Get The App

સેવિંગ્સના વ્યાજ પર તરાપ

Updated: Mar 28th, 2019

GS TEAM

Google News
Google News
સેવિંગ્સના વ્યાજ પર તરાપ 1 - image



કેન્દ્ર સરકારે નાગરિકોના સામાન્ય બચત ખાતામાં મળતા વ્યાજ પર તરાપ મારવાની નવી પદ્ધતિ શોધી લીધી છે. નાણાં મંત્રાલયે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને આપેલા માર્ગદર્શન પ્રમાણે એસબીઆઈ બહુ ટૂંક સમયમાં બચત ખાતાની જમારાશિ પર આપવાના થતા વ્યાજના દરને રિઝર્વ બેન્કના રેપોરેટ સાથે સાંકળી લેશે. તમામ પ્રકારની નાની બચતના વ્યાજદરો ઘટાડીને છેલ્લા પાંચ વરસમાં એનડીએ સરકારે સામાન્ય નાગરિકની બચત પ્રવૃત્તિ પર શરૂઆતથી જ કુઠારાઘાત કરેલો છે. 

હવે ભાજપ સરકાર જતાં જતાં વધુ એક આઘાત તરીકે એસબીઆઈના બચત ખાતાના હાલના વ્યાજદરો ચતુરાઈ પૂર્વક ઘટાડવા ચાહે છે. એસબીઆઈ શરૂઆત કરશે એટલે પછીથી એક પછી એક તમામ બેન્કો એને અનુસરશે. આને કારણે વિવિધ પ્રકારની અનેક બચત યોજનાઓને ઓછોવત્તો ધક્કો પણ લાગશે. કેટલીક ખાનગી બેન્કો પણ એસબીઆઈના નવા ધોરણોનો લાભ લઈ પોતાનો નફો છાને પગલે વધારી દેશે. 

રાષ્ટ્રીયકૃત બેન્કોના બચત ખાતામાં પડી રહેતી જે રકમ હોય તેના પર એ બેન્કો દરરોજની ગણતરીએ વ્યાજ આપતી હોય છે. બે ત્રણ વરસ પહેલા એ વ્યાજ મહિનાના ઓછામાં ઓછા સળંગ મેઈન્ટેન થયેલા બેલેન્સ પર મળતું હતું. છેલ્લા અઢી-ત્રણ વરસથી રોજની ગણતરી પ્રમાણે વ્યાજ નિયત સમયે જમા આપવામાં આવે છે.

અત્યારે સેવિંગ્સ એકાઉન્ટની પુરાંત પર બેન્કો સાડા ત્રણથી ચાર ટકા જેટલું વ્યાજ આપે છે. જે ફિક્સ ડિપોઝિટ પર મળનારા વ્યાજની તુલનામાં તો અરધું કહેવાય. તો પણ દેશના કરોડો લોકો એ ઓપન એમાઉન્ટ પર થોડું ઘણું વ્યાજ કમાઈ લેતા હોય છે. 

આપણા દેશમાં શિક્ષકો અને અધ્યાપકો ફાઇનાન્સિયલ કેરેક્ટર છે. કારણ કે ઓન ડયુટી તેઓ નાણાં ખાતાના કોઈ સચિવની જેમ આંકડાબાજી જ રમતા હોય છે. કોઈ પણ બેન્ક મેનેજરને પૂછો તો ખ્યાલ આવશે કે તેમના તમામ ખાતેદારોમાં શિક્ષકો જ એક માત્ર એવા સામાજિક પ્રાણી છે જેઓ વારંવાર ટૂંકાગાળાની ફિક્સ ડિપોઝિટ મૂકતા અને ઉપાડતા રહે છે. સામાન્ય નાગરિકના બચત ખાતામાં ધારો કે દસ હજાર રૂપિયા ત્રણ મહિના પડી રહેવાના હોય એવા જ સંયોગોમાં શિક્ષક એ રકમને ત્રિમાસિક બાંધી મુદતની થાપણ તરીકે મૂકીને બેન્કિંગ સિસ્ટમનો મહત્તમ લાભ લેશે. આ સારી જ વાત છે.

