અનિયંત્રિત નકસલવાદ .
કેન્દ્ર સરકારે અને વિવિધ રાજ્ય સરકારોએ નકસલવાદ પર અંકુશ મેળવી લીધો હોવાની વાત ભ્રામક પુરવાર થઈ છે. કેટલાક વરિષ્ઠ પોલીસ અધિકારીઓના પ્રયાસોથી નકસલવાદીઓ શરણે આવ્યા હતા પરંતુ તેમની સંખ્યા નગણ્ય છે. પછાત, આદિવાસી અને વન્ય વિસ્તારોમાં પોતાનું સામ્રાજ્ય ફેલાવતા નકસલવાદીઓ સીધા જ ચીનના સંપર્કમાં હોય છે અને ભારતની પૂર્વોત્તર સરહદેથી આ નકસલવાદીઓને શસ્ત્ર સરંજામ અને આર્થિક સહાય પણ મળતી રહે છે.
છત્તીસગઢના દંતેવાડામાં નવા નકસલવાદી હુમલામાં ભાજપના ધારાસભ્ય ભીમા મંડાવી માર્યા ગયા અને સાથે ચાર સુરક્ષા જવાનો શહીદ થયા એ દર્શાવે છે કે નકસલવાદીઓ પર સરકારનો કોઈ જ કાબૂ નથી અને તેમની વિદ્વંસક પ્રવૃત્તિઓ અનિયંત્રિત રીતે ધમધોકાર ચાલી રહી છે. સામાન્ય વનવાસી તરીકેના વેશમાં સુરક્ષા કર્મચારીઓ નકસલવાદીઓને ઓળખી શકતા નથી. હવે તો તેઓ અત્યાધુનિક પ્રણાલિકાઓ સહિતના વિસ્ફોટકો ધરાવે છે અને જ્યાં પણ હુમલો કરે છે ત્યાં વિનાશ વેરે છે.
છત્તીસગઢ આમ તો અગાઉ નકસલવાદીઓનો જ ગઢ ગણાતો હતો. અનેક જવાનોની શહાદતના ભોગે સરકારે ત્યાં પરિસ્થિતિ થાળે પાડી હતી પરંતુ હવે ફરી સળવળાટ થયો છે અને નકસલવાદે ભીષણ હુમલાઓની શરૂઆત કરી છે. આતંકવાદીઓ દ્વારા થતા હુમલાઓ અને નકસલવાદીઓના આક્રમણમાં કોઈ તફાવત નથી.
નકસલીઓની એક જૂની પેટર્ન છે કે તેમને પૂરેપૂરા નાબૂદ કર્યા પછી પણ તેઓ રહી રહીને માથું ઉંચકતા રહે છે. ભારતમાં નકસલીઓના છૂટાછવાયા હુમલાખોર ટોળા કે ટીમ હોય એવું દેખાય છે. પરંતુ હકીકતમાં તેઓની એક અખિલ ભારતીય કેડર અને ખતરનાક ભૂગર્ભ વ્યવસ્થાતંત્ર છે.
લગભગ દર વરસે નકસલી કમાન્ડરો પોતાના 'યુનિટ'માં હજારેક વનવાસી નવયુવાનોની ભરતી કરે છે અને એમને તાલીમ આપે છે. દેશમાં આ રીતે નકસલીઓની સંખ્યા વધતી જ રહે છે. નકસલીઓ કોઈ તોફાની ટુકડીઓ નથી, તેઓનું એક બે નંબરી સૈન્ય છે અને એમાં ટોપ ટુ બોટમ પદાધિકારીઓની કેડર છે. દંતેવાડા હુમલો એ વાતની પણ ખાતરી કરાવે છે કે ચૂંટણીના કારણે ત્યાં તૈનાત હજારો સુરક્ષા જવાનોના અભેદ કવચને પાર કરીને તેઓ હુમલો કરી શકે છે.
છત્તીસગઢ તો એક સાથે મતદાન થઈ જાય એવડું રાજ્ય છે તો પણ નકસલીઓના ભયથી જ રાજ્યમાં ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે. અગાઉ વિધાનસભા ચૂંટણી પણ માત્ર નકસલીઓના કારણે બે તબક્કામાં કરવી પડી હતી. થોડા દિવસો પહેલાં જ નકસલીઓના હુમલામાં બીએસએફના ચાર જવાનો શહીદ થયા હતા. આ વખતે દંતેવાડામાં આઇડી વિસ્ફોટ કર્યા બાદ નકસલીઓએ ગોળીબારોની રમઝટ બોલાવી હતી, તેમની ગણતરી ભારે સંખ્યામાં મોતની ચાદર પાથરવાની હતી.
