Get The App

કોંગ્રેસ ખલનાયક છે ?

Updated: Jan 8th, 2020

GS TEAM

Google News
Google News
કોંગ્રેસ ખલનાયક છે ? 1 - image


કેન્દ્રની એનડીએ સરકારની ઉપરાઉપરની આ બીજી ટર્મના પ્રથમ સો દિવસ પૂરા થયા છે. એનો આ સરકાર ગયા વખત જેવો બહુ આનંદ લઈ શકે એમ નથી. પરંતુ એનો અર્થ એમ પણ નથી કે સરકાર તકલીફમાં છે. એનડીએને જંગી બહુમતી સાથે ભારતીય પ્રજાએ લોકસભામાં મોકલીને સરકાર રચવાની જે વિજયંત અનુકૂળતા કરી આપી એની ફલશ્રુતિ જ ભારતનો વર્તમાન છે. 

ગઈકાલે સામાન્ય કામદારોથી બેન્કના ઉચ્ચ અધિકારીઓ સહિતનો દેશનો બહુ મોટો કાર્યચાલક અને કાર્યપાલક સમુદાય હડતાળ પર હતો. કેન્દ્ર સરકારના રેડિયો વગેરે સરકારી માધ્યમોએ એ અંગેના સમાચાર પર બ્લેક આઉટ હુકમ જારી કરેલો. પ્રકાશ જાવડેકરે ટ્રેડ યુનિયનોના બંધ સંબંધિત વૃત્તાંતો પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.

ઘણા વરસો પછી આ એક એવી હડતાળ હતી જેમાં દેશના કરોડો લોકો જોડાયા હતા. ભાજપની સૌથી મોટી સમસ્યા એ જ છે કે પોતાની સામેના વિરોધના સ્વરથી તે બહુ ગભરાય છે અને મતમતાંતર સાંભળવાની તેની તૈયારી જ હોતી નથી. એને કારણે સરકારી કોઈ પણ નીતિની આલોચના કરવાના રસ્તાઓ બંધ થતાં ધૂંધવાટ વધવા લાગે છે.

પછી એ ધૂંધવાટ ગમે ત્યાં અણધારી રીતે પ્રગટ થઈને સરકારને વિમાસણમાં મૂકે છે. બંધનો મુખ્ય હેતુ સરકારની કામદાર વિરોધી નીતિ સામેનો છે એમ ટ્રેડ યુનિયનોએ જાહેર કર્યું હતું. કેટલાક ખેડૂત મંડળો અને વિદ્યાર્થી સંગઠનો પણ આ હળતાળમાં જોડાયા હતા. કૌતુક એ વાતનું પણ રહ્યું કે મહારાષ્ટ્રમાં શિવસેના સત્તામાં છે છતાં આ હડતાળના ટેકામાં હતી. સેનાના કાર્યકરો રેલીઓ અને દેખાવોમાં જોડાયા હતા.

બંધ પર જવાહરલાલ નહેરુ યુનિવસટીના છેલ્લા ઘટનાક્રમના લાંબા પડછાયા પણ હતા. જેએનયુ પર ડાબેરી વિચારધારા ધરાવતા લોકોનો કબજો હોય એવું ચિત્ર શરૂઆતથી છે. જેએનયુના કુલપતિનું વ્યક્તિત્વ પણ સંદિગ્ધ છે. જે અસામાજિક તત્ત્વોએ કેમ્પસમાં ગેરકાયદે પ્રવેશીને ત્રીસ-ચાલીસ વિદ્યાર્થીઓ વત્તા અધ્યાપકો સાથે મારામારી કરી એ અંગે તરતના આકરા પગલા લેવામાં કુલપતિ કાચા પડયા છે.

સાચું શું અને ખોટું શું એ તો પછીની વાત છે પહેલા તો હુમલો કરનારાઓને જેલના સળિયા પાછળ ધકેલવાની તાકાત કુલપતિની હોવી જોઈએ તે નથી અને તેથી કુલપતિ તરીકે તેઓ નિષ્ફળ તો છે જ પરંતુ આકાર લેતી ચિંતાજનક ઘટનાઓમાં તમામ સ્તરે તપાસને ઠંડી પાડી રહ્યા છે એમ લાગે છે.

