Get The App

શાહીન બાગ મોડેલ .

Updated: Mar 16th, 2020

GS TEAM

Google News
Google News

આમ તો જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી એ જૂની વિચારધારા વિકસેલી છે કે ભારત એક બહુવિધ દેશોનો સમૂહ છે. ભારતને એક જ અખંડ રાષ્ટ્ર તરીકે ન જોનારા લોકોના મૂળ જેએનયુમાં પડેલા છે. તેઓ આજે પણ એમ માને છે કે ભારતના ટુકડા આસાન છે અને એ માન્યતામાંથી જ ટુકડે ટુકડે ગેંગ બની છે. આ ગેંગ હવે જો કે જેએનયુની બહાર ફેલાઈ ગઈ છે. ટુકડે ટુકડે શબ્દનો ધ્વનિ જેએનયુમાંથી રાતોરાત ઉદભવેલો નથી. પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈના એજન્ટો અગાઉ એ કેમ્પસ પર મુક્ત અને સ્વ-છંદે સ્વૈરવિહાર કરતા હતા.

આજે પણ ત્યાં છદ્મવેશે એ પરિબળો હોઈ શકે છે. ભાજપ સત્તા પર આવ્યા પછી ઘણા ત્યાંથી નાસી છૂટયા છે. ભાજપના માઈનસ પોઈન્ટ બહુ છે અને એ જગજાહેર છે, પરંતુ કેટલાક પ્લસ પણ છે. આજથી થોડા મહિનાઓ પહેલા અમેરિકી જાસૂસી સંસ્થા સીઆઈએ દ્વારા ભારતને એક સંકેત કરવામાં આવ્યો હતો કે ઈસ્લામિક સ્ટેટ ઓફ સિરિયા એન્ડ લેવેન્ટના આતંકવાદીઓ નવી દિલ્હીમાં તેમની જાળ પાથરી રહ્યા છે.

હવે એશિયાના દરેક નવા આતંકવાદી કારનામાઓમાં પાકિસ્તાની જાસૂસી કંપની આઈએસઆઈનો હાથ હોય છે કે એનું જોડાણ હોય છે. પાકિસ્તાનમાં ઈમરાન ખાન સત્તા પર આવ્યા પછી એમણે એમની જાસૂસી સંસ્થાઓને થોડો કોર્પોરેટ ટચ આપેલો છે. પણ એનાથી એનો વ્યાપ વધી ગયો છે અને ટેકનોલોજીનો ઘોર દુરુપયોગ તેમને હવે રહી રહીને ફાવી ગયો છે. ભારતમાં રૂપિયા બસ્સોના દરની નકલી ચલણી નોટોના જથ્થાબંધ કન્ટેનરો પાકિસ્તાને આઈએસઆઈના છુપા એજન્ટો સુધી પહોંચાડયા છે અને રૂપિયા બસ્સોની નોટ જાલી હોવાની શંકા ભાગ્યે જ જાય છે.

ઉપરાંત નાના દરની નોટો જાલી હોતી નથી એ માન્યતાનો પણ પાકિ. જાસૂસોએ લાભ લીધો હોવાની આશંકા છે. આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ હવે અબુ બકર અલ બગદાદીના કારમા મોત પછી ધ્વસ્ત થઈ જશે એ ધારણા ખોટી પડી છે. કારણ કે ઈસ્લામિક સ્ટેટના વિસ્થાપિત આતંકવાદીઓ જે ઈરાક, ઈજિપ્ત, સિરિયા અને તુર્કીમાં હાલ વેરવિખેર છે તેઓ જેહાદના નામે ફરી પુનરૂગઠિત થઈ ગયા છે અને તેમણે તેમના દુષ્ટ ઈરાદાઓ ફરી સક્રિય કરી દીધા છે.

ભારતમાં આ ઈસ્લામિક સ્ટેટની જાળ દિલ્હી સહિતના કેટલાક શહેરોમાં પથરાયેલી છે. હમણાં થોડા દિવસો પહેલા દિલ્હી પોલીસને એની પ્રતીતિ થઈ છે. દિલ્હી પોલીસે ઈસ્લામિક સ્ટેટ સાથેના જોડાણ બદલ જે યુગલની ધરપકડ કરી છે એ અંગે ચોંકાવનારી વિગતો પ્રગટ થવા લાગી છે. પકડાયેલું આ યુગલ જામિયા નગર વિસ્તારમાં વસીને લોકોને આંદોલનો કરવા માટે ભડકાવતું હતું. તેઓ બન્ને પતિ-પત્ની સ્થાનિકોને સંશોધિત નાગરિકતા કાનૂન વિરુદ્ધમાં ખોટી માહિતી આપીને તથા ખોટા અર્થઘટનો દ્વારા ઉશ્કેરતા હતા. દિલ્હી કોર્ટે એમને કસ્ટડીમાં પૂરવાનો હુકમ કર્યો હતો.

