મમતા હટાવો મિશન .
ભારતીય જનતા પક્ષે પાછલી ચૂંટણી, બીજી ઈનિંગનું વ્યવસ્થાપન અને બજેટમાથી પરવારીને હવે પશ્ચિમ બંગાળમાં મમતા હટાવો મિશનને તેજ કરી દીધું છે. મમતા માટે અસ્તિત્વના સંઘર્ષની આમ તો ક્યારનીય શરૂઆત થઈ ગઈ છે. ભાજપ પાસે બંગાળમાં દરેક જિલ્લામાં હવે હજારો કાર્યકરોની ફોઝ છે. બંગાળમાં ઉચ્ચ અધિકારીઓ, વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને જુના દેવદાસના જમાનાના ઠાકુર પરિવારો તથા માલેતુજારો હવે તૃણમૂલ કોંગ્રેસમાં પોતાનું કલ્યાણ જોતાં નથી.
મમતા ખુદ જાણે છે કે બાજી હાથમાંથી સરી રહી છે પરંતુ તેઓ નિરુપાય દેખાય છે. બાંગ્લાદેશી ઘુસણખોરોનો પક્ષ તાણવાની આકરી કિંમત તેઓ ચૂકવી રહ્યા છે કારણ કે લોકનજરમાં તેમનું સન્માન હવે પહેલા જેવું રહ્યું નથી. ભાજપ મમતાને દૂર કરવા માટે એટલી ઉતાવળ કરે છે કે ક્યારેક તો એમ લાગે કે મમતા કોઈ વિદેશી હોય અને એને હટાવવા એ જાણે કે ભાજપનું કર્તવ્ય ન હોય !
એક તબક્કે તો એવી હવા પણ ચાલી હતી કે એનડીએ સરકાર ગમે ત્યારે કોઈ પણ બહાને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનો વ્યૂહ અપનાવશે. જો કે અમીત શાહે ગૃહખાતું સંભાળ્યું ત્યારે તો બંગાળી ભાષાના મીડિયા અને સોશ્યલ મીડિયાએ રાષ્ટ્રપતિ શાસનના ભણકારા પ્રજાને સંભળાવવાની શરૂઆત કરી દીધી હતી. ભાજપની નીતિ કદી ઝાડ કાપવાની નથી, ઝાડ એની મેળે જ આપોઆપ પડે એ રીતે એ મૂળ ખોતરવાની પ્રવૃત્તિ કરે છે.
મધ્યકાલીન ભારતમાં એવા રાજકીય ખટપટ ધરાવતા જુથો હતા એ જે રાજ્યમાં પડાવ નાંખે એ રાજાનું ઉત્થાપન નક્કી સમજવામાં આવતું. ચાણક્ય કહે છે કે શત્રુની નજીક રહીને એને ખત્મ કરવાનું કામ, યુદ્ધના મેદાન કરતા વધુ સુગમ છે. ભાજપ આજકાલ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના અનેક ધારાસભ્યોના સંપર્કમાં છે. એમાંના કેટલાક તો મમતા માટે ટ્રોજન હોર્સ સાબિત થવાના છે. એ ધારાસભ્યો સાથેના સંબંધોની વાત ભાજપના તમામ ટોચના નેતાઓ વારાફરતે કહેતા આવ્યા છે.
તૃણમૂલ કોંગ્રેસના નેતાઓનું ધીમા પગલે ભાજપમાં આગમન ચાલુ છે જે આગળ જતાં મમતાના ગમન સુધી ચાલુ રહેશે. ભાજપ ગમે ત્યારે મમતાના હાથમાંથી બંગાળ આંચકી લેશે એ વાત આખું પશ્ચિમ બંગાળ જાણે છે પરંતુ ક્યારે એ તો માત્ર ભાજપ હાઈ કમાન્ડ જ જાણે છે. ભાજપ પાસે ભારતીય ધામક અને સાંસ્કૃતિક ઉત્સવોની વિરાટ શૃંખલા છે. દરેક તહેવારનો ઉપયોગ ભાજપ ઢોલનગારા સાથે પક્ષીય પ્રચારમાં કરે છે. મમતાએ ભાજપની આવી વિવિધ ઉજવણીઓ સામે અવાર નવાર શૃંગ ઉછાળ્યા છે જેનાથી ખરેખર તો એમની લોકછબી ખરડાઈ છે.
