શેરબજાર હાલક ડોલક છે
સેબીએ ચેતવણી આપ્યા છતાં નાની કંપનીઓના શેરની મોટી રમતમાં રોકાણકારો તણાઈ રહ્યા છે. શેર બજાર અને અન્ય બજાર માટે આ સપ્તાહ મહિમાવંત છે. આ સપ્તાહ દરમિયાન વિશ્વની ઘણી સેન્ટ્રલ બેંકો મોનેટરી પોલિસી પર પોતાનું વલણ જાહેર કરશે. આવી સ્થિતિમાં નજીકના ગાળામાં શેરબજારમાં વધઘટ જોવા મળી શકે છે. આ અઠવાડિયે યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના વ્યાજદર અંગેના નિર્ણય દ્વારા સ્થાનિક શેરબજારોની દિશા આમતેમ થઈ શકે છે. આ ઉપરાંત વૈશ્વિક બજારોનો ટ્રેન્ડ અને વિદેશી રોકાણકારોની ગતિવિધિઓ પણ બજાર માટે મહત્વપૂર્ણ રહેશે. ગયા અઠવાડિયે, નાની અને મધ્યમ કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો, વિદેશી ભંડોળ પાછું ખેંચાતું પણ જોવા મળ્યું અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ઊંચા ભાવને કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર થઈ હતી. આ અઠવાડિયે દરેકનું ધ્યાન નાણાંકીય નીતિ પર રહેશે. ફેડરલ રિઝર્વની બે દિવસીય પોલિસી બેઠક ૧૯ માર્ચથી શરૂ થવા જઈ રહી છે.
યુએસ સેન્ટ્રલ બેંક ૨૦ માર્ચે વ્યાજ દર અંગેના તેના નિર્ણય જાહેર કરશે. આ સિવાય આજથી શરૂ થતાં સપ્તાહ દરમિયાન જ ચીન એક વર્ષ અને પાંચ વર્ષની લોન પર મુખ્ય દરોની જાહેરાત કરશે. બેન્ક ઓફ જાપાન પણ ૧૯ માર્ચે વ્યાજ દરો અંગેના તેના નિર્ણયની જાહેરાત કરશે. ઉપરાંત જાપાન ૨૨ માર્ચે ફુગાવાના આંકડા પણ જાહેર કરશે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડ પણ આજકાલમાં જ વ્યાજદરોના ફેરફારો જાહેર કરશે. આ સિવાય ડોલર સામે રૂપિયાની મુવમેન્ટ, યુએસ બોન્ડ્સ પર યિલ્ડ અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટ પર બધાની નજર રહેશે. ગયા અઠવાડિયે, ૩૦ શેરો ધરાવતો બીએસઈ સેન્સેક્સ ૧,૪૭૫.૯૬ પોઈન્ટ અથવા ૧.૯૯ ટકા તૂટયો હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૪૭૦.૨ પોઇન્ટ અથવા ૨.૦૯ ટકા ઘટયો હતો. અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારો શેરોમાં તેમના રોકાણ માટે વૈશ્વિક બજારોના વલણ પર નજર રાખતા હશે તેઓ જ ફાવશે. આ સપ્તાહ આર્થિક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ રહેવાનું છે.
આવી સ્થિતિમાં, નજીકના ગાળામાં બજારમાં અસ્થિરતા જોવા મળશે. રોકાણકારો મોટા અને સુરક્ષિત શેરો પર ધ્યાન કેન્દ્રિત કરશે. રોકાણકારોનું ધ્યાન હવે આગામી લોકસભા ચૂંટણી પર રહેશે. ચૂંટણી પંચે ચૂંટણી મહાકુંભની તારીખો જાહેર કરતાની સાથે જ દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. સપ્તપદીય ચૂંટણીનો એક નકારાત્મક પ્રભાવ વ્યાપાર અને વાણિજય ક્ષેત્ર પર પડે છે તેના પર સરકાર કે સામાન્ય પ્રજાને ભાગ્યે જ ખબર હોય છે. ઘણી વખત આચારસંહિતાના નિયમો અને કાયદાઓના કારણે વેપારીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેના કારણે આ વખતે વ્યાપારીઓએ ચૂંટણી પંચને અપીલ કરી છે કે ચૂંટણી આચારસંહિતાના નામે ધંધા અને વેપારીઓને નુકસાન ન થાય તેનુ ધ્યાન રાખવું જેથી મુક્ત અને ન્યાયી ચૂંટણીની સાથે અર્થતંત્રની ગાડી પણ ચાલતી રહે.
ચૂંટણીની તારીખની જાહેરાત બાદ વેપારી સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે કે દેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજવી એ ૫ વર્ષની પ્રક્રિયા છે. ધંધો તો દિવસ-રાત બાર મહિના ચાલુ જ રહે છે. ચૂંટણીમાં આચારસંહિતા લાગુ કરવી સારી બાબત છે. એ પણ એટલું જ મહત્વનું છે કે જે રીતે ધંધો ચાલે છે તેમાં તેની અસર ન થાય અને ચાલતો રહે. વેપારમાં, શહેરના વેપારીઓ વિવિધ ગામો, ગ્રામ્ય વિસ્તારો અને આદિવાસી વિસ્તારોમાં દુકાનોમાં માલ મોકલતા રહે છે. તેઓ તેમના પૈસાની વસૂલાત માટે સમયાંતરે મુલાકાત લે છે. ઘણી મોટી રકમ તેમની પાસે જમા રહે છે. અને એ રકમની હેરાફેરી પણ કરવી પડે છે. એ જ રીતે સોના-ચાંદીના વેપારીઓ અને અન્ય માલના વેપારીઓ પોતાના વાહનોમાં માલ ભરીને ગામડે- ગામડે વેચે છે. માલના પૈસા જમા લે છે. આ રીતે વેપારીઓ પાસે સોનું, ચાંદી, ઝવેરાત વગેરેને લગતા ઘણા નાણાં અને વેપાર હોય છે. અર્થતંત્રને ચાલતું રાખવા માટે આ બધું જરૂરી છે.
વેપારીઓનું કહેવું છે કે દેશમાં હોળાષ્ટક પછી લગ્નની સિઝન શરૂ થવાની છે. આવા સમયે માલનો વપરાશ વધી જાય છે. ગ્રામ વિસ્તારોમાંથી ઘણા લોકો ખરીદી કરવા માટે રોકડા રૂપિયા લઈને શહેરમાં આવે છે. ચૂંટણીમાં નાણાંનો દુરુપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવું પણ જરૂરી છે, પરંતુ અર્થવ્યવસ્થા ચલાવવા માટે ઉદ્યોગપતિઓએ પણ રોકડ, સોના-ચાંદીના દાગીના વગેરે સાથે મુસાફરી કરવી જરૂરી છે. તેથી વેપાર અને વેપારીઓને અસર કર્યા વિના આચારસંહિતાનું પાલન કરવું જોઈએ.