરી છે. દેશના હજારો ગામ કે જ્યાં કદી નગાધિરાજ દેખાતો ન હતો એ હવે શિખર પરની વાદળ ઘટા જાણે કે શિવજટા હોય એમ દેખાવા લાગ્યો છે. કુદરતના અભિનવ મનોહારિ રૂપની આ તો ઉતાવળી ઝલક છે. દુનિયાભરમાં પ્રકૃતિનું આ નવું સૌન્દર્યવિધાન જાણે કે હજારો વરસો પહેલાના નિરુપદ્રવી જગતમાં આપણને પાછા પગલાની ટાઈમ ટ્રાવેલ કરાવે છે. પરંતુ પ્રકૃતિનો આ શૃંગાર, વયઃસંધિતા જેમ સ્વયં જ સ્વયંને નિરખે એમ વાસંતિક પરિવર્તનને જુએ છે, કારણ કે કુદરતનો અસલી ચાહક તો ખોવાઈ ગયો છે. માણસ આજ સુધી બહાર ખોવાઈ જતો ને હવે ?
વિશ્વના પચાસથી સિત્તેર દેશો એવા છે જેના અર્થતંત્રનો મુખ્ય અથવા બીજા ક્રમનો આધાર પ્રવાસન ક્ષેત્ર છે. કોરોનાએ દરેક ક્ષેત્રોમાં સૌથી પહેલા પ્રવાસન ક્ષેત્ર ઉપર તાળું માર્યું છે. પ્રવાસન ક્ષેત્રને ઉદ્યોગનો શિરપાવ મળ્યો છે, તેના થકી કશું પણ ઉત્પાદન ન થતું હોવા છતાં. આદિકાળથી માણસમાત્રની સાત સાગર ખૂંદવાની અભિલાષા અને આદત રહી છે. માણસ મુખસંતાકિયો નથી. એ પ્રગટ થવાની વૃત્તિ ધરાવે છે. ઘરનું ઘર થઈ ગયા પછી એંશી ટકા માનવવસ્તી પોતાની કરકસરયુક્ત બચત અથવા તો એક્સેસ રૂપિયા પ્રવાસન પાછળ વાપરે છે. માટે ઘણા શહેરો, રાજ્યો, પ્રદેશો અને અમુક તો આખા ને આખા દેશોની તિજોરી પ્રવાસીઓ જ છલકાવી આપે છે. અત્યારે ભલે પ્રવાસન ઉદ્યોગના માંધાતાઓ વિમાસણમાં પડયા પરંતુ કોરોનાકાણ્ડ જ્યારે પણ પૂરો થશે ત્યારે પ્રવાસનમાં તેજીનો તોખાર હણહણશે. કારણ કે ફરી પ્રદૂષણને કારણે પ્રકૃતિ હતી એવી ને એવી રુક્ષ અને ઝાંખી અને વયોવૃદ્ધ દેખાવા લાગે એ પહેલા એના નવ્યાવતારનો સાક્ષાત્કાર કરવા મુગ્ધ થયેલો વિરાટ ચાહક સમુદાય પ્રવાસે નીકળી જ પડવાનો છે.
ચાઈનિઝ લોકો પ્રથમ પંક્તિના પ્રવાસીઓ છે અને છેલ્લા બે મહિનાથી આખી દુનિયા ચીનાઓને જોઈને હડહડ કરવા લાગી છે. ચીનાઓની હાલત કૂતરાઓ કરતાંય ખરાબ થઈ છે. ઈટાલી સરકાર તો ચીનાઓ પર આગામી પચીસ વરસનો ઘાતક પ્રતિબંધ મૂકવાનું વિચારે છે. મકાઉ, હોંગકોંગ, માલદીવ, ઇન્ડોનેશિયા, સિંગાપોર, મોરક્કો, મોનાકો જેવા ઘણા દેશો છે જેમની હાલત આ ચીનાઓએ જ ત્યાં જઈને કફોડી કરી છે. એરલાઇન્સ કંપનીઓએ બુકિંગ કેન્સલ કરાવનારા મુસાફરોને જે પ્રમાણમાં રિફંડ આપવું પડે છે તે ઐતિહાસિક છે. યુએઇના દુબઇ કે અબુધાબી પાસે તેલના કૂવા રહ્યા નહિ જેવા જ છે, પ્રવાસીઓની મદદ વિના ત્યાંના શેખના ઠાઠમાઠ કઈ રીતે ટકી શકશે ? સોનાના નળમાંથી પાણી તો આવશે પણ શેખને એ ઘૂંટડો હવે ગળે નહિ ઉતરે. અમેરિકા સદ્ધર દેશ હોવા છતાં પ્રવાસન તેના માટે લક્ષ્મીયંત્ર જ હતું. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પ્રવાસીઓથી સાવ મુક્ત છે. પ્રવાસન માટે નંબર વન ડેસ્ટિનેશન એટલે સમગ્ર યુરોપ. સ્વિત્ઝર્લેન્ડના બરફિલા પહાડો અને ફ્રાન્સના કેફે અને ઇટાલીના દેવળો હવે આજે ભૂત રડે ભેંકાર જેવા છે. વીસમી સદીમાં ક્યારેય બંધ ન થઇ હોય એવી સાઈટોએ તેમના અન્નદાતાર જેવા પ્રવાસીઓના આવવા પર પ્રતિબંધના પાટિયા દરવાજે જ ઝૂલતા કર્યા છે.
