Get The App

પત્તાનો મરાઠા મહેલ .

Updated: Nov 24th, 2019

GS TEAM

Google News
Google News
પત્તાનો મરાઠા મહેલ                           . 1 - image


શરદ પવારની પુખ્ત વિચારધારાએ મહારાષ્ટ્રના પ્રાદેશિક રાજકારણમાં ગોથું ખાધું છે. રાત્રિઓ બહુ રળિયામણી હોય છે અને ભાજપને અનેક કિસ્સાઓમાં વહેલી સવારનો સૂરજ સોનેરી બનાવતા આવડે છે. શરદ પ-વા-રમાંથી શરદ પા-વ-ર ન બની શક્યા એનો અફસોસ હવે કાનૂની રાહે શિવસેના અને કોંગ્રેસને સાથે રાખીને ઉત્પાત મચાવે છે જે તેમનો અધિકાર પણ છે જ. આજે સોમવારે સવારે દેશની સર્વોચ્ચ અદાલતના આંગણે મહારાષ્ટ્ર પ્રકરણનો નૂતન ઊઘાડ થશે.

મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામોને એક મહિનો થવા આવ્યો. બહુ લાંબા અને દરરોજ વળાંક લેતા ઘટનાક્રમની ફળશ્રુતિરૂપે પણ રાતે ઓશિકે જે ધારણા લઈને મહારાષ્ટ્ર જંપી ગયું ત્યાર પછીના દિવસના દેશભરના અખબારોની પ્રથમ પૃષ્ઠની શીર્ષ વૃત્તરેખાને, રાત થોડી ને વેશ ઝાઝા ધારણ કરનારાઓએ પલટાવી નાંખી હતી અને સાવ તરોતાજા સમાચારને ઈતિહાસની રૂપેરી કિનાર લગાવી દીધી હતી. જિંદગીમાં અને રાજકારણમાં પણ તોડી-મરોડીને ધરાર સફળતા મેળવવાનો દુરાગ્રહ સહુને આશ્ચર્યચકિત કરી દે છે ખરો પણ એ તકલાદી પણ હોઈ શકે છે.

મહારાષ્ટ્રમાં શિવસેનાનો સર્વોચ્ચતાનો વ્યર્થ અહંકાર ભાજપે છેલ્લા પાંચ વરસ સહન કર્યો છે. સત્તામાં ભાગીદાર હોવા છતાં દેવેન્દ્ર ફડણવીસ આણિ મંડળી પર સેનાએ માછલા ધોવાનું કામ હર હાલતમાં અદા કર્યું છે. એને કારણે મહારાષ્ટ્ર ભાજપમાં શિવસેનાને પાઠ ભણાવવાની તીવ્ર ઉતાવળ હતી. દેશના અનેક રાજ્યોમાં ભાજપની યુતિ સરકાર છે પરંતુ યુતિમાં સાથે રહીને સરકારની અને ભાજપની ઘોર ટીકા કરનારો સાથીદાર તો ભાજપને મહારાષ્ટ્રમાં જ અનુભવાયો.

ભાજપમાં ટાઢા કલેજે હિસાબ કરવાની કુશળતા અને ખતરનાક ધીરજ છે જેનો શિવસેનાને હવે છેક રહી રહીને પરિચય થયો છે. મહારાષ્ટ્રના પ્રાદેશિક રાજકારણમાં ભાજપ એના રાષ્ટ્રીય કૃત્યોને કારણે અને શિવસેના પ્રાદેશિક કૃત્યોને કારણે સામાન્ય પ્રજાના મનમાં આંશિક રીતે અપ્રિય છે જેનો લાભ આ વખતની વિધાનસભા ચૂંટણીમાં અણધારી રીતે એનસીપીને મળ્યો છે. તેમ છતાં ભાજપ કે શિવસેના બેમાંથી એકેયમાં વિવેકનો પ્રાદુર્ભાવ થયો નથી.

દેશની સર્વોચ્ચ અદાલતે રાજ્યપાલ ભગત (નામ સાર્થક કરનારા મહામહિમ્ન) ને નોટિસ તો ફટકારી જ દીધી છે અને મહારાષ્ટ્રની આ રાજકીય ઉથલપાથલ સર્વોચ્ચ અદાલતની પોતાની પણ કસોટી બની રહેવાનો અણસાર છે. કારણ કે મહારાષ્ટ્રની દાઝેલી ખિચડીમાં થોડી ચાણક્યછાપ એલચી નાંખીને એને મહેંકતી કરવાનો ભાજપની કિચન કેબિનેટનો વ્યાયામ ચાલી રહ્યો છે. જેમ ભગવાન બધું જુએ છે એમ દેશની પ્રજા પણ બધું જુએ છે. એકલા ભાજપની વાત નથી.

