સ્પષ્ટ ત્રિપાંખિયો જંગ .


ગુજરાત રાજ્યના ચૂંટણીના ઇતિહાસમાં હંમેશા બે પક્ષો વચ્ચે જ લડાઈ રહી છે. ગુજરાતી પ્રજા જાણે ભાજપ અને કોંગ્રેસના દ્વંદ્વથી ટેવાઈ ગઈ હોય એમ રાજકીય બેટલફિલ્ડમાં કોઈ ત્રીજા પ્રતિસ્પર્ધીની કલ્પના પણ કરી શકતી ન હતી. સાથે સાથે એક મોટો વર્ગ એવો છે જે ભાજપ અને કોંગ્રેસ બંનેથી કંટાળી ગયો છે. એ વર્ગને હવે 'નોટા'નું બટન દબાવવું પણ ગમતું નથી. માટે જ પાછલી ચૂંટણીઓમાં શહેરી વિસ્તારનો અને ગ્રામ વિસ્તારનો મોટો જનસમુદાય ચૂંટણીથી દૂર રહ્યો હતો. ગુજરાતમાં જ્યારે જ્યારે રાજકીય જંગમાં ત્રીજો મોરચો ઉતર્યો છે ત્યારે બદલાની ભાવના સાથે ઉતર્યો છે. ઉદાહરણ તરીકે, કેશુભાઈની પરિવર્તન પાર્ટી. અથવા ચિમનભાઈની કિમલોપ. માટે ગુજરાતના રાજકીય માહોલમાં ત્રિકોણની કલ્પના જ કરી શકાય એમ ન હતી. જે છે એ એક ક્ષિતિજગામી રેખા છે જેના એક છેડે ભાજપ તો બીજા છેડે કોંગ્રેસ બિરાજમાન હતી, પણ આ વખતે આ પરંપરા તૂટી છે.

આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ મુખ્યત્વે નવી દિલ્હીમાં અને હવે પંજાબમાં જ છે અને રાજધાની કે પંજાબ સિવાય ભારતના અન્ય પ્રદેશોમાં તેનો ગજ વાગ્યો નથી. કેજરીવાલ આણિ મંડળીને મુંબઇ જેવા પ્રબુદ્ધ શહેરોએ જાકારો આપ્યો છે. તેમ છતાં ગુજરાતમાં ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહાપાલિકામાં આમ આદમી પાર્ટીએ લગભગ બધી સીટો ઉપર તેના ઉમેદવારો ઊભા રાખ્યા હતા. સુરત સિવાય ક્યાંય આપ પક્ષને સીટો મળી નથી, પણ સુરતમાં સત્તાવીસ સીટો મળી તે પણ નાનીસુની વાત નથી. મૃતઃપાય કોંગ્રેસનું ખાતું પણ ન ખુલ્યું અને હજુ ગઈકાલે આવેલી આપ બે આંકડામાં બેઠકો મેળવી ગઈ તે તાપી કિનારે તગતગતી એક સિદ્ધિ છે. એ સમયે અદ્દલ મોદી સ્ટાઇલમાં જ મનીષ સીસોદીયા અને તેના પક્ષે સુરતમાં રોડ-શો કરેલો. ગ્રામ વિસ્તારમાં પણ આપનું વર્ચસ્વ ચૂંટણી પહેલા ખાસ્સું દેખાતું હતું, પણ તસવીરોમાં દેખાતી મેદની અને પરિણામના આંકડા વચ્ચે વિસંગતી જ રહી.

