ડિસ્ટર્બ ઈન્ડિયા પ્રોજેક્ટ
ડિસ્ટર્બ ઈન્ડિયા પ્રોજેક્ટ
ચીનનું અભિમાન પરાકાષ્ઠાએ છે. જિનપિંગ એના દેશનો સૌથી અપ્રિય અને દુષ્ટ નેતા છે. ચીનાઓ હજારો ભૂગર્ભ પત્રિકાઓ દ્વારા લોકશાહીની ડિમાન્ડ બુલંદ કરી રહ્યા છે. અહીં વિકરાળ લોકક્રાન્તિ ગમે ત્યારે ભડકે એમ છે. ચીનાઈ નિકાસો અરધી ઓછી થઈ છે અને આ મહિનાના અંત સુધીમાં એમાં વધુ ઘટાડો આવવાનો નક્કી છે. અબજો ડોલરની રોકાણકાર કંપનીઓ એના તંબૂ ઉખાડી રહી છે. જહાજ ડૂબવાનું થાય અને ઉંદરો કૂદે એમ દુનિયાના તમામ મોટા ઉદ્યોગપતિઓ હવે ચીનમાંથી નાસી જવા લાગ્યા છે. લડાખ સરહદને સળગાવવા પાછળ ચીનનો આશય એની પ્રજાનું ધ્યાન બીજે દોરવાનો છે. ચીનનું અને કાચબાનું પેટ કોઈએ જોયું નથી. ચીન હવે વૈશ્વિક બહિષ્કારનો સામનો કરી રહ્યું છે. ભારતીય સરહદે ચીનનો નવો ઉપદ્રવ એને માટે આત્મઘાતક નીવડશે. કારણ કે ભારતમાં ચીની ઉત્પાદનોના બહિષ્કારના જોરશોરથી વાજાં વાગે છે. આ સંયોગો વચ્ચે લડાખ સરહદે થયેલી પ્રિ-વૉર અથડામણો ભારતમાંથી ચીનનો કાંકરો કાઢી નાંખશે. ચીનના વાણિજ્ય ક્ષેત્રની હવે ખરેખરી પનોતી બેસવાની છે.
મિત્રતાની આડશમાં પૂર્ણતઃ દુશ્મનની ભૂમિકા અદા કરવી એ ચીનની એવી જૂની આદત છે જેને તમામ ભારતીય વડાપ્રધાનો શા માટે સહન કરતા આવ્યા છે તે પ્રજાને સમજાતું નથી. ઈ. સ. ૧૯૭૧માં શરૃ થયેલા ભારત-પાક યુદ્ધમાં પાકિસ્તાનને ભારતે ધ્વસ્ત કરી નાંખ્યું પછી રશિયાએ ભારત સમક્ષ વધુ એક યુદ્ધ છેડીને ચીનને પણ પછાડવાની દરખાસ્ત કરી હતી. પરંતુ ભારતમાં પ્રગતિના એટલા બધા કામો પેન્ડિંગ હતા કે ઈન્દિરાજીએ કેબિનેટને પરોક્ષ રીતે કહ્યું હતું કે ભારત હવે નજીકના ભવિષ્યમાં બીજું યુદ્ધ આથક રીતે ઊંચકી શકે એમ નથી. એટલે ચીનને પાઠ ભણાવવાનો બાકી છે તે હજુ આજે પણ બાકી છે. ભારતીય વડાપ્રધાનોની મૂર્ખતા પર ચીન પોતાની લુચ્ચાઈ ટકાવતું આવ્યું છે. સમગ્ર એશિયામાં ચીનના નિર્લજ્જ સામ્રાજ્યવાદી અતિક્રમણોનો તો એક અલગ જ ઇતિહાસ છે. ભારતીય સૈન્યના કર્નલ અને અન્ય માનવંતા બહાદુર સૈનિકોનું આ વખતનું બલિદાન એળે ન જવું જોઈએ.