છેલ્લા દસેક વરસથી યુનિવસટી ઓફ ફ્લોરિડા પ્રવાસન કટોકટી વ્યવસ્થાપન ઉપર ગંભીરતાપૂર્વક અભ્યાસ કરે છે. કુદરતી કે કૃત્રિમ આફત મુસાફરોનું મનોબળ અને ઈચ્છાઓ કઈ રીતે બદલે છે તેના ઉપર ત્યાં સંશોધન થતું રહે છે. હરિકેન જેવું તોફાન કે ઝિકા જેવા વાયરસની ઉત્પત્તિએ પ્રવાસન ક્ષેત્રને કેટલું નુકસાન કર્યું છે તેની આંકડાકીય માહિતી તેમની પાસે છે. કોરોનાના પડછાયામાં ફસાયેલા નેવું ટકા અમેરિકનો પોતાના જ દેશમાં પ્રવાસ કરતા ડરે છે. બ્રિટન, અમેરિકા, ચીન અને યુરોપિયનો પ્રવાસન ઉદ્યોગની આધારશીલા છે. કેટલાક દેશો જ કોરોનાને કારણે શટ ડાઉન થઈ ગયા છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ સાથે સંકળાયેલી એક સંસ્થા છે - વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન. આ સંસ્થા વૈશ્વિક મુસાફરી અંગે ચિંતિત છે. તેણે વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે પોતાના સંબંધો મજબૂત કરી નાખ્યા છે. પ્રવાસીઓ કરતા પ્રવાસનના વ્યવસ્થાપકોને વધુ દુઃખ થતું હોય છે જ્યારે બસ, ટ્રેન કે પ્લેનના પૈડાં થંભી ગયા હોય.
વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનની ગતિવિધિઓ અને તેમના અધિકારીઓના કહેવા મુજબ જે દેશ સૌથી પહેલી બાહેધરી આપશે કે તે દેશમાં કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા શૂન્ય છે અને તેઓ એરપોર્ટ ઉપર દરેક વ્યક્તિના સ્વાસ્થ્યનું સઘન ચેકિંગ કરશે, પ્રવાસીઓનો ઘસારો એ દેશ તરફ વળશે. અલબત્ત, કોરોના હવે વિઝા અરજીની પ્રક્રિયામાં ક્રાન્તિ લાવી દેશે. પણ એક વખત કોરોના અંકુશમાં આવી જાય એટલે તરત જ ટુર ઓપરેટરોને પાંખો આવવાની છે. ભારતમાં પણ રાજસ્થાન, કેરળ, ગોવા, આગ્રા, દિલ્હી-મુંબઇ પ્રવાસીઓથી ધમધમતા પ્રદેશો છે. કેરળનું આકર્ષણ તો હમણાં પૂરમાં વહી ગયું હતું તો પણ તરત બેઠું થઈ ગયું હતું અને પ્રવાસીઓને આહવાન આપવા સજ્જ બની ગયું હતું. દેશની આંતરરાજ્ય સરહદો સંપૂર્ણપણે ક્યારે ખુલશે તેનો આધાર કોરોનાના દેશવ્યાપી આલેખ પર નિર્ભર છે. મહેમાનોને તો પધારવું જ છે પણ તેમની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી યજમાન દેશ અને એની લે તો. પ્રવાસન ઉદ્યોગમાં યજમાનપદે હંમેશા સરકાર બિરાજતી હોય છે. સરકારી નિર્ણયો અને સરકારી પોલિસી જ પ્રવાસન ક્ષેત્ર માટે સંજીવની બની શકે. નહીં તો જ્યાં સુધી કોરોનાની રસી ન બને ત્યાં સુધી રાહ જોવી રહી.