પરંતુ દેશમાં સામાન્ય નાગરિકોનો એક વિરાટ સમુદાય એવો છે જે અનિશ્ચિતતાને પહોંચી વળવા માટે બચત ખાતામાં નાણાં મૂકી રાખે છે. હવે સરકારની આંખમાં એ મૂકી રખાયેલા નાણાં બદલ આપવાનું થતું સાવ ઓછું વ્યાજ પણ ખટકે છે એટલે એના પર બેન્કોએ આપવાનું થતું વ્યાજ ઘટાડવા અને વારંવાર ઘટાડવા માટે એ વ્યાજદરોને રેપોરેટ સાથે સંલગ્ન કરવાની થિયરી અપનાવવા ચાહે છે. 

એટલે હવે પરિણામ એ આવશે કે સેવિંગ્સ એકાઉન્ટમાં મોટી રકમ રાખનારાઓ એ ખાતાઓ ખાલસા કરી ક્યાંક બીજે રોકાણ કરવા પ્રેરાશે. એનાથી એમને ફાયદાને બદલે નુકસાન વધુ થશે એ નક્કી છે, કારણ કે સામાન્ય નાગરિકો એમની નાની નાની રકમો માટે કોઈ પોર્ટફોલિયો મેનેજરની સલાહ તો લેવાના નથી. હા, જેઓના ખાતામાં લાખ રૂપિયા કે એથી વધુ રકમ પડી રહેતી હોય તેઓ નવી રીતે રોકાણ કરવાનું આયોજન કરશે.

સરકારના નાણાંખાતાનું વાજિંત્ર બની ગયેલા કેટલાક આથક મીડિયા એમ કહેશે કે એસબીઆઈના નવા નિર્ણયથી ખાતેદારોને વધુ વ્યાજ અને ઊંચા વળતર તરફ રોકાણ કરવાની પ્રેરણા મળશે, પરંતુ તેમની વાત નકારાત્મક એટલે છે કે રેપોરેટ સાથે બચત ખાતાનો વ્યાજદર સાંકળવાની સંકુલ પ્રક્રિયા તો નાના ખાતેદાર નહિ સમજે અને હવે વ્યાજ ઓછું મળે છે કે કેમ ઓછું મળે છે એ સમજવામાં તો વરસો લાગશે. પરંતુ એ વ્યાજ ઘટાડાથી બેન્કોનો નફો ટીપે ટીપે સરોવર ન્યાયે ક્યાં નો ક્યાંય તગડો થઈ જશે. અને પ્રજાને ટીપે ટીપે જ ઘટતા વ્યાજે ટીપાઈ જવાનું કષ્ટ પડશે. 

પોસ્ટલ બચતના દરો ઘટાડવાથી ભાજપ સરકારને સંતોષ ન થતાં હવે જતાં જતાં દેશની તમામ બેન્કોને દેશના નાગરિકોને કોઈ જ મહત્ત્વના કારણ વિના ઓછું વ્યાજ આપવાનો સંકેત કરે છે. એસબીઆઈ ટૂંક સમયમાં જ આ બચતખાતાના વ્યાજ માટેની નવી નીતિ ચૂપકિદીથી જાહેર કરશે.

એક માહિતી પ્રમાણે એસબીઆઈ દ્વારા આ નવી પદ્ધતિનો અમલ આગામી પહેલી મે થી શરૂ કરવાનો નિર્ણય તો લેવાઈ જ ગયો છે, માત્ર એની લોકખ્યાત જાહેરાત કરવાની બાકી છે. આવતા મહિને રિઝર્વ બેન્કની નાણાંનીતિની જે મિટિંગ મળવાની છે એમાં રેપોરેટ ઘટવાનો અંદાજ છે જેની સીધી અસર પછીના મે મહિનાથી બચત ખાતાધારકોને થશે અને વ્યાજ ઘટશે.

દેશના જે સામાન્ય નાગરિકની આશાઓના પ્રજ્વલિત દીપ તરીકે ભાજપ કેન્દ્રમાં સત્તાસને પહોંચ્યો એ જ નાગરિકોના ઘરના દીવા બુઝાઈ જાય એ માટે ભાજપે એક પછી એક ઝંઝાવાતી ખોટા નિર્ણયો લીધા છે, હવે એવા મોટા નુકસાનકારક નિર્ણયો લેવાનો સમય રહ્યો નથી તોય આવા સેવિંગ્સ વ્યાજદર ઘટાડવાના નિર્ણયો લઈને પેલા ઘરદીવડાંઓ બુઝાવવા ફૂંક મારતા રહેવાની પ્રવૃત્તિ તો ચાલુ જ રાખી છે. 

Tags :