Get The App

CBI ઈનફાઈટ .

Updated: Oct 26th, 2018

GS TEAM

Google News
Google News
CBI ઈનફાઈટ                                  . 1 - image

આપણાં દેશમાં જુદી જુદી બાબતો, વસ્તુઓ, વિચારો અને ઘટનાઓ દુનિયાભરના લોકો માટે પ્ર-દર્શનમાં મૂકાતી રહે છે એમાં હવે વારો આવ્યો છે સીબીઆઈના ટોચના અધિકારીઓની ઇનફાઇટનો ! દેશની અનેક બંધારણીય સંસ્થાઓ કઈ રીતે ક્રમશઃ લકવાત્રસ્ત થઈ રહી છે તેના પર દેશના પ્રબુદ્ધજનોની સચિંત નજર છે.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) પર ચિલાચાલુ આક્ષેપો તો થતા જ રહેતા અને એ તો છેક ઇન્દિરા ગાંધીના જમાનાથી થતા.

કેન્દ્રમાં જેની સત્તા હોય તે રાજકીય પક્ષ સીબીઆઇનો દુરુપયોગ કરવાનો મોહ છોડી શકતો નથી તે આપણા દેશનો ઇતિહાસ છે. તો પણ ભારતીય પ્રજા માનસમાં અને દુનિયામાં સીબીઆઇની પ્રતિષ્ઠા તો હતી, પરંતુ ટોચના બે અધિકારીઓ નંબર એક અને નંબર બે વચ્ચેની ખતરનાક ઈનફાઈટને કારણે હવે એ પ્રતિષ્ઠાને લુણો લાગી ગયો છે. સીબીઆઇ ડાયરેક્ટર આલોક વર્મા અને સોશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વચ્ચે આરોપ- પ્રત્યારોપનો સિલસિલો જે આજકાલ સાર્વજનિક થઈ ગયો છે એ જોઈને દેશ આખો સ્તબ્ધ થઈ ગયો છે.

વિખ્યાત લેખક ઈયાન ફ્લેમિંગની જેમ્સ બોન્ડ નવલકથાઓને પણ ઝાંખી પાડે તેવી સીબીઆઇની આ દિલધડક દાસ્તાનમાં હવે દરરોજ સનસનાટી મચાવતા વળાંક આવી રહ્યા છે. આ વાસ્તવિકતાએ જાસુસી કથાઓને પણ પાછળ રાખી દીધી છે. ગઈકાલે સર્વોચ્ચ અદાલતે આલોક વર્મા વિરુદ્ધ રાકેશ અસ્થાના પ્રકરણ સંબંધિત અરજીની સુનાવણી હાથ ધરીને તપાસ સેન્ટ્રલ વિજિલન્સ કમિશ્નરને સોંપી છે. વધુ મહત્ત્વની વાત એ છે કે કમિશને તપાસ સર્વોચ્ચ અદાલતની દેખરેખ હેઠળ કરવાની છે.

સી.બી.આઇ.માં પ્રવેશી ગયેલો ભ્રષ્ટાચાર ત્યાંથી પણ આગળ વધીને આ કેન્દ્રીય સતર્કતા આયોગ (સીવીસી) સુધી ન પહોંચી જાય એની સર્વોચ્ચ અદાલતે સાવધાની રાખી છે. કારણ કે માત્ર સર્વોચ્ચ અદાલત જ નહિ આખો દેશ જાણે છે કે સીવીસી પર આ તપાસ દરમિયાન કોનું દબાણ આવશે.

સીબીઆઇના આ બન્ને હવે બદનામ થઈ ગયેલા ઉચ્ચાધિકારીઓ વિશે અનેક દંતકથાઓ પણ વહેતી થઈ છે તે પ્રમાણે આ યુદ્ધ હકીકતમાં ભારતીય સરકારી અધિકારીઓમાં વ્યાપ્ત સજ્જન અને દુર્જન વચ્ચેનું પ્રતીકાત્મક યુદ્ધ છે જે લગભગ દશેરા નજીકના દિવસોમાં જ આરંભાયુ છે, પરંતુ સજ્જન કોણ અને દુર્જન કોણ એ નક્કી કરવાનું કામ હવે અઘરું છે અને એથી જ એ કામ અદાલતનું છે.

