પૂર્ણવિરામ નહીં, અલ્પવિરામ .

બુદ્ધ પૂર્ણિમાના દિવસે રાષ્ટ્રને સંબોધન કરતી વખતે, પ્રધાનમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે ભારત સદીઓથી બુદ્ધની સંસ્કૃતિ અને વિચારોનું સમર્થક રહ્યું છે, પરંતુ શાંતિનો માર્ગ ફક્ત શક્તિના માર્ગે જ જાય છે. પ્રધાનમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે ભારતની શાંતિ નીતિને નબળાઈ ન ગણવી જોઈએ. જ્યારે સમય આવશે, ત્યારે આપણે આપણી શક્તિ બતાવવામાં પાછળ રહીશું નહીં. ભારતીય સેનાની બહાદુરી અને ભારતીય વૈજ્ઞાાનિકોની પ્રતિભાની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઈકે બતાવ્યું છે કે ભારત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેના યુદ્ધ ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવામાં સક્ષમ છે. સ્વદેશી પ્રયાસો અને આત્મનિર્ભરતાના સંકલ્પથી ભારત દેશને સુરક્ષા કવચ પૂરું પાડવામાં સફળ રહ્યું છે.
જે રીતે ભારતીય હવાઈ સંરક્ષણ પ્રણાલીએ પાકિસ્તાન દ્વારા વિશ્વ શક્તિઓ પાસેથી મેળવેલાં મિસાઇલો અને ડ્રોનને નિષ્ફળ બનાવ્યાં, તેનાથી ભારતનાં સંરક્ષણ ઉત્પાદનોની વિશ્વસનીયતા પર મહોર લાગી ગઈ છે. તેમણે એમ પણ કહ્યું કે ભારતીય સમાજમાં એકતા અનિવાર્ય છે. તેમનું માનવું હતું કે આ યુદ્ધનો સમય નથી, પરંતુ જ્યારે આપણા સાર્વભૌમત્વ અને આપણા નાગરિકોનાં જીવન જોખમમાં હશે, ત્યારે ચોક્કસ યોગ્ય જવાબ આપવામાં આવશે. હવે સમય આવી ગયો છે કે પાકિસ્તાની શાસકોએ આતંકવાદીઓને પોષણ આપવાનું બંધ કરવું પડશે. તેમણે દેશના લોકોને ખાતરી આપી કે ભારતીય સેના અને સુરક્ષા દળો કોઈપણ પડકારનો સામનો કરવા તૈયાર છે. આતંકવાદી ઠેકાણાઓ ખંડેરમાં ફેરવાઈ ન જાય ત્યાં સુધી અમે તૈયાર રહીશું. સરહદો પર શાંતિ પાકિસ્તાન આતંકવાદ પ્રત્યે કેવું વલણ અપનાવે છે તેના પર નિર્ભર રહેશે. તેમણે દેશની માતાઓ, બહેનો અને પુત્રીઓને ખાતરી આપી કે સરકારનું ઓપરેશન સિંદૂર તેમની ઓળખ અને સુરક્ષા માટે સમર્પિત છે.
પીએમ નરેન્દ્ર મોદીનું સંબોધન રાષ્ટ્રને હતું, પરંતુ તેમણે સમગ્ર વિશ્વને મેસેજ આપ્યો. ભારતે કહ્યું કે ઓપરેશન સિંદૂરની સફળતા છતાં, તેણે પાકિસ્તાનની સમાધાનની અરજી સ્વીકારી, કારણ કે આ યુદ્ધનો યુગ નથી અને આતંકવાદનો યુગ પણ નથી. મોટા હેતુ અને વ્યાપક હિત માટે, ભારતે શાંતિનો માર્ગ પસંદ કર્યો. ભારતનું આ પગલું પહેલાંથી જ યુદ્ધોમાં ફસાયેલી દુનિયા માટે આશાનું એક મોટું કિરણ છે. પાકિસ્તાન સાથેના સંઘર્ષ દરમિયાન ભારતે નોંધપાત્ર સંયમ દાખવ્યો. લડાઈ આતંકવાદ સામે હતી અને ભારતીય દળોએ તેને જ નિશાન બનાવ્યું હતું.