આ હુમલો મુખ્યત્વે ચૂંટણી પ્રક્રિયા અને પ્રચાર ઝુંબેશના વિરોધ માટેનો હતો. કારણ કે, દેશના જે જે રાજ્યોમાં નકસલી ચળવળ ચાલે છે તે તમામ પ્રદેશોમાં ચૂંટણીનો બહિષ્કાર કરવાનું એલાન આપવામાં આવ્યું છે. છત્તીસગઢમાં તો જંગલો નજીકથી પસારથતા રસ્તાઓ પર ચૂંટણી બહિષ્કારના બોર્ડ નકસલીઓએ લગાવ્યા છે, જેમાં નાગરિકોને પણ ધમકી આપવામાં આવી છે.
કેન્દ્રની એનડીએ સરકારે એક પણ વખત નકસલવાદની સામે વ્યૂહાત્મક રીતે લડવા કે સૈન્ય ઓપરેશન લાગુ કરવા અંગેની મીટિંગ યોજી નથી. યુપીએ સરકારની દાનત પણ નકસલવાદને એના મૂળથી ઉખેડી ફેંકવાની ન હતી. ભાજપે નકસલીઓ સામે લડવા કે તેમની સાથે વાટાઘાટોથી પ્રશ્નોનો અંત લાવવા સત્તાવાર પ્રયાસો જ કર્યા નથી.
છેલ્લા એક સપ્તાહમાં જ નકસલીઓએ બે ભીષણ હુમલાને અંજામ આપ્યો છે. નકસલીઓ રાજ્યના અનેક ઉદ્યોગો પાસેથી હવે ખંડણી લેતા પણ થયા છે એથી એમની આર્થિક તાકાતમાં વધારો થયો છે. એમ માનવાની જરૂર નથી કે તેઓ સમાજથી વિખૂટા પડીને લડે છે, ખરેખર તો તેમના માણસો દરેક રાજકીય પક્ષમાં હયાત છે. તેઓ સતત નકસલી કમાન્ડરોને સરકારની ગુપ્ત માહિતી આપતા રહે છે.
દેશના જે રાજ્યોમાં નકસલીઓનો ફેલાવો છે ત્યાં તેઓ સામ-દામથી રાજકીય 'હથિયારો'ને ખરીદી રાખે છે. ભારતીય રાજકારણીઓમાં આવા 'ફૂટેલા' નેતા સરીખા દેશદ્રોહીઓને સાધીને નકસલીઓ પોતાની જાળ ક્રમશઃ વિસ્તારતા આવ્યા છે. ઇ.સ. ૨૦૧૩ના કેટલાક હુમલાઓ નકસલીઓએ તેમના સંબંધિત રાજકીય 'છેડા'ઓના કહેવાથી કરેલા હોવાની હકીકતો પણ બહાર આવીને પછીથી ઢંકાઈ ગયેલી છે.
નકસલીઓ એ વાત જાણી ગયા છે કે ભારતીય રાજકારણીઓમાંથી અડધા ઉપરાંતના નેતાઓ ધનના ભૂખ્યા છે અને બે નંબરના નાણાં મેળવવા માટે તેઓ કોઈ પણ હદે જઈ શકે છે, આવા લોકોને નકસલીઓ સાધી લે છે. મહારાષ્ટ્રમાં હવે નવેસરથી આગળ વધી રહેલા નકસલીઓના વિવિધ સ્થાનિક નેતૃત્વ સાથેના ગોપનીય સંબંધોનો પણ અગાઉ પર્દાફાશ થયેલો છે.
દેશમાં નકસલીઓના ચહેરા પાછળ છૂપાયેલા ચીનના કારસ્તાન પરત્વે કેન્દ્ર સરકાર આંખ આડા કાન કરી રહી છે. મહારાષ્ટ્ર સિવાય, આન્ધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા, ઝારખંડ અને બિહારમાં નકસલીઓને કારણ વારંવાર હત્યાકાંડ સર્જાતા રહ્યા છે. બસ્તર, નયાગઢ, ગઢચિરોલી કે સુકમાની ઘટનાઓ જાણીતી છે.