આપના ગુજરાત ખાતેના ચહેરા અર્થાત ગોપાલ ઇટાલિયાને લોકો પાટીદાર આંદોલનની બાય પ્રોડક્ટ માને છે. અલબત્ત, તે નિષ્ફળ પાટીદાર આંદોલનની યુવા લીડર ત્રિપુટી સાવ ખોવાઈ ગઈ નથી. એ ત્રણેય કરતાં ઇટાલિયાએ ગુજરાતમાં ખાસ્સું કાઠું કાઢયું એવું કહી શકાય. જોકે એ સમયની સમગ્ર પાલિકા ચૂંટણી ૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીની લિટમસ ટેસ્ટ હતી. આમ પણ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદીના ભાષણોમાં આખા દેશે ૨૦૨૨નો ઉલ્લેખ અનેક વખત સાંભળ્યો છે. આમ પણ ગુજરાત મોડેલના આધાર ઉપર જ મોદી સરકારે કેન્દ્રમાં જીત મેળવી હતી. ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બહુ ઓછા માર્જિનથી કેસરિયો રંગ જીત્યો હતો. ગયા વખતની સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપને મોટી જીત મળી તેનાથી તેણે ખુશ થવા જેવું ન હતું. મહદંશે પ્રજા પાસે ભાજપ સિવાય કોઈ સશક્ત વિકલ્પ ન હતો માટે તેની જીત થઈ છે, પણ હવે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાને ઝાંખો ઝાંખો ત્રીજો વિકલ્પ દેખાઈ રહ્યો છે.

આ વખતે આપનો ચૂંટણી ઢંઢેરો રસપ્રદ હશે, કારણ કે એમાં તલની રેવડી દાણાદાર હશે. ચૂંટણી લડવા માટે આપનો એપ્રોચ પણ કોંગ્રેસ માટે પદાર્થપાઠ સમાન હોય છે. કોંગ્રેસ સતત મોદી વિરોધ કરતી આવી છે એમ આપે મોદી વિરોધ અલ્પતમ કર્યો અને મુદ્દા આધારિત ચૂંટણી લડી છે. ગુજરાતમાં પણ આપ મોદી ભક્તો નારાજ ન થાય એની સાવધાની રાખે છે. આ કેજરીવાલની રહસ્યમય પોલિસી છે. સુરતના જે ભાગની સીટો મહાપાલિકામાંં કોંગ્રેસના ફાળે જતી તે જ આપના ખોળામાં આવી હતી માટે આપ પક્ષના મુદ્દાઓ પ્રજા સુધી પહોંચ્યા છે એવું કહી ન શકાય. આમ પણ આમ આદમી પાર્ટી ઉપર 'ભાજપની બી ટીમ'નું લાગેલું લેબલ હટાવવામાં તેણે ખૂબ કસરત કરવી પડશે. દિલ્હીમાં પ્રથમ વખત મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા બાદ કેજરીવાલ સરકારમાં અંદરોઅંદર જે અરાજકતા સર્જાઈ હતી તે કેજરીવાલની અણઆવડત અને બિનઅનુભવી અભિગમની ચાડી ખાતી હતી, પણ આ વખતે કેજરીવાલે ગુજરાતમાં આવીને ઘણી પરિપક્વતા દર્શાવી તે પણ નોંધનીય છે.

ભાજપને શોબાઝી કરતા ખૂબ સારી આવડે છે. ભાજપે વિકાસ કામો કર્યાં હશે, પણ જેટલો વિકાસ કર્યો તેના કરતાં વધુ સારું તે વિકાસનું માર્કેટિંગ કર્યું. મિસ્ટર મોદી જેવી ઉતાવળ અને આક્રમકતા એક પણ વિપક્ષના નેતામાં દેખાતી નથી. જોકે એની મર્યાદાઓ પણ છે. ભાજપ આધુનિક અભિગમ સાથે તેની સ્ટ્રેટેજી બનાવે છે. કોંગ્રેસ હજુ આઝાદી સમયની પરંપરાઓને અનુસરે છે. કોંગ્રેસ એક ફેમિલી પાર્ટી છે. આપ ફિક્કું પડે છે. તેનું કદ હજુ ઘટે છે, પણ પ્રજામાં અસંતોષ ઘણો છે. ગુજરાતી સમૃદ્ધ પ્રજા છે એવું કહેવાય છે, પણ અત્યારે આર્થિક રીતે બધા જ વર્ગના લોકો પીસાઇ રહ્યા છે. ચૂંટણી આવશે અને જશે, પણ ખરા અર્થમાં લોકહિત થશે કે નહીં તે કહી શકાય એમ નથી. નમોથી મેમો સુધીની ચર્ચાઓમાં લોકજિહ્વા થોથરાઈ ગઈ છે. પ્રજાએ ગુજરાતમાં વર્ષે ત્રિપાંખિયો જંગ જોવા હવે તૈયાર રહેવાનું છે. 

City News

Sports

RECENT NEWS