જે રીતે ભાજપે આક્રમક ઝડપથી હોદ્દેદારોની બંગાળવ્યાપી કેડર તૈયાર કરી છે એ જોતાં રાજ્યમાં શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે હજુ અથડામણ રહેવાની છે. લોકસભાની ચૂંટણી દરમિયાન અસામાજિક તત્ત્વોને છુટ્ટો દોર આપી મમતાએ જે પોતાની નકારાત્મક તાકાત અને એય ભાજપ સામે બતાવવાની ચેષ્ટા કરી એનાથી સામાન્ય નાગરિકોમાં તૃણમૂલની અસામાજિક તત્ત્વો સાથેની ગોઠવણ છતી થઈ ગઈ. સરેરાશ જુઓ તો છેલ્લા છ માસમાં મમતાએ જે કોઈ પણ પગલાં લીધા તે બધા જ ઊંધા પડયા છે અને હજુ આજે પણ તેમના પાસા ભાજપના ફાયદા તરફ જ પડે છે.
દેશના તમામ મુખ્યમંત્રીઓમાં આજે સૌથી વધુ બ્હાવરા, મુંઝાયેલા, ગભરાયેલા અને ભ્રમિતચિત્ત મુખ્યમંત્રી મમતા બેનરજી છે. હવે તેમને શાંતિ મળવી મુશ્કેલ છે. પ્રતિક્ષણ અને દરેક બાબતમાં તેમને ભાજપ રચાયેલા કાવતરાની ગંધ આવે છે. તૃણમૂલમાં ભાજપમાં કૂદી જવાની હોડ લાગી છે. મમતાના આવા સત્તા પર હોવા છતાં પ્રતિાના પતનનું એક કારણ ગઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે. જેમાં તૃણમૂલના ઉમેદવારોએ ધાકધમકીથી હરીફોને ઊભા ન રહેવા દેવા માટે ગુનાખોરી આચરી હતી.
આજે બંગાળમાં એ હાલત છે કે એવું એક પણ ગામ કે શહેર નથી જ્યાં તૃણમૂલથી દુઃભાયેલો લોક સમુદાય ન હોય. ભાજપ ગમે તેમ કરીને બંગાળ લઈ લેવા ચાહે છે એ વાત સાચી પરંતુ મમતાએ સિદ્ધાન્તો નેવે ચડાવવામાં કંઈ બાકી રાખ્યું નથી. કોંગ્રેસ, સપા, બસપા અને રાજદ જેમ ભાજપ સામે ટકી શક્યા નથી એ જ રીતે તૃણમૂલ પણ ટકી શકશે નહિ.
અત્યારે મમતા પાસે એવા કોઈ એજન્ડા નથી જેનાથી એ બંગપ્રજાના માનસને આકષત કરી શકે અને ભાજપે તો ડગલે ને પગલે બ્યુગલ બજાવવાના ચાલુ રાખ્યા છે. મમતાના ગઢને ધરાશયી કરવા માટે સોશ્યલ મીડિયામાં ભાજપનું મહાભિયાન ચાલે છે. મમતા પાસે ન તો વામપંથી વિચારોનો સહારો છે અને ન તો બંગાળના પરિવર્તન કે વિકાસનો કોઈ કાર્યક્રમ છે. એમની હાલત બદલાતા અને સતત પોતાની વિરુદ્ધ સંયોગોને જોયા કરવાની છે. ભાજપે સોશ્યલ મીડિયા માટે દિલ્હીથી ખાસ ટીમને કલકત્તા બોલાવી છે.