Tantri Lekh

ચડતી કળાનો ચન્દ્ર

By GS Team
17 Oct 20264 mins read
TukuTouch Logo
ગુજરાતનો વિશાળ દરિયાકિનારો શરદ પૂનમની રાત્રે પણ સૂમસામ રહેશે. તત્કાલીન મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે 200 કિલોમીટરનો કિનારો 100 વર્ષના ભાડાપટ્ટે માંગ્યો હતો, પરંતુ ચીમનભાઈ પટેલે ઇનકાર કર્યો. ગુજરાતના દરિયાકિનારા પ્રત્યે પ્રજાનું આકર્ષણ ઓછું છે અને તરવાની કળા પણ બહુ ઓછા લોકોને આવડે છે. રિચાર્ડ સિમ્સે પીપાવાવ બંદરની શોધ કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ચડતી કળાનો ચન્દ્ર

ચન્દ્ર શીતળ સૌન્દર્યનો પ્રવાહક છે. હજુ આકાશમાં રાત્રે વાદળોનો વિહાર જોવા મળે છે. ચડતી કળાનો ચન્દ્ર ક્યારેક વાદળના ઘૂંઘટમાં ઢંકાઈ જાય છે, જેમ કોઈ નવવધૂના નેત્રદ્વય, લજ્જાથી પાંપણના ઘૂંઘટમાં ઢંકાઈ જાય એમ. હવે શરદ ઋતુનો શીતસુધાકર આકાશમાં સોળેય કળાએ પ્રગટ થવાની તૈયારીમાં છે. ગુજરાતનો વિરાટ સાગર કિનારો શરદ પૂનમની રાતે પણ સૂમસામ હશે કે? ક્યાંક ક્યાંક શોખીનોના પડાવ હશે. પણ એ સિવાય તો આપણે ત્યાં શરદ પૂનમે દરિયા કિનારે જવાના પ્રજાને સંસ્કાર પડયા નથી. દરિયા સાથે એકવાર જેને દોસ્તી થઈ જાય છે એ પછી આ ભવમાં તો અટકતી નથી. યાયાવર પંખીની જેમ મન ઉડી ઉડીને ફરી ફરી દરિયે જ પહોંચી જાય છે.
એક જમાનામાં દિગ્વિજય સિંહ મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન હતા ત્યારે એમણે આપણા તત્કાલીન મુખ્ય પ્રધાન ચીમનભાઈ પટેલને દરખાસ્ત કરી હતી કે તમારા લાંબા સાગર કિનારામાંથી ૨૦૦ કિલોમીટરનો કિનારો અમને સો વરસના ભાડાપટ્ટે આપો તો અમે ત્યાં મનોહર પ્રવાસન સ્થળો અને બંદરો વિકસાવીશંુ. પરંતુ ચીમનભાઈએ ઈન્કાર કરી દીધો હતો. ગુજરાતના દરિયા કિનારા તરફ પ્રજાનું આકર્ષણ ઓછું છે. તરતા પણ બહુ ઓછા લોકોને આવડે છે. તરણવિદ્યા ખરેખર તો જિંદગી બચાવનારી કળા છે. આપણે ત્યાં દર વરસે ચોમાસામાં અને પછી અનેક યુવાનો અને કિશોરો નદીઓના પાણીમાં કે તળાવમાં ડૂબી જાય છે. ભારે વરસાદમાં પણ લોકો તણાઈને મોતને ભેટે છે.
આનું એક કારણ એ છે કે આપણી શિક્ષણ વ્યવસ્થામાં ક્યાંય તરવાની તો વાત જ આવતી નથી. આપણા અનેક શહેરોમાં મ્યુનિસિપલ સ્નાનાગાર છે. ત્યાં પણ જે વાલીને ખુદને તરતા આવડતું હોય એ એમના સંતાનોને આગ્રહ કરીને, સમજાવીને ધરાર તરતા શીખવે છે. એકવાર આવડી જાય પછી તો સંસારમાં એના જેવી બીજી કોઈ મઝા નથી. મોટા ભાગના વાલીઓ એ વાતથી હજુ અજ્ઞાત છે કે