પુલવામા ટેરર પ્લોટ .
પાકિ. વડાપ્રધાન ઈમરાનખાન સત્તા પર આવ્યા કે તુરત જ તેમણે ભારત વિરોધી આતંકવાદી સંગઠનોને પ્રોત્સાહન આપવાની શરૂઆત કરી. પાકિસ્તાની જેહાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદને પાકિ.ની સામાન્ય ચૂંટણીઓ પહેલા ઈમરાનખાન સાથે શત્રુતા હતી, હવે મિત્રતા છે. જૈશનો દુષ્ટ વડો મસૂદ અઝહર આજકાલ ઇમરાનની સૌથી વધુ નજીકનો આતંકવાદી છે. પાકિસ્તાની સૈન્ય દ્વારા મસૂદને ભારત અને અફઘાનિસ્તાનમાં હૂમલાઓ કરવા માટેનો શસ્ત્ર સરંજામ પૂરો પાડવામાં આવે છે.
આ જ મસૂદ અફઘાનિસ્તાનમાં તાલિબાન અને આઇએસના નામે હુમલાઓ કરાવી અશાંતિ ફેલાવે છે. પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદે નવા નામે ચોતરફ શાખાઓ ખોલી છે. ત્યાં એનું નામ હવે 'ખુદ્દામ ઉલ ઇસ્લામ' છે. સક્રિય રાજકારણમાં પ્રવેશવા માટેના મસૂદ અઝહરના પ્રયાસો જાણીતા છે, પરંતુ પાકિ. પ્રજા એને સખત ધિક્કારે છે એટલે એના ઉમેદવારો કદી જીતતા નથી.
ભારતમાં કાશ્મીરમાં હિમવર્ષા પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે આતંકવાદીઓ ચૂપકિદીથી સરહદ ઓળંગીને ઘુસણખોરી કરે છે. ભારતીય જાસૂસી સંસ્થા રૉ અને આઇબીએ એક સપ્તાહથી આતંકવાદીઓની ઘૂસણખોરીના સંકેત આપ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી કાશ્મીરમાં આતંકવાદીઓનું ભૂગર્ભ સામ્રાજ્ય પણ સંકેલાઈ રહ્યું છે.
ગયા મહિને ભારતીય સૈન્ય દ્વારા બારામુલ્લા જિલ્લાને આતંકવાદ મુક્ત જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ઓપરેશન ઑલઆઉટના છેલ્લા રાઉન્ડના પરિણામો આવવા લાગતા આતંકવાદી સંગઠનોમાં સન્નાટા જેવી સ્થિતિ છે, એ સ્થિતિને નિવારવા અને કાશ્મીરમાં પોતાની હયાતી નવેસરથી પુરવાર કરવા જૈશ-એ-મોહમ્મદના કમાન્ડરોએ પુલવામા ટેરર પ્લોટની યોજના ઘડી હતી.
ભારતીય સૈન્ય અને વિવિધ કેડરના સુરક્ષા દળો દ્વારા સખત તરતપાસ- તલાશી અભિયાન ચાલુ છે. સરહદ પારથી આતંકવાદીઓને મળતી વિવિધ મદદને ટેકનોલોજિકલ અને ભૌતિક રીતે સૈન્ય દ્વારા રોકી લેવાતા આતંકવાદીઓની જૂની તાકાતમાં ઘટાડો થયો છે. ઉપરાંત સંખ્યાબંધ આતંકવાદીઓને ભારતીય સુરક્ષા દળોએ મોતને ઘાટ ઉતારી દીધા છે.
એનાથી કાશ્મીરમાં આતંકવાદીઓની તાકાત ઘટી ગઈ હતી. ઉપરાંત પથ્થરબાજ સ્વરૂપે અને અન્ય રીતે સ્થાનિક લોકોનો સહકાર મળતો નથી. છેલ્લા છ મહિનામાં ભારતીય સૈનિકોએ કાશ્મીરમાં આતંકવાદીઓને વીણીવીણીને માર્યા છે. રાજનાથ કે પ્યારે બચ્ચે તરીકે ઓળખાતા પથ્થરબાજો પણ સૈન્યના સપાટામાં આવી ગયા છે. કાશ્મીરની પ્રજામાં હવે એક મોટો વર્ગ એવો છે જે આતંકવાદીઓને હાંકી કાઢવા ચાહે છે.
