જિનપિંગની પુનઃ કસોટી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આગામી ૨૬થી ૨૯ ઓક્ટોબર દરમિયાન ચીનમાં કોમ્યુનિસ્ટ પાર્ટીની સેન્ટ્રલ કમિટીની બેઠક છે. ખુદ ચીનના વિરાટ ઉદ્યોગ ગૃહોની આ બેઠક પર નજર છે. સમગ્ર ચીન એક ધમધમતા ઉત્પાનયંત્રોના સ્વતંત્ર ગ્રહ જેવો પ્રદેશ છે. આ બેઠકને ધ્યાનમાં રાખીને જ મિસ્ટર જિનપિંગ ગયા મહિને પોતાને તદ્દન ન ગમતા બે દેશો - ભારત અને અમેરિકાની મુલાકાતે ગયા હતા અને કોઈ પણ બહાને મિસ્ટર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મધુર ગોષ્ઠી કરી હતી. ચીનમાં મંદીનો વાયરો ફૂંફાડા મારતો આગળ વધી રહ્યો છે ત્યારે સેન્ટ્રલ કમિટી સમક્ષ જિનપિંગ જે બયાન કરશે એમાંથી ઉદ્યોગગૃહોને મોટી કરરાહતો મળવાની આશા છે ને હવે જો જિનપિંગ રાહતો જાહેર નહિ કરે તો લાખોની સંખ્યામાં ચીનના નાના ઉદ્યોગોને તો તાળા લાગી જાય એમ છે. દુનિયામાં જેટલા પણ મહત્ત્વના દેશો છે, તેનું શાસન લગભગ વન મેન શો કક્ષાના રાજનેતાઓ ભોગવે છે.
એને કારણે એક જ વ્યક્તિ પર બધા જ નિર્ણયો લેવાનો ભાર આવે છે. એટલે એમાં ઉતાવળ કે ખોટા નિર્ણયો લેવાઈ જવાની સંભાવના વધી જાય છે. ભારત, રશિયા, ચીન, અમેરિકા સહિતના તમામ મહત્ત્વના દેશોના નેતાઓની આ પરિસ્થિતિ છે. ચીન પાસે એનો પોતાનો ટોચનો પીપલ્સ પાર્ટીનો નેતૃત્વ સમુદાય છે, પરંતુ એની ભૂમિકા બહુ મર્યાદિત છે. ભારત પાસે દ્વિસ્તરીય પ્રધાનમંડળ છે. ઉપરાંત રાષ્ટ્રપતિ ભવન અને સર્વોચ્ચ અદાલત પણ ભૂલ સુધારણા અને માર્ગદર્શન માટે તત્પર હોય છે. એ તત્પરતા ક્યારેક ઠપકા સ્વરૂપે અભિવ્યક્ત થાય છે. તેમ છતાં સમગ્ર રાષ્ટ્રના વ્યાવહારિક સંચાલનમાં અને નીતિમત્તાઓના ઘડતરમાં રાષ્ટ્રપતિ ભવન અને અદાલતની ભૂમિકા મર્યાદિત છે. ચીનમાં જિનપિંગ એકહથ્થુ સત્તા ભોગવે છે. તેમને રોકવા માટે પોલિટ બ્યુરો છે અને સેનેટ છે. ચીની પ્રેસિડેન્ટને બેકાબૂ બનતા રોકવા માટે ત્યાંની સામ્યવાદી પાર્ટી કટોકટીમાં પગલાં લઈ શકે છે. જિનપિંગ ભલભલા ખંધા રાજકારણીને પછાડવાની ચતુરાઈ ધરાવે છે.
