ગડકરી, તમે તો ભારે કરી !
છેક ગયા રવિવારે કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરી ઔરંગાબાદ ગયા હતા. આ એક સુંદર શહેર છે. ગડકરી કદાચ વધારાનો સમય આડેધડ બોલવાને બદલે અહીં ઈલોરાની ગુફાઓમાં લટાર મારવા ગયા હોત તો સારું હતું, પથ્થરોની શિલ્પકલા વચ્ચે થોડા પડઘા પડયા હોત તે શમી ગયા હોત. પરંતુ તેઓએ મીડિયા સામે બોલવાનું નિરધાર્યું. જ્યારથી વડાપ્રધાન પદે મિસ્ટર મોદી આવ્યા છે ત્યારથી એક હવા ચાલી છે કે ભાજપ ગમે ત્યારે આર્થિક આધાર પર અનામત દાખલ કરવાની તરફેણ કરશે.
ભાજપના નેતાઓ આ અંગે સતત સ્પષ્ટતા પણ કરતા રહ્યા છે કે આવી કોઈ અમારી નેમ નથી અને ભાજપના એજન્ડામાં પણ આવી કોઈ વાત નથી. છતાં છેલ્લા ચાર - સાડા ચાર વરસમાં એ વાત ગુંજતી રહી છે જેનાથી જ્ઞાાતિઓ-જાતિઓ આધારિત અનામત રદ થવાની ભીતિ દેશભરમાં છવાયેલી છે. ખુદ વડાપ્રધાન પણ આ અંગે અગાઉ સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે બંધારણીય રીતે જ્ઞાાતિ આધારિત અનામત રદ કરવાની કોઈ વાત એનડીએ સરકારના એજન્ડામાં નથી. પરંતુ આ તો હવા છે, એટલે હવા ચાલે છે.
એમાં ગયા રવિવારે નીતિન ગડકરીએ નિખાલસ કે ઉતાવળા વિધાનો કર્યા એનાથી એવો ધૂમાડો થયો કે હવે સપ્તાહ પુરું થવા આવ્યું તોય એની એ ધૂમ્રસેરો હજુ પણ વાતાવરણમાં પ્રસરી રહી છે. મિસ્ટર ગડકરીએ કહ્યું કે અનામત એ કોઈ નોકરી મેળવવાની ગેરેન્ટી નથી કારણ કે નોકરીઓ હવે ઓછી થઈ રહી છે. આપણા દેશમાં ભાજપના કોઈ નેતાની વાણીમાં સત્ય બહુ શોભી ઉઠે છે, કારણ કે સત્યને પણ ભાગ્યે જ ત્યાંથી અભિવ્યક્ત થવાનો મોકો મળે છે.
નીતિન ગડકરી આમ બોલ્યા કે નોકરીઓ હવે ઓછી થઈ ગઈ છે કે એમનાથી એમ બોલાઈ ગયું? રાહુલ ગાંધીએ કહ્યું કે ગડકરીજીએ બિલકુલ સાચું કહ્યું છે કે નોકરીઓ ખરેખર જ ઓછી થઈ ગઈ છે અને આખો દેશ સરકારને પૂછે છે કે આખિર નોકરિયા હૈ કહૉં? જો કે નીતિન ગડકરીએ ઔરંગાબાદમાં સાવ સહજ રીતે કહ્યું હતું કે ભાઈ, નોકરીઓ છે જ ક્યાં કે અમે એમાં અનામત આપીએ? વળી એમણે ભાંગરો તો નહિ પણ ભાંગરાની નજીકનો કોઈ પદાર્થ વાટીને એમ પણ કહ્યું હતું કે સરકારી નોકરીઓ પર તો રોક લગી હુઈ હૈ! તેમણે સ્પષ્ટ કહ્યું કે કદાચ અનામત આપી દેવામાં આવે તો પણ ફાયદો તો નથી જ કારણ કે નોકરીઓ નથી!
