For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નિર્મલાની ગપ્પાબાજી .

Updated: Nov 17th, 2022

Article Content Image

કેન્દ્રના નાણાંપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા તેમના પુરોગામી અરુણ જેટલીની જેમ જ અસત્ય ઉચ્ચારવાની પ્રેકટિસની શરુઆત કરવામાં આવી છે. નિર્ર્મલા સીતારામન નાણા મંત્રાલયમાં આવીને રહી રહીને હવે આટલી ઝડપથી ખોટું બોલતા શીખી જશે એની સૌને ધારણા ન હતી, કારણ કે એમણે પોતે જ મંદીને નાથવા માટેનાં કેટલાક પગલાં લીધાં છે અને હજારો કરોડ રૂપિયા બજારમાં સરકારના વરદ હસ્તે દાખલ કરેલા છે એટલે કે ભીષણ વાસ્તવિકતાઓ તેમના પગમાં સાપની જેમ વીંટળાયેલી છે ત્યારે જ તેઓ દેશમાં તેજી હોવાની બીન બજાવી રહ્યા છે. ભાજપના પ્રધાનોની ગંભીર ભૂલોનો જોકે એક અલગ જ અધ્યાય છે, પરંતુ અત્યારે જ્યારે ચોતરફથી ભાજપ ઘેરાઇ ગયું છે અને સત્યનો સ્વીકાર ન કરવાની વૃત્તિ જ એને રાજકારણમાં અને અર્થકારણમાં બન્ને રીતે નડી રહી છે ત્યારે પણ પક્ષના મોવડીઓના સ્વભાવમાં એ જ જુની પરંપરા ચાલતી હોવાથી અતિ નુકસાનને ભાજપે નિમંત્રણ આપ્યું છે

જેમ લોકપ્રિયતા હોય છે એમ લોકોની અપ્રિયતા પણ હોય છે. આજકાલ ભાજપ કે જે કેન્દ્રની એનડીએ સરકારનું નેતૃત્વ કરે છે એ પોતાના જ નિર્ણયો દ્વારા પોતાના જ પગ પર કૂહાડી મારે છે. નિર્મલા સીતારામન કે જેઓ થોડું-ઘણું અર્થશાસ્ત્ર યુનિવર્સિટીઓમાં શીખ્યાં છે અને વધુ તો નાણાં મંત્રાલયમાં આવ્યા પછી શીખ્યાં છે. તેઓ પોતે એમ કહેતાં હોય કે વિકાસ દર ઘટયો છે, પરંતુ દેશમાં મંદી નથી તો એમની આ અતાર્કિક અને શાસ્ત્રશૂન્ય વાત કોણ સ્વીકારશે? દેશના સામાન્ય નાગરિકોન આંખો પર પાટા નથી. નાગરિકો નજર સામે જ બધું જુએ છે. નેતાઓ પોતાના સમયનું અને સતત બદલતી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરે કે ન કરે, પરંતુ નાગરિકો નેતાઓની તમામ કલા-કારીગરી અને વર્ર્તનનું મૂલ્યાંકન કરતા રહે છે. આજકાલ ભાજપ પોતાના જાહેર વર્તનમાં ગોથાં ખાતો પક્ષ છે. રૂપિયો ઘટયો નથી, પણ ડોલર વધ્યો છે એ પ્રકરણમાં તેઓએ બહુ મજાક સહન કરવી પડી હતી.