આ એક લાંબી સફર છે જેમાંથી પસાર થઈને તેઓએ પોતાના જીવન અને દામ્પત્યને દાવ પર લગાડી દીધા છે. ફિલ્મ કમાન્ડોની નવી આવૃત્તિની ઘટનાઓ જેમ દંપતી વીડિયો ક્લિપ અને ચેટિંગથી ક્રમશરૂ આતંકવાદી બન્યા હતા અને તેમણે ઈસ્લામિક સ્ટેટના એજન્ટ તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી. તેઓ તેમના કહેવાતા ઈન્ચાર્જ વડાની સૂચનાને અનુસરતા હતા અને ફના થવાની તૈયારીમાં હતા.

પોલીસે બહુનામધારી આતંકવાદીને જ્યારે ઝડપ્યો ત્યારે એ કોઈ મોટી વિદ્વંસક યોજનાને આકાર આપી રહ્યો હતો. એનું નામ જહાનજેબ સામી ઉર્ફે દાઉદ ઈબ્રાહીમ ઉર્ફે મોહમ્મદ અલ હિન્દ ઉર્ફે અબુ અબ્દુલ્લાહ છે. એની ઉંમર છત્રીસ વરસની છે. એના પિતા અબ્દુલ શમી શ્રીનગરના શિવપુરામાં રહે છે. સામી હમણાં સુધી પત્ની હિના બશીર બેગ સાથે ઓખલા વિહારના જામિયા નગરમાં છુપાઈને રહેતો હતો. આ સામી, એની પત્ની હિના ઉર્ફે હિન્દા બશિર બેગ સાથે મળીને તમામ સોશિયલ મીડિયામાં સંખ્યાબંધ ફેઈક આઇડી ધરાવતો હતો અને સતત એક્ટિવ રહીને લોકોને નાગરિકતા સંશોધન કાનૂન પર ઉશ્કેરતો રહેતો હતો. અનેક પોસ્ટમાં એણે લોકોને રોડ પર આવી આંદોલન કરવા આહવાન આપ્યું હતું. તેની તમામ પોસ્ટમાં ભારત વિરુદ્ધ ક્રાન્તિ કરવાની વાતો હતી. સંશોધિત નાગરિકતા કાનૂન વિરુદ્ધ સંખ્યાબંધ પોસ્ટનો સિલસિલો એણે ચાલુ રાખ્યો હતો. પોલીસ સોશિયલ મીડિયા દ્વારા એના સમર્થકોને પણ શોધી રહી છે. 

દેશમાં સીએએ-એનઆરસી સામે ચાલતા આંદોલનો હજુ સાવ તો ઠર્યા નથી. જામિયાનો શાહીનબાગ વિસ્તાર તો આંદોલન માટે વિખ્યાત છે અને કુખ્યાત પણ છે. ઝડપાયેલા સામી દંપતીનો મુખ્ય પ્રોજેક્ટ શાહીન બાગ મોડેલ પર દેશમાં નવા નવા સ્થળોએ મોરચા ખોલવાનો હતો. જો કે એણે પોલીસ પાસે એવી પણ કબૂલાત કરી છે કે શાહીન બાગ મોડેલ પર કામ કરવા માટે અમને એકને જ કામ સોંપવામાં આવ્યું નથી. ગુજરાત, ઉત્તર પ્રદેશ, પંજાબ અને મહારાષ્ટ્રમાં અન્ય ટુકડીઓને ઈસ્લામિક સ્ટેટે કામ સોંપેલું છે. ઈસ્લામિક સ્ટેટના એક જેહાદી મેગેઝિનની ડિજિટલ આવૃત્તિના પ્રચારનું કામ પણ જહાનજેબ સામી કરતો હતો.

તે બુરહાન વાનીને પોતાનો આદર્શ માનતો હતો. તેમના એકાઉન્ટમાં અખાતી દેશોમાંથી નાણાં જમા થતા હતા. કેટલાક ધર્મગુરુઓ સાથે આ દંપતીના ક્રિમિનલ કનેકશન પણ પોલીસના ધ્યાનમાં આવ્યા છે. અન્ય ગુનેગારોની જેમ આ દંપતી પાસેથી આઠ-દસ મોબાઈલ ફોન અને કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે આ દંપતીની તપાસ અંતર્ગત પ્રાપ્ત વધુ વિગતો પર પરદો પાડી દીધો છે અને તેમને સામાન્ય કસ્ટડીમાંથી કોઈ ગુપ્ત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પોલીસને આ દંપતી પાસેથી વધુ મહત્ત્વની અને ગંભીર બાતમી મળવાની આશા છે.

Tags :