મિસ્ટર મોદીએ પોતાના ભાષણમાં સ્પષ્ટ કર્યું કે આતંકવાદને સમર્થન આપતી સરકાર અને આતંકવાદના માસ્ટર્સને અલગ અલગ સંસ્થાઓ તરીકે જોવામાં આવશે નહીં. શાંતિનો એકમાત્ર રસ્તો એ છે કે પાકિસ્તાન તેના આતંકવાદી માળખાનો નાશ કરે. હવે જો પાડોશી દેશ સાથે વાતચીત થશે તો તે આતંકવાદ અને પીઓકે પર થશે. પ્રાદેશિક અસ્થિરતા આમાં એક મોટો અવરોધ છે, અને ભારતે હાલ પૂરતો તેનો ઉકેલ લાવી દીધો છે. પાકિસ્તાન સુધી એક મજબૂત મેસેજ પહોંચ્યો છે. આ સંઘર્ષ વધ્યો નહીં અને ભારત ફરીથી પોતાના લક્ષ્ય તરફ આગળ વધ્યું તે હકીકતે વૈશ્વિક ભૂરાજનીતિમાં નવી આશાને જન્મ આપ્યો છે. બીજી એક સમાન આશા એ છે કે અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલ ટેરિફ યુદ્ધ ટળી જશે, ભલે તે ફક્ત ૯૦ દિવસ માટે જ હોય. ડોનાલ્ડ ટ્રમ્પની પારસ્પરિક ટેરિફ નીતિને કારણે, બંને દેશો એક નવા વેપાર યુદ્ધ તરફ આગળ વધ્યા. આના કારણે ભારત સહિત સમગ્ર વૈશ્વિક અર્થતંત્ર તણાવમાં હતું. હવે જ્યારે ફેરફાર થયો છે, તો આશા છે કે કોઈ સારો ઉકેલ આવશે.
નરેન્દ્ર મોદીએ સશસ્ત્ર દળો અને સુરક્ષા દળોની તમામ શાખાઓ પ્રત્યે કૃતજ્ઞાતા વ્યક્ત કરતાં કહ્યું કે યુદ્ધ હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે, પરંતુ તે સમાપ્ત થયું નથી. તેમણે સ્પષ્ટતા કરી કે એ યુગ ગયો જ્યારે પરમાણુ હુમલાના નામે ભારતને બ્લેકમેઇલ કરવામાં આવતું હતું. હવે જો ફરીથી હુમલો થાય છે, તો પાકિસ્તાન અને આતંકવાદીઓને અલગ અલગ અસ્તિત્વ તરીકે જોવામાં આવશે નહીં. આતંકવાદના મૂળિયાં ફરી ઉખેડી નાખવામાં આવશે. તેમણે કહ્યું કે દુનિયાએ જોયું કે પાકિસ્તાની સેનાના ઉચ્ચ અધિકારીઓ ભારતના સર્જિકલ સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા ભયાનક આતંકવાદીઓને અંતિમ વિદાય આપવા માટે ઉત્સુક હતા. પ્રધાનમંત્રીએ સ્પષ્ટ કર્યું કે વાતચીત અને આતંક, વેપાર અને આતંક એકસાથે ચાલી શકે નહીં. તેમણે આતંકવાદને પ્રાયોજિત કરતી પાકિસ્તાની સરકારને ખુલ્લેઆમ ચેતવણી આપી કે લોહી અને પાણી એકસાથે વહી ન શકે. તેમનો સંકેત સિંધુ કરાર મુલતવી રાખવા તરફ હતો. પ્રધાનમંત્રીએ સ્પષ્ટતા કરી કે હવે નવી સામાન્ય સ્થિતિ એ છે કે ભારતે આતંકવાદ સામેની લડાઈમાં એક નવી રેખા દોરી છે.