જેએનયુ ખરેખર જ ઉચ્ચ સ્તરના બૌદ્ધિકોનો અખાડો છે. અને એટલે એ બૌદ્ધિકોના તર્કને પહોંચી વળવામાં એનડીએ સરકારનો પનો ટૂંકો પડે છે. જેએનયુના આંતરિક વિદ્યાર્થી નેતાઓના કહેવાથી જ દેશના અનેક સ્ટુડન્ટ યુનિયન ગઈકાલે બંધમાં જોડાયા હતા. ડાબેરીઓ કેટલીક મૂળભુત રાષ્ટ્રીય અને નવી પ્રણાલિકાઓના વિરોધી છે.

કોંગ્રેસ હવે પોતાના અસ્તિત્વ માટે કંઈ પણ કરવા તૈયાર હોય એવું દેખાય છે. ડાબેરીઓને કોંગ્રેસ પહેલા હવા આપે છે અને પછી પાછલા દરવાજેથી તાકાત પણ આપે છે. કારણ કે કોંગ્રેસ પતન પામેલો પરાજિત પક્ષ છે પરંતુ દેવાળું ફૂંકેલી કોઈ પાર્ટી નથી. ભાજપ પોતાના વિજયોન્માદમાં ઘણી વાર કોંગ્રેસને અન્ડર એસ્ટિમેટ કરે છે અને એથી એના પરિણામ પણ ભોગવે છે. તો પણ કોંગ્રેસ જેવા એક જમાનાના મહારથી પક્ષે ભારતમાં ખલનાયકની ભૂમિકા સ્વીકારવા જેવી નથી.

રાષ્ટ્રીય તખ્તા પર કોંગ્રેસે છેલ્લા કેટલાક સમયથી લુચ્ચાઈ દાખવવાની શરૂઆત કરી છે. મહારાષ્ટ્રમાં ભાજપને સત્તાથી દૂર રાખવામાં મળેલી સફળતા પછી કોંગ્રેસનો આત્મવિશ્વાસ વધ્યો છે. કોંગ્રેસ જે કામ આજકાલ જેએનયુમાં કરે છે તે જ કામ તે ભવિષ્યમાં બંગાળ સહિતના અન્ય રાજ્યોમાં પણ કરશે. કારણ કે કોંગ્રેસના જુના ધોરણો સદંતર બદલાઈ ગયા છે.

જે યુનિયનોએ ગઈકાલે બંધનું એલાન આપ્યું હતું તેમાંના મોટાભાગના કોંગ્રેસ સાથે જોડાયેલા છે. નાગરિકતા ધારામાં  સુધારા કરવાને અને આ ટ્રેડ યુનિયનોની હડતાળને આમ તો કોઈ સીધો સંબંધ નથી છતાં એલાન આપનારાઓએ સીએએના કાયદાને પાછો ખેંચવાની બૂમો પાડી છે.

ઉપરાંત નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ અને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર વિરુદ્ધના બેનરો પણ ટ્રેડ યુનિયનોની ગઈકાલે યોજાયેલી રેલીઓમાં જોવા મળ્યા હતા. બંધના મૂળભૂત હેતુઓમાં ડાબેરીઓ સાથે રહીને કોંગ્રેસે પોતાના એજન્ડાની જે ભેળસેળ કરી એનાથી ટ્રેડ યુનિયનોના અવાજની એક નવી જ વઘારેલી ખિચડી થઈ ગઈ. ઉપરાંત એને કારણે ફરીવાર એ હકીકત પુરવાર થઈ કે ટ્રેડ યુનિયનોમાં હજુ પણ કેટલાક એવા લોકો છે જે રાજકીય પક્ષના હાથા બનવા તૈયાર છે.

ટ્રેડ યુનિયનોએ કામદાર વિરોધી સરકારની વાત કરી હતી અને એમના મહત્ મુદ્દાઓ સાચા હતા એને ટ્વીસ્ટ કરીને કોંગ્રેસે લોકવિરોધી સરકાર એવો ફેરફાર કરાવ્યો એને કારણે બિન સરકારી માધ્યમોના રાષ્ટ્રીય પ્રવાહમાં પરિભાષા સતત બદલતી રહી છે. જો કોંગ્રેસે આ બંધના એલાનને રાજરંગનો પાનો ન ચડાવ્યો હોત તો જેવા છે એવા સ્વરૂપે ટ્રેડ યુનિયનોના અવાજનો બુલંદ પડઘો પડયો હોત. કોઈ પણ વસ્તુને રાજકીય વરખ ચડે એટલે એનું મૂલ્ય નેવું ટકા ઓછું થઈ જાય છે.

Tags :