એ તો કેન્દ્રમાં સત્તાધારી છે એટલે એનો વાંક હંમેશા વધુ જ દેખાવાનો. પરંતુ ભારતના એકેએક રાજકીય પક્ષે સત્તા માટે છેલ્લા દસ વરસથી લાજ મૂકી દીધી છે. એમાં હવે ભાજપે તો લોકલાજ પણ મૂકી દીધી છે. બહુમતી પુરવાર કરવા માટે રાજ્યપાલે ખરીદ-વેચાણ સંઘને બહુ વધારે પડતો સમય આપી દીધો હોવાની રજુઆત પણ આજે સુશ્લિષ્ટ રીતે અદાલતમાં થવાની છે.

એક વાત નક્કી છે કે ખરીદ-વેચાણ સંઘ આમ તો ચૂંટણી પહેલા જ પોતાનું મોટાભાગનું કામ પૂરું કરી લે છે. પરંતુ લોકમત નવો જ પ્રગટ થાય ત્યારે આ સંઘે પરિણામો પછી ઉજાગરા કરવાના થાય છે. હજુ 'ટેકા'ના ભાવની ખરીદી તો મહારાષ્ટ્રમાં આજકાલમાં ચાલુ થવાની ગણતરી છે. સર્વોચ્ચ અદાલતમાં આજે જે રજુઆત થવાની છે એ કેસ આગળ ચાલે તો વીસરાઈ ગયેલા પંછી કમિશનના થોડા પાના ચમકવાની ધારણા છે. મહારાષ્ટ્રમાં હવે રાતોરાત વિરોધપક્ષનું બિરુદ પામેલા નેતાઓ એવી રજુઆત કરવાના છે કે પ્રજાના વિશ્વાસનો દ્રોહ થાય એવી રીતે યુતિ ન કરી શકાય.

પરંતુ આ તો અખિલ ભારતીય સમસ્યા છે. એનસીપીના જે ધારાસભ્યો અજિત પવાર સાથે છે એ વાસ્તવમાં તો અગાઉની યુતિ સામે લડીને જીતેલા છે. જેમાંના મોટા ભાગના ધારાસભ્યો તો ભાજપના ઉમેદવારને હરાવીને વિધાનસભાના પગથિયે પહોંચ્યા છે તો તેઓ ભાજપના ખોળે કઈ રીતે બેસી શકે ? પંછી કમિશન એના અધ્યક્ષ મદન મોહન પંછી નામના નિવૃત્ત ન્યાયમૂતના નામે ઓળખાય છે. ઈ. સ. ૧૯૯૮ના અરસામાં જ્યારે કે. આર. નારાયણ રાષ્ટ્રપતિ હતા ત્યારે ન્યાયમૂત એમ. એમ. પંછી દેશની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂત હતા.

પંછી કમિશનનો અહેવાલ મુખ્યત્વે તો કેન્દ્ર અને રાજ્યના સંબંધો પરનો છે પરંતુ એમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ પછીના પાટલીબદલુઓ પર વેધક નિશાન તાકવામાં આવ્યા છે. ભાજપ માટે અજિત પવારના સમર્થન પછી પણ બહુમતી પુરવાર કરવાનું કામ આસાન નથી. શિવસેના અને કોંગ્રેસમાં કેટલાક પીળા પાંદડાઓ પણ છે જે આ પાનખર પહેલા જ ખરી પડવાની સંભાવના છે એટલે એ ઝાડવાઓ નીચેના છાંયે ભાજપે પોતાના માળી ઊભા રાખી જ દીધા છે.

હાલ ચોપાટી પર પછડાતી ને પાછી ફરતી ઓટ વેળાની દરિયાઈ લહેરોમાં જે વાત તરે છે તે ભાજપના એકસો પાંચ ધારાસભ્યો ઉપરાંત કાકા શરદ પવાર અને ભત્રીજા અજિત પવાર વચ્ચેની ખેંચતાણ પછી ભાજપના ભાગે આવનારા ટેકેદાર બાવીસ ધારાસભ્યો ઉપરાંત જેમના આંગણે ચાંલ્લો કરવા લક્ષ્મી ઊભી છે તે પંદર અપક્ષ ધારાસભ્યોના ખુશનુમા ખયાલમાં ભાજપે શપથ ગ્રહણ સમારંભ ઉજવી લીધો છે અને તો પણ મહારાષ્ટ્રમાં ફડણવીસેે દસકો સળંગ રાજ કરવા ને નિંરાત માટે હજુ દસેક ધારાસભ્યો તો શોધવાના રહેશે.

Tags :