For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચીનમાં કોરોનાનો ભરડો .

Updated: Nov 24th, 2022

Article Content Image

દેશમાં દરેક રાજ્યો પાસે પોતાનું અલગ આંકડાશાસ્ત્ર છે. દરેકના પોતાના સરવાળા અને બાદબાકી અલગ હોઈ શકે છે એ આ દેશને ભાજપે આપેલી ભેટ છે. બેરોજગારોના આંકડાઓ છુપાવવાના પ્રયાસમાંથી શરૂ થયેલી મનઘડંત આંકડાબાજી હવે કોરોના સુધી પહોંચી ગઈ છે. પ્રજા જાણતી નથી, પરંતુ કોરોના દ્વારા થતા મૃત્યુનો આંકડો જે વાંચવા અને સાંભળવા મળતો હતો એનાથી ઘણો ઊંચો હતો એ પ્રજાને પછીથી ખબર પડી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કોરોનાના આંકડાઓમાં ભેળસેળ ચાલે છે. સત્ય છુપાવવાની મથામણ સહુ કરે છે. જો કે અમેરિકન વહીવટીતંત્ર આ અંગે હજુ સત્યને વળગી રહ્યું છે. ઈટાલી અને ફ્રાન્સ પણ ખોટું બોલતા શીખી ગયા છે. અમેરિકી જાસૂસી સંસ્થા સીઆઈએ પાસે ચીનમાં કોરોના વાયરસને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યાનો સાચો આંકડો છે, પરંતુ તેઓ જાહેર કરવા ચાહતા નથી.

કોરોનાની ટેબલેટ લઈ શકાય એ માટે અમેરિકી તબીબી વૈજ્ઞાાનિકો દિનરાત મહેનત કરી રહ્યા છે અને તેઓ માને છે કે આવતા વરસે ફેબ્રુઆરીમાં ઓરલ ઔષધિ તૈયાર થઈ જશે. ગરમ પાણીનો નાસ લેવાની જે આયુર્વેદિક પ્રણાલિકાનો ભારતીય પ્રજાએ બીજી લહેર વખતે ધૂમ ઉપયોગ કર્યો તેના પણ અમેરિકી વૈજ્ઞાાનિકો વિરોધી છે, કારણ કે તેઓ માને છે કે મનુષ્યના મગજ અને જ્ઞાાનતંતુઓ પર નાસ બહુ નકારાત્મક અસર કરે છે. ચીની વૈજ્ઞાાનિકો પણ કોરોના વાયરસના ડેલ્ટા વેરિએન્ટને બહુ ખતરનાક માનતા હતા, પરંતુ એક તો એમના સંશોધનો ગુપ્ત રહે છે અને કદાચ જાહેર થાય તો એના પર હવે કોઇને વિશ્વાસ નથી. ચીનની સરકાર સમગ્ર વિશ્વમાં બદનામ થઈ ગયેલી છે. ચીનના શાસકો પર કોઈને ભરોસો નથી. એક તરફ ચીનના ઉત્પાદનોની નિકાસ ઘટવા લાગી છે. ચીન અત્યારે સૌથી ભીષણ ભૂખમરાની સમસ્યાનો સામનો કરે છે. ચીનમાં ગરીબોની સંખ્યા અભિવૃદ્ધ થઈ છે.