ગડકરીએ કહ્યું કે એક એવી પણ વિચારધારા હોઈ શકે કે જે ચાહે છે કે નીતિઓના નિર્માતાઓ દરેક સમુદાયના ગરીબો પર પણ વિચાર કરે. મિસ્ટર ગડકરીએ પોતે અકારણ જ વ્યક્ત કરેલી સત્યપ્રિય વિદ્વત્તાથી ભાજપમાં સનસનાટી મચી ગઈ છે. ગડકરીએ તો એમ પણ કહ્યું કે ગરીબ આખરે ગરીબ હોય છે, એની કોઈ જાતિ, પંથ કે ભાષા હોતી નથી. એનો કોઈ પણ ધર્મ હોય, મુસ્લિમ, હિન્દુ કે મરાઠા... દરેક સમુદાયોમાં એક જ દશા હોય છે, જેમની પાસે ધારણ કરવાના વસ્ત્ર નથી અને આરોગવા માટેનું ભોજન નથી!
તેમને પોતાને પણ આ નિખાલસ વ્યાખ્યાન બદલ પસ્તાવો થયો હોવો જોઈએ અથવા તો પસ્તાવો થાય એવો વધુ પડતો આક્રમક ઠપકો ઉપરથી મળ્યો હોવો જોઈએ જેથી તેમણે પછીથી ટ્વિટર પર સ્પષ્ટતા કરી કે, અનામતમાં ફેરફાર કરવા અંગે સરકારની કોઈ યોજના નથી.
વાસ્તવિકતા સદાય વહેલી કે મોડી વાણીમાં પ્રગટ થયા વિના રહેતી નથી એમ ચાણક્ય કહી ગયા એને ભલે યુગો વીતી ગયા હોય પરંતુ નીતિન ગડકરીએ દેશમાં નોકરીઓ ન હોવાનું જે વાસ્તવ પ્રગટ કર્યું તેનાથી વિપક્ષોની છાવણીમાં અબીલ-ગુલાલ ઉડવા લાગ્યા. ચાણક્યે એમ પણ કહ્યું જ છે કે પ્રતિસ્પર્ધીઓ પણ સત્યનો સ્વીકાર કરે જ છે, શરત એટલી જ કે એ અર્ધસત્ય ન હોવું જોઈએ. દેશમાં નોકરીઓ નથી એવો ગડકરીનો ઉચ્ચાર જો કે પૂર્ણસત્ય છે અને એટલે જ મોકો જોઈને રાહુલ ગાંધીએ એમને આ સત્ય ઉચ્ચારવાના સુસાહસ બદલ અભિનંદન પણ આપ્યા.
લોકસભાની આગામી ચૂંટણીઓ પહેલા જો ભાજપના તમામ નેતાઓ દેશની વિવિધ ક્ષેત્રની વાસ્તવિકતા અભિવ્યક્ત કરતા થાય તો સત્યમેવ જયતેના મહાન રાષ્ટ્રીય જ્ઞાાનસૂત્રની કંઈક તરફેણ ભાજપને મળી શકે. જો કે હવે મિસ્ટર ગડકરીના હોઠ સોનેરી સોય અને રૃપેરી દોરાથી ચતુરાઈપૂર્વક એવા સિવી લેવામાં આવ્યા હશે કે ચૂંટણી તો ઠીક, એના પરિણામો પછી પણ તેઓ સત્ય ઉચ્ચારવાનું જોખમ નહિ ખેડે! અને હા, ઔરંગાબાદ જશે ત્યારે સીધા જ ઈલોરાની ગુફાઓમાં પહોંચી જશે, કારણ કે સત્ય બોલતા રહેવાથી તો તેઓએ ભાજપના આદિપુરુષો હાલ જે મૌનગુફામાં રાજકીય વૃદ્ધાશ્રમે સરી પડયા છે ત્યાં પહોંચવાના દિવસો આવે! ભાજપના જ ટોચના નેતાઓ કહે છે, કે ગડકરી તમે તો ભાઈ, ભારે કરી!