જિનપિંગ પોતાના દેશને કંપનીની જેમ ચલાવવા ઈચ્છે છે. વર્ષો સુધી તેની વિદેશનીતિમાં પણ પ્રેસિડેન્ટ કરતા એક બિઝનેસમેનના વલણ વધુ જોવામાં આવ્યા છે. દેશને ચલાવવાની તેની પદ્ધતિ ઘણે અંશે નિષ્ફળ પુરવાર થઈ છે. તેનો અંગત અભિગમ અને પોતાના વિરોધીઓના અપમાનપૂર્વક હોઠ બંધ કરી દેવાની શૈલીએ એક સમયે તેને બહુ લોકપ્રિયતા અપાવી પણ હવે તેને તેની આ કાર્યપદ્ધતિ ભારે પડી રહી છે. જેમ બેજવાબદારોનો આદર્શ બની ચૂકેલા ડોનાલ્ડ ટ્રમ્પના જુઠાણાઓનો હિસાબ રાખવા માટે સુપરકમ્પ્યુટર પણ નાનું પડે છે એમ જિનપિંગની સતત ગાફેલ રહેવાની વૃત્તિ અને પોતાની ભૂલોને સરકારી સાધનોના ભોગે પણ ઢાંકપિછોડો કરવાની વૃત્તિ આજે આખા ચીનને ભારે પડી રહી છે.
ચારસો વર્ષ પહેલાંનો વિશ્વ રાજકારણનો સમય આજના જેટલો આંટીઘૂંટી વાળો ન હતો માટે શેક્સપિયરને એવું કહેવાની છૂટ મળી ગઈ કે નામમાં શું રાખ્યું છે. હવે યુદ્ધની તૈયારીની શરૂઆત કે પાડોશી દેશને કષ્ટ આપવાની શરૂઆત નામ બદલવાથી થાય છે. છેલ્લા એક દાયકામાં ચાઈનાએ ત્રીજી વખત ભારતીય પ્રદેશોના નામ બદલવાની બેખૌફ ગુસ્તાખી કરી છે. ચાઈનાના સિવિલ અફેર્સના ખાતાએ અરુણાચલ પ્રદેશનાં ૧૧ સ્થળોના નવા નામની યાદી બહાર પાડી છે. અરુણાચલ પ્રદેશના બે રહેણાંક વિસ્તાર, પાંચ પર્વતો, બે નદીઓ અને બીજા બે પ્રદેશોને ચાઇનીઝ નામ આપવામાં આવ્યા છે. પાડોશી પરિવારના બાળકોના નામ બદલાવીને તે નવા નામના આધાર કાર્ડ બહાર પાડવા જેવો અટકચાળો ચાઇનાએ કર્યો છે.
ચાઇનાની પરાણે ફઈબા બનવાની વૃત્તિ પહેલી વખતની નથી. ૨૦૧૭ની સાલમાં અરુણાચલ પ્રદેશના છ સ્થળોના નવા નામ ચાઇનાએ બહાર પાડયા હતા. ૨૦૨૦ અને ૨૦૨૧માં પણ ચાઇનાએ અરુણાચલ પ્રદેશના અમુક સ્થળોના નામ બદલાવી હતા. નામ બદલીની પ્રક્રિયાને ચાઇના રૂપાળા શબ્દોમાં 'સ્ટાન્ડર્ડાઈઝેશન' ગણાવે છે. અરુણાચલ પ્રદેશ ઉપર વર્ષોથી ડોળો રાખીને બેઠેલી ચાઇનીઝ સરકાર દુનિયાના અર્ધજાગૃત મનમાં નાખવા માંગે છે કે તે ભારતીય રાજ્ય ચીનનું છે. અરુણાચલ પ્રદેશનું નામ કોઈ પણ માણસના કાને પડે ત્યારે તે ચાઇનીઝ વિસ્તાર છે એવું એમના મગજમાં આવે એવી મેલી મુરાદ સાથે ચાઇના તેની યુદ્ધખોર પ્રવૃત્તિ કરી રહ્યું છે. વર્તમાનમાં નામ બદલવાથી વાસ્તવિકતા બદલાતી નથી. ચાઇનાનો અરુણાચલ પ્રદેશ ઉપરનો દાવો બેબુનિયાદ છે.