તરવાની કળા હવે માત્ર શોખનો વિષય નથી. બદલાયેલા પર્યાવરણમાં આ એક લાઈફ સેવિંગ મેજિક છે. એ પોતાની જિંદગી તો બચાવે છે પણ ક્યારેક અન્ય ડૂબતાને પણ તારે છે. એક વાર પણ કોઈ તરવૈયાને કારણે જેની જિંદગી બચી ગઈ હોય એને જઈને પૂછો કે તરણકળા એટલે શું તો ખબર પડે. ડૂબવાના પ્રસંગ વિના તરવાના મહિમાનું ભાન ન થાય એ તો અજ્ઞાન છે.
હવે કેટલાક શૈક્ષણિક સંકુલોમાં તરતા શીખવા માટે સ્વિમિંગ પુલની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ એની ટકાવારી પાંચ ટકા પણ નથી. એની સાથે વાલીઓની પણ ઉદાસીનતા છે. ગુજરાતનો દરિયો એટલો મનોહર અને સુંદર છે કે સમગ્ર કિનારાની એક વખત સળંગ પગપાળા યાત્રા કરો તો એના રૂપનું વૈવિધ્ય અને જળરાશિના પ્રગલ્ભ સૌન્દર્યની ખબર પડે. ચાંચ બંદરથી શિયાળ બેટ રાતના સફર કરો તો શાંત સમુદ્રનો અવાજ સંભળાય. કોઈ બહુ ઊંડા ઉતરતા નથી, પરંતુ જ્યાં અત્યારે પીપાવાવ બંદર છે એની બાજુમાં વિક્ટરનો દરિયા કિનારો બહુ ઊંડાણ ધરાવે છે.
ભાવનગર રાજ્યના ચીફ એન્જિનિયર તરીકે કૃષ્ણકુમાર સિંહજીએ બ્રિટિશ રાજઘરાનાના મહાન ઈજનેર રિચાર્ડ સિમ્સની નિમણુક કરી હતી. મિસ્ટર સિમ્સ એક અલગારી એન્જિનિયર હતા અને દરિયા કિનારે રખડવાના ઘેલા હતા. આજનું પીપાવાવ બંદર હકીકતમાં રિચાર્ડ સિમ્સની શોધ છે. દરિયા સાથે ગુજરાતી પ્રજાનો સંબંધ ગાઢ હતો. વહાણે ચડેલો ગુજરાતી એક હજાર વરસ સુધી હેઠે ઉતર્યો ન હતો. ગુજરાતીઓએ સાત સમંદરની સફર કરી અને અનેક સાહસો પાર પાડયા. ગુજરાતીઓ બહુ સારા સુકાની હતા. કાઠિયાવાડના સાગરકાંઠે એને સોખાની કહેતા.
ગુણવંતરાય આચાર્ય અને નવનીત સેવકે અનેક નવલકથાઓ દ્વારા ગુજરાતીઓના સાગર સમ્રાટ જેવા કથાનકો આલેખ્યા છે. હવે ન તો સાગર કથાઓમાં પ્રજાને રસ છે ને ન તો સાગરમાં રસ છે. પણ એ રસ લેવા જેવો છે.
અને દરિયો તો દાતાર કહેવાય છે. દરિયો જે અને જેટલું આપે એટલું આપવાની તાકાત કોની હોય? એને રત્નાકર કહ્યો છે તે માત્ર હીરામોતી માટે નહિ. જિંદગીમાં એક નાનકડી સમજણ હજાર ઘાતમાંથી જાતકને ઉગારે છે. આપણે ડહાપણના દરિયાથી ટેવાયેલા છીએ… એના બદલે દરિયાના ડહાપણને આત્મસાત્ કરવું જોઈએ. કેટલી બધી નદીઓના જળને દરિયો પી જાય છે. અને આપણે તો કોઈએ ઉતાવળે ઉચ્ચારેલા બે વેણ પણ ગળે ઉતારી શકતા નથી. એટલે જ પૂર્વસૂરિઓએ આપણને શબ્દ આપ્યો છે - દરિયાદિલી. બીજું કંઈ ન હોય તોય એકલી દરિયાદિલીથી પણ બધા જ મોરચે આ જિંદગી જીતી શકાય છે. ઈતિહાસમાં એનાં અનેક દ્રષ્ટાન્તો છે.