કોરોનાને કારણે બંધ પડેલા ઉદ્યોગોમાં ચોથા વર્ગના અને ત્રીજા વર્ગના જે કારીગરો બેકાર બન્યા તે અદ્યાપિ બેકાર જ છે. તેઓ ખતરનાક ભૂખમરા તરફ ધકેલાઈ રહ્યા છે. હવે કોરોનાના નવા આક્રમણથી ચીનનો સરહદી ઉપદ્રવ પણ ભૂખમરાને છુપાવવા અને જુઠ્ઠા રાષ્ટ્રવાદને જગતો રાખવાનો જ એક પેંતરો છે. ચીન સરકાર દ્વારા જાહેર થતાં મૃત્યુના આંકડાઓ એક રીતે તો ખોટા છે, એટલું જ નહીં, હવે તો મૂળભૂત આંકડા અને સરકારે જાહેર કરેલા આંકડા વચ્ચે બહુ જ મોટું અંતર છે. ચીનના કેટલાક નાગરિકો જે તેની હીન સરકાર સામે વિદ્રોહ કરીને વિદેશી નાગરિકત્વ સ્વીકારી જુદા જુદા દેશોમાં વસે છે, તેમણે રાતોરાત એક નવું સંગઠન ઊભું કર્યું છે. એ સંગઠનના કહેવા પ્રમાણે ચીનમાં અત્યારે ત્રણ કરોડ લોકોને કોરોના વાયરસના પ્રભાવની અસર છે. વુહાનમાં મૃત્યુ પામેલા નાગરિકની અંતિમવિધિ કરવા માટેની વિવિધ ચાલીસ જગ્યાઓ હતી. આ તમામ સ્થળે એકધારી ૨૪ કલાક મૃત્યુ પામેલા દર્દીઓની અંતિમ વિધિ બીજી લહેર વખતે ચાલી હતી.

વુહાનમાં બજારો ખુલી ગયાં છે પણ અંતિમવિધિ માટેની લાઈનો એક વરસ પહેલાં હતી એવી ને એવી છે. આ સ્થિતિ દરેક શહેરમાં છે. આ બધી વાત પેલા સંગઠને જાહેર કરી છે. તમામ પ્રકારના ડેટા અવિશ્વસનીય છે. કોઈ પણ દેશમાં સરમુખત્યારશાહીની શરૂઆત ડેટા સાથેની છેડછાડથી થાય છે. ડેટા પર જિનપિંગની સીધી પકડ છે. તેઓ અસત્ય જ સતત પ્રસારિત કરે છે. આમ જોઈએ તો ૨૦૦૩માં આવેલો અને ચીનના લોકોને ભયજનક સ્થિતિમાં મૂકી ગયેલો સાર્સ વાયરસ કોરોના સમૂહનો જ વાયરસ છે. પોતાની આબરૂ બચાવવા માટે અને વધુ નાગરિકો બચે તેના માટે ચીન હજુય હવામાં બાચકા ભરે છે. સરકારનો અગ્રતાક્રમ પણ આબરૂ બચાવવાનો પહેલા છે. બ્રિટને આમ જનતા માટેના સર્વવ્યાપી રસીકરણની જાહેરાત કર્યા પછી ચીનના પેટમાં તેલ રેડાયું હતું. હવે તો ભારતમાં એક્સપ્રેસ ઝડપે ચાલતા વેક્સિનેશનથી ચીનની ખિન્નતામાં ઔર વધારો થયો છે. ભારત સરકાર એકસો પંચોતેર કરોડના લક્ષ્યાંકને ક્રોસ કરી ગઈ છે.

ચીનમાં કરોડો લોકોના મોત થયા હોવાના પુરાવાઓ હવે આંતરરાષ્ટ્રીય મીડિયામાં ક્રમશ: પ્રગટ થવા લાગ્યા છે. બે વરસ પહેલા સ્થિતિ એવી હતી કે દેશવિદેશના મીડિયા જિંગપિંગ સરકારના વખાણ કરી રહ્યા હતા, કારણ કે તેઓએ દસ જ દિવસની અંદર દસ હજાર બેડની કેપેસિટી ધરાવતી હોસ્પિટલ ઉભી કરી દીધી હતી. ચાઈનીઝ ટેકનોલોજી અને ઝડપના વખાણ કરી રહેલા બિનચાઈનીઝ મીડિયાને હવે છેક ખબર પડી કે ચીન પાસે પૂરતા માસ્ક પણ નથી. ચીનના લોકો અને ખાસ કરીને શહેરોમાં રહેતા નાગરિકો મેડિકલ માસ્ક વિના એક મિનિટ બહાર નીકળવાનું પસંદ નથી કરતા. 

Gujarat