સોશિયલ મીડિયામાં ભાજપના થતા ધોવાણ સામે ભાજપના મીડિયા સેલે દેશના દરેક રાજ્યમાં પાંચસો-પાંચસો સોશિયલ મીડિયા એકાઉન્ટ છેલ્લા બે દિવસથી હેક કરી રાખેલા છે. જોકે આવો પ્રયોગ એણે અગાઉ પણ કર્યો છે. ભાજપને અત્યારે સૌથી વધુ ભય સોશિયલ મીડિયાનો છે, કારણ કે એમાં એક તો સંબંધિત વ્યક્તિએ મૂકેલી પોસ્ટ હોય છે અને એક પોસ્ટ પર સંખ્યાબંધ કોમેન્ટ હોય છે. એટલે એ પ્રણાલિ ભાજપની ટીકા ને સાર્વત્રિક બનાવે છે. જે સોશિયલ મીડિયાના પ્રચારાત્મક અભિગમનો લાભ લઈને ભાજપે ઊંચાં સિંહાસનો સર કર્યાં એ જ સોશિયલ મીડિયા હવે વધુમાં વધુ લોકશાહીમાં પ્રાપ્ત વાણી સ્વતંત્રતાનો ઉપયોગ કરીને એ સિંહાસનના ડગમગાવે છે. આવનારા દિવસોમાં આ સોશિયલ મીડિયા ભાજપ માટે વધુ ભયજનક પુરવાર થશે એમાં કોઈ શંકા નથી. ચૂંટણી જીતવી તે એક વાત છે અને લોકહૃદયની ચાહના પ્રાપ્ત કરવી એ બીજી જ વાત છે.

ઉદ્યોગપતિઓ સાથેની દોસ્તીને કારણે લગભગ દરેક ભાજપશાસિત રાજ્યોમાં નવાં નવાં કૌભાંડો બહાર આવવા લાગ્યાં છે. ગુજરાતના કરોડોના ડ્રગ્સ કૌભાંડે પણ એમાં સૂર પુરાવ્યો છે. સંસદના ગત ચોમાસુ સત્રમાં રાજ્યસભામાં વિરોધ પક્ષો અને શાસક પક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થઈ હતી, જેમાં પણ કેન્દ્ર સરકારે તરફથી નાણાંપ્રધાને વાસ્તવિકતાઓની ઘોર ઉપેક્ષા કરી હતી. વિરોધ પક્ષના નેતાઓએ ઇ. સ. ૨૦૧૬ની નોટબંધીથી આજ સુધીનો આખો ઈતિહાસ સરકારને ફરી સંભળાવ્યો હતો. છતાં કન્દ્રના નાણાંપ્રધાને મંદી ન હોવાનો અને સબ સલામત હોવાનો ઢોલ વગાડવાનો ચાલુ રાખ્યો હતો. વર્તમાન કેન્દ્ર સરકારના મનમાં હજુ પણ એવો ખ્યાલ છે કે વારંવાર ખોટું બોલવામાં આવે તો છેવટે એ અસત્ય હોવા છતાં પ્રજાને ગળે ઉતરી જાય છે, પરંતુ હવે એવું નથી. જમાનો બદલાઈ ગયો છે અને પહેલી જ વાર તમે ખોટું બોલો કે તરત જ પ્રજાના કાન સરવા અને સાવધાન થઈ જાય છે, અને તમારા પ્રત્યેનાં તિરસ્કારની શરૂઆત થાય છે.

એ વાત ખરી છે કે ચીન અને મલેશિયા જેવા દેશો સામે ભારતની નિકાસની તુલનામાં આયાતો જે અત્યાર સુધી વધારે હતી. તેમાં હવે ઓટ આવવાની શરૂઆત થઇ છે. માત્ર બીજા દેશોને જ લાભ થાય અને ભારતમાં વિદેશી વિક્રેતાઓ અને ઉત્પાદકો પગદંડો જમાવી દે એ સ્થિતિને નિવારવા સરકારે કેટલાક બહુ જ મહત્વનાં પગલાં લીધાં છે, જેના પરિણામો થોડા સમયમાં જ દેખાવા મળશે. એને કારણે દેશના અર્થતંત્રમાં થોડું હરિયાળું વાતાવરણ પણ થશે, પરંતુ એવી કોઇ સત્ય હકીકતો અંગે વર્તમાન પ્રધાનમંડળને વાત કરતા આવડતું નથી, કારણ કે તેઓ સહુ કાર્યવિદ્યાને બદલે રાજવિદ્યાથી જ છલકાયેલા છે. તેમનો મોટા ભાગનો સમય રાજકીય ખટપટમાં જ પસાર થાય છે તે સહુ જુએ છે.

Gujarat