બજારમાં એક રીક્ષાવાળો અને એક ગ્રાહક ઝગડો કરતો હોય ત્યારે ૧૨૦ની સ્પીડમાં પસાર થતા નાગરિકને જો પહેલી જ નજરે તમને ખબર પડી જતી હોય કે એ બેમાંથી સાચું કોણ તો પછી ઐરાવતોના દ્વંદ્વયુદ્ધમાં આ પ્રજાને ખબર ન પડે ? પડે જ. તેમ છતાંય દેશના બુદ્ધિમાન કહેવાતા મૂર્ખ રાજનેતાઓ એમ માનતા હોય છે કે પ્રજાને શું ખબર પડે ! ભારતીય પ્રજાએ જેઓને મૂર્ખ માની છે તેઓ આગળ જતાં સ્વયં મહામૂર્ખ સાબિત થયેલા છે ને એના દ્રષ્ટાન્તો પારાવાર છે. જે રીતે ભગવાન બધું જુએ છે તે રીતે, પ્રજા પણ બધું જુએ છે, ફેર એટલો છે કે ઘટના અપ્રગટ હોય ત્યારથી આરંભાતી- ભગવાન જુએ છે અને સપાટી પર આવ્યા પછી ૧૩૫ કરોડની વિરાટ જનરાશિ ટગર ટગર જુએ છે, જાણે છે, સમજે છે.

સીબીઆઇના આમાંના એક અધિકારીએ તો કરોડો રૂપિયાનું કર્મચારી કલ્યાણ નિધિ કક્ષાનું ફંડ રાજકીય પક્ષની તિજોરીમાં પધરાવી દીધું હોવાના દસ્તાવેજો પણ હવે તરતા થયા છે. સર્વોચ્ચ અદાલતે માત્ર બે જ સપ્તાહમાં તપાસ પૂરી કરવાનો સીવીસીને આદેશ આપ્યો છે છતાં આ ઘટનામાંથી હજુ પણ નિત્ય નવા વૃત્ત ઝરણ વહેતા રહેવાના છે.

કારણ કે આ વિસ્ફોટક પ્રકરણ જાહેર થયા પછી પણ બન્ને અધિકારીઓની સામસામી છાવણીમાંથી પરસ્પરની જાસૂસી કરવાની પ્રવૃત્તિ તો શરૂ જ છે જેના સંકેતરૂપે આઇબીના ચાર અધિકારીઓ ઝડપાયેલા છે અને પછી દોરી સંચારકના કહેવાથી છોડી મૂકાયેલા છે. ઇ.સ. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી જીતવાની સોગઠાબાજી ગોઠવતા કેટલાક રાજકીય નેતાઓએ રાજપાટના તમામ કામ પડતા મૂકીને હવે માત્ર આ સીબીઆઇ અધિકારીઓની ઈનફાઈટના જાણે કે પોતે જ ઇન્ચાર્જ હોય એમ પૂર્ણકાલીન વોચ, બૌદ્ધિક વ્યાયામ, કાનૂની ડૂબકી અને દૂરીસંચાર તથા દોરીસંચારમાં એકાગ્રતા કેળવી લીધી છે, એમાં પણ અત્યારે ભગવાન બધું જુએ છે - નું સ્ટેટસ છે ને ભવિષ્યમાં પ્રજા બધું જોશે, જાણશે અને વિસ્ફારિત નેત્રે સાક્ષાત્ સમજશે.

બે ગંજાવર ઉચ્ચાધિકારીઓની આ ઈનફાઈટમાં હજુ પણ માત્ર ધૂમાડો જ લોકખ્યાત થયો છે, એની ભીતરનો દાવાનળ તો હવે પછી પ્રગટ થવાનો છે. ચોર ટોળકીનો એક ચોર પકડાવાથી બાકી મુક્ત રખડતા ચોર સભ્યો પર જે મનોવૈજ્ઞાાનિક બંધન આવી જાય તેવા બંધનો અત્યારે દેશના કેટકેટલા આ કેસ સંબંધિત લોકો ભોગવી રહ્યા છે.

આપણી લોકશાહી વ્યવસ્થાની વિવિધ આધારશિલાઓને એક પછી એક ધ્વસ્ત કરવાનું કોનું દિમાગ છે કે હવે દેશનો મોભ કહેવાય એવા લાકડાઓમાંથી ય ઉધઈના ઓડકાર સંભળાવા લાગ્યા છે ? સીબીઆઇની આ ઈનફાઈટથી એક વાત સ્પષ્ટ છે કે દેશ અત્યારે લોકશાહી સામેના બહુ જ મોટા, અણધાર્યા અને અપૂર્વ સંકટમાંથી પસાર થઈ રહ્યો છે.

માત્ર સીબીઆઇ જ નહિ, દેશમાં ઉચ્ચાધિકારીઓનો ભ્રષ્ટાચાર અને એ અધિકારીઓમાં રહેલી બિનસરકારી રાજનેતાઓ તરફની આજ્ઞાાંકિતતા ૧૩૫ કરોડ લોકો પરનું નવું જોખમ છે. આ ઈનફાઈટે ફરીવાર ઉદ્ધોષ કર્યો છે કે આપણા દેશમાં વાડને ચીભડાં બહુ જ ભાવે છે !

Tags :