સીઆરપીએફના કાફલા પર આતંકવાદીઓએ હુમલો કર્યો એના પહેલાના દિવસે એટલે કે ગત બુધવારે પુલવામાની એક શાળામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ વિસ્ફોટ કર્યો હતો. એ ઘટનાને જમ્મુ- કાશ્મીરના રાજ્યપાલે ગંભીરતાથી લેવાની જરૂર હતી. કારણ કે એ વિસ્ફોટકોની ક્ષમતાનો અખતરો હતો.
આતંકવાદીઓએ અગાઉ પણ કાશ્મીરની વિધવિધ શાળાઓમાં આગ લગાડેલી છે. જૈશ-એ-મોહમ્મદ સહિતના આતંકવાદી સંગઠનો ચાહતા નથી કે કાશ્મીરી પ્રજા અભ્યાસ કરે કે હોંશિયાર બને. તેઓ અહીંની પ્રજાને બંધિયાર, રૂઢિચુસ્ત અને ધર્માન્ધતાયુક્ત વાતાવરણમાં ઉછેરવા ચાહે છે.
ભણીગણીને અહીંની પ્રજા દેશની મુખ્ય ધારામાં આવે તે આતંકી સંગઠનોને ગમતું નથી. ગયા વરસે બોર્ડ પરીક્ષા સમયે જ શાળાઓને આગ લગાડવામાં આવી હતી અને કાશ્મીરી વિદ્યાર્થીઓને દિલ્હી લાવીને પરીક્ષા અપાવવી પડી હતી. આ વખતે પુલવામાની સ્કૂલમાં થયેલા વિસ્ફોટમાં બોર્ડ પરીક્ષા આપવા તત્પર પચીસેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે.
ભારતીય સૈન્ય દ્વારા કેટલાક પથ્થરબાજોને આકરો 'બોધપાઠ' આપવામાં આવતા તેઓના વાલીઓ પર ઘેરો પ્રભાવ પડયો છે, તેઓ સમજી ગયા છે કે આતંકવાદીઓનું સમર્થન કરવા જતાં તેમણે તેમના પથ્થરબાજ સંતાનોને કાયમ માટે ગુમાવવાનો વારો આવશે. સૈન્યના એવા કેટલાક અઘોષિત પગલાઓને કારણે આતંકવાદીઓને ખરેખર જ હવે કાશ્મીરી પ્રજાનો સહકાર મળતો નથી.
આ બધા જ કારણોને કારણે સંગઠનોની ખિન્નતા વધી ગઈ છે અને આતંકવાદ તો છે જ દગાબાજી એટલે જૈશ-એ-મોહમ્મદે એડવાન્સ પ્લાનિંગથી સીઆરપીએફના કાફલાને નિશાન બનાવ્યો છે. સૈન્ય દ્વારા ખતરનાક તલાશી ઝુંબેશ ચાલુ હોવા છતાં ય વિસ્ફોટક ભરેલું એસયુવી વાહન સુરક્ષાના તમામ અંતરાયો પાર કરીને હાઇવે પર કઈ રીતે પહોંચી ગયું એ પણ હજુ એક કોયડો છે.
દેશની જાસૂસી સંસ્થાઓએ સ્પષ્ટ માહિતી આપી હતી કે, જવાનો પર વિસ્ફોટકોથી હુમલો થઈ શકે છે, છતાં સાવધાની રાખવામા સૈન્યાધિકારીઓ અને કેન્દ્રીય અનામત પોલીસ દળના ઉચ્ચાધિકારીઓ ભૂલચૂકમાં રહ્યા જેને કારણે છેલ્લા ત્રણ દાયકાના સૌથી મોટા આત્મઘાતી હુમલાએ આકાર લીધો અને સૌથી મોટી સંખ્યામાં દેશના જવાનો એક સાથે શહીદ થયા.
ભારત સરકાર જૈશ-એ-મોહમ્મદ અને પાકિસ્તાન બન્નેને જવાબ આપશે એમાં કોઈ શંકા નથી. કાશ્મીરમાં વિવિધ આતંકવાદી સંગઠનોનું જંગલ છે અને એમાંના મોટાભાગના કમાન્ડરોને ભારતીય જવાનોએ જીવસટોસટની બાજી ખેલીને હણી નાખ્યા છે.
હવે જે બાકી છે તે થોડાંક જ છે, જેઓ સતત નાસતા ફરતા રહે છે. સ્થાનિક લોકોની ઢાલ હવે એમને મળતી નથી. પુલવામાનો હુમલો એ વાતની પણ ગવાહી આપે છે કે બહુ જ ગહન વિચાર કરીને આતંકવાદીઓએ આ ઘટનાને અંજામ આપેલો છે.