For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઉદ્યોગોની બજેટ-આશા .

Updated: Jan 25th, 2023

Article Content Image

ઉદ્યોગોની બજેટ-આશા

ભારતીય અર્થતંત્રના સારા નસીબે નાણાંમંત્રીનું ધ્યાન રોકાણકારોને આકર્ષવા તરફ હવે સક્રિય થયું છે. તેમણે ચિંતા દર્શાવી છે કે ભારતના વતની રોકાણકારોને ભારતમાં રોકાણ કરવા માટે ઉત્સાહ કેમ નથી એ નવાઈની વાત છે, જ્યારે કે વિદેશી રોકાણકારો અહીં રોકાણ કરવા માટે થનગની રહ્યા છે. નવું બજેટ તૈયાર કરવામાં તેઓ હવે મગ્ન છે. નાણાંમંત્રીએ તો સીધો સવાલ ભારતના ઉદ્યોગ જગતને જ કર્યો કે એવું તો શું તેઓને ડંખે છે કે અહીં રોકાણકારો ખચકાટ અનુભવી રહ્યા છે? સરકારને તો ઉદ્યોગ જગત સાથે ખભેખભા મિલાવીને કામ કરવાની ઈચ્છા છે અને તે માટે જરૂરી બધા જ પગલાઓ ભરવા માટે તૈયાર છે. જો કે સરકાર પહેલા પણ પ્રોત્સાહન પેકેજ અર્થાત યોજના લઈને આવી હતી. ઉત્પાદન ક્ષેત્રમાં રોકાણ કરવું હોય તો તેમાં અનેક કરવેરાની છૂટછાટો આપવામાં આવી હતી. અન્ય કેટલાક દરોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. પરંતુ તેનો જોઈએ એવો ફાયદો ક્ષેત્રને કે રોકાણકરોને થયો નહિ. પરિણામ સ્વરૂપ નાણામંત્રી ઉદ્યોગ જગતની વર્તમાન જરૂરિયાતોને અનુલક્ષીને જરૂરી સુધારા વધારા કરવા માટે નવેસરથી તૈયારી વ્યક્ત કરવી પડી છે.

અચાનક નાણામંત્રીનું ધ્યાન આ તરફ જવાનું કારણ એ પણ છે કે જે આંકડાઓ જાહેરમાં આવ્યા તેમાં ઔદ્યોગિક વિકાસ દર અધોગતિ કરતો દેખાય છે. છેલ્લા ચાર વર્ષમાં ઔદ્યોગિક વિકાસદર સૌથી નીચલી સપાટી ઉપર છે. આ ચિંતાની વાત છે. ઔદ્યોગિક વિકાસ દર સુધારવા માટે સરકાર ઔદ્યોગિક વિકાસ પર અવલંબન કરતી થઇ જાય તે સ્વાભાવિક છે. આ અવલંબનને કારણે થાય છે એવું કે જેવું પણ ઉદ્યોગ જગત ઉપરનીચે થાય કે તરત આર્થિક વિકાસનો આલેખ ડગુમગુ થઇ જાય. કોરોનાકાળ પહેલા પણ ઉદ્યોગ જગત ધમધમી રહ્યું ન હતું. કોરોનાએ તો વધુ નુકસાન કર્યું. સરકારે તો વ્યાજદરોમાં માફી આપી, પ્રોત્સાહન યોજનાઓની જાહેરાતો કરી અને દેવું માફ કરવાની પણ તૈયારી બતાવી. છતાં પણ ઉત્પાદન ક્ષેત્રે ધાર્યું પરિણામ સરકાર અને ઉદ્યોગ જગતને મળ્યું નથી. આના કારણો સરકારને ખબર છે. હવે નાણામંત્રીએ ઉદ્યોગ જગતની અડચણોને કેટેગરાઈઝ કરવાનું શરુ કર્યું છે. કોઈ પણ મોટા ફલક પરના સંકટને દૂર કરવાનો આ યોગ્ય વ્યાયામ છે.

સામાન્ય રીતે સરકારોનું કામ હોય છે અર્થતંત્ર બહુ મજબૂત છે એવા દાવાઓની જાહેરાતો કરવાનું. પરંતુ વાસ્તવિકતા કંઇક જુદી હોય છે અને તેને નજરઅંદાજ કરવામાં આવતી હોય છે. પરંતુ સ્થિતિનો સ્વીકાર કરવો અને તેમાં જરૂરી સુધારા કરવા અનિવાર્ય હોય છે અને દરેક સારી સરકાર પાસેથી એ જ અપેક્ષિત હોય છે. ઉદ્યોગ જગતમાં રોકાણ ત્યારે જ વધે જ્યારે ઉત્પાદન અને તેનું વેચાણ સતત વધતું રહેતું હોય. હવે વેચાણ વધે નહિ અને ફક્ત ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવે તો આવો એક તરફી પ્રેમ અર્થતંત્રના સંબંધો મજબૂત કરી શકે નહિ. વેચાણ - વપરાશ પણ વધવા જોઈએ. નિકાસ ઓછી થવા લાગી અને આયાત વધવા લાગી એટલે સરકારને નુકસાન દેખાવા લાગ્યું. અર્થશાસ્ત્રના આ પાયાના સિદ્ધાંતો છે અને કોઈ પણ દેશની અર્થવ્યવસ્થામાં તે સિદ્ધાંતોનું પાલન થાય તે જરૂરી છે. સરકારે નાના ઉદ્યોગોના આંસુ લૂછવાની ભાવના દાખવવાની જરૂર છે.

દેશમાં ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ વધારવા માટે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભારતની હાજરી નિરંતર હોવી ઘટે અને સાથે સાથે તેનું વિસ્તરણ પણ થવું જોઈએ. પરંતુ આના માટે અત્યારે તો સરકાર દ્વારા સંનિષ્ઠ પ્રયાસોનો અભાવ લાગે છે અને ઉદ્યોગપતિઓ પણ નવું સાહસ કરતા પહેલા વિચારી રહ્યા છે. લોકલ માર્કેટની પણ અવદશા બેઠેલી છે અને તે સર્વવિદિત છે. વારંવાર વ્યાજનીતિમાં ફેરફાર કરીને રિઝર્વ બેન્ક મોંઘવારી ઘટાડવાના અને માર્કેટમાં મૂડીરોકાણ વધારવાના પ્રયત્નો કરી રહી છે, એ પણ જાણે કે ફક્ત શૂન્ય રિઝલ્ટ પ્રાપ્ત કરવા માટે જ. સરકાર એ વાત સારી રીતે જાણે છે કે જ્યાં સુધી નાગરિકોની ખર્ચશક્તિ ન વધે ત્યાં સુધી મૂડીનો પ્રવાહ બજારમાં વધે નહિ. ખર્ચશક્તિ ક્યારે વધે? જ્યારે લોકોની આવકમાં વધારો થાય. આવકમાં વધારો થવા માટે રૂપિયો મજબુત જોઈએ અને ભારતનું વાર્ષિક ઘરેલું ઉત્પાદન વાસ્તવિક રીતે તગડું જોઈએ.


Gujarat