દાયકાઓથી આંતરરાષ્ટ્રીય તખ્તા પર ડિસ્ટર્બ ઈન્ડિયા પ્રોજેક્ટ ચાલે છે. એનું મૂળભૂત સૂત્રધાર રાષ્ટ્ર બ્રિટન છે. પૂર્વ પાકિસ્તાન (આજનું બાંગ્લાદેશ ) અને પશ્ચિમ પાકિસ્તાનની યોજનામાં પણ બ્રિટનની ખોરી દાનત હતી. આપણા દેશમાં એક વડાપ્રધાન ઇન્દિરા ગાંધીમાં ઇતિહાસને સમજવાની અદ્વિતીય સમજ હતી. એ ડહાપણ એમને પિતા જવાહરલાલ પાસેથી વારસામાં મળ્યું હતું. જવાહરલાલ નહેરુ ઈતિહાસના એક્કા હતા. પરંતુ એમની પાસે બહુ સમય ન હતો. ઇન્દિરા ગાંધીએ એક જ વાઘ છાપ રશિયા સાથે મજબૂત સંબંધો રાખીને આખી દુનિયાને ચૂપ રાખી અને પાકિસ્તાનના પગ કાપી બાંગ્લાદેશને સ્વતંત્રતા અપાવી. આજે ઇતિહાસ અને વિદેશનીતિની વિચક્ષણતાથી સર્વથા અજ્ઞાાત એનડીએ સરકાર અમેરિકા અને ચીનની ભંગાણે આવેલી સંબંધિકામાંથી જેમ જેમ લાભ લેવાનો પ્રયત્ન કરે છે તેમ તેમ ભારતને ગેરલાભ થતો જાય છે.
ખાલિસ્તાનની સમગ્ર ચળવળ પાછળ બ્રિટનનો હાથ હતો અને આજે પણ ખાલિસ્તાની અલગાવવાદીઓ બ્રિટન સરકારના આશ્રયે રહી ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરતા રહે છે. બ્રિટનનો હેતુ ભારતને સતત ડિસ્ટર્બ કરવાનો છે. ભારત અને પાકિસ્તાન અલગ થયા ત્યારે પાકિસ્તાનમાં રહેલા બ્રિટિશ રાજદૂતાવાસ તરફથી જ તમામ ભારત વિરોધી નીતિમત્તા ઘડીને પાક સરકારના હાથમાં આપવામાં આવતી હતી. તામિલ ટાઈગરોના એલટીટીઈને બ્રિટિશ જાસૂસો ફંડ આપતા હતા. ભારત અને લંકાના સંબંધોનો સેતુબંધ તોડવાનો એ માસ્ટરપ્લાન હતો. ડિસ્ટર્બ ઈન્ડિયા પ્રોજેક્ટને આગળ ધપાવવા ચીનને બ્રિટિશરો જ સહકાર આપતા રહ્યા છે. બ્રિટનને અમેરિકાના સાથી રાષ્ટ્રોમાંનું એક માનવામાં આવે છે. તેમ છતાંય બ્રિટન અને ચીનના સંબંધો આજે પણ ખૂબ સારા છે. બ્રિટનની આ ખંધી રાજનીતિ ભવિષ્યમાં અમેરિકાને પણ ભારે પડવાની છે.
યુરોપિયન સંઘમાંથી છૂટા પડયા પછી ચીને બ્રિટનમાં અબજો ડોલરનું રોકાણ કરેલું છે. ચીન અને બ્રિટનની દોસ્તી છાની નથી. મેઈડ ઈન ચાઈના નામક બ્રાન્ડ હવે ક્યાંય ચાલે એમ નથી. કોરોના વાયરસ દ્વારા દુનિયાભરમાં મોંઘેરા મોતનું ડિસ્કાઉન્ટ સેલ ચાલુ કરનાર ચીનના હવે દેશદેશાવરમાં ઘેરઘેર દુશ્મનો છે. એટલે અનેક રીતે ચીન પતનની ગહન ખીણની ધારે ધારે ચાલે છે અને ગમે ત્યારે એ પડવાનું છે એ નક્કી છે. ચીની કંપનીઓની દુનિયાભરમાંથી ઝડપી હકાલપટ્ટી થઈ રહી છે. ચીનના જે જે હાથના કર્યા છે એ એને જ હૈયે વાગવાનો સમય હવે આવ્યો છે. ચીન ભારતને ડિસ્ટર્બ કરવામાં હવે પાકિસ્તાનને સમાંતર અખતરા કરવા લાગ્યું છે.