ગુજરાતીની નિરંતર ઉપેક્ષા .

વેકેશન પૂરું થઈ રહ્યું છે અને શાળાનો ઘંટ વાગવાની તૈયારી છે. દરેક માતાપિતા એ ભ્રમમાં હોય છે કે બાળકોને કંઈ પણ શીખવાડી શકાય છે. પરંતુ હકીકત એ છે કે તમે જે કંઈ શીખવાડો એમાંથી બાળકને જે શીખવું હોય તે જ શીખે છે. અને હંમેશા ખાતરી રાખો કે તમે જે કહો છો એવું તમારા જીવનમાં છે કે નહીં એની તો બાળકો પ્રથમ નજર રાખે છે. તમે જેનું પાલન કરતા ન હો એનું પાલન કે અમલ બાળકો કરતા નથી. અને આ વાત તો આદિ અનાદિ કાળથી ચાલી આવે છે. બધા જાણે છે છતાં દરેક ઘરમાં બાળકો પર ઉપદેશોનો ધોધ પડે છે. ખરેખર તો બાળકને કંઈ પણ ન કહેવામાં આવે અને ઉપદેશ આપવામાં ન આવે તો પણ એ ઘરમાંથી બધું જ શીખી લેશે. પાંચેક વર્ષ પછી એ શાળામાંથી પણ શીખવા લાગશે. પરંતુ એને ભણાવવામાં આવે છે એ તો એક વ્યવસ્થા છે. બાળક જે કંઈ ભણે છે એ બધું બુદ્ધિમાં ધારણ કરે છે. હૃદયમાં તો એમાંથી થોડુંક જ એડમિટ કરે છે.
વધારે પડતી સૂચનાઓ બાળકોના મનને બધિર બનાવી દે છે અને એક પરિસ્થિતિ એવી આવે છે કે તમે કોઈ પણ સૂચના આપો, બાળક પર એની કોઈ અસર થતી નથી. ત્યાર પછી માતા-પિતા અને શિક્ષકો ગુસ્સે થવાની શરૂઆત કરે છે. ક્યારેક હાથ પણ ઉપાડે. બાળકની જિંદગીનો આ એવો તબક્કો હોય છે જ્યાં તેની પ્રતિભા પર એક પછી એક પથ્થર પડવા લાગે છે અને આગળ જતા એવો મોટો ડુંગરો થઈ જાય છે. કે ખબર જ પડતી નથી કે આ બધાની વચ્ચે એક ગુલાબનું ફૂલ છુપાયેલું છે. આપણા સમાજના બાળકો પ્રત્યેના અપરાધ ઓછા નથી અને નવાઈની વાત એ છે કે વાલીઓને ખબર જ નથી કે તેઓ બાળકો પ્રત્યે ભૂલેચૂકે પણ જે વર્તન કરે છે તે તેના બાળકના હૃદયમાં ઘેરા પડઘા પડે છે. એવું વર્તન એ ગંભીર પ્રકારના અનરજિસ્ટર્ડ અપરાધ જ છે
આજકાલ આખા રાજ્યમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને ગુજરાતી જ સરખું ન આવડતું હોવાની ફરિયાદ છે. ધોરણ ૧૦ની બોર્ડ પરીક્ષામાં પણ ગુજરાતીમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓનો આંકડો બહુ ઊંચો અને લાખોનો છે એનું કારણ એ છે કે એમના ઘરના સભ્યોને, માતા-પિતા સહિત સાચું ગુજરાતી લખતા આવડતું નથી. લગ્ન થયા પછી આપણે ત્યાં લાખો ગૃહિણી એવી છે કે એણે શાકભાજીના અને દૂધ કે કરિયાણાના ખર્ચના હિસાબ સિવાય કદી ઈન્ડીપેન ખોલવાની જ નથી. સંતાનો એની માતાને તો લખતા જોતા જ નથી અને પિતા તો જે કંઇ લખે છે એ એમની ઓફિસમાં ! ઘરે તો એ પણ પેન કે પેન્સિલ હાથમાં લેતા નથી. મોબાઈલ આવ્યા પછી તો કાગળ પર લેખનની જરૂરત પણ ઘટી ગઈ છે. આવા સંજોગોમાં આવનારા વર્ષોમાં કોઈ પણ વિદ્યાર્થી નાના પાંચ સારા ગુજરાતી વાક્યો ભૂલ વિનાના સળંગ લખી શકે તો તે એક વિક્રમ ગણાશે.
આપણા અગ્રતાક્રમમાં માતૃભાષા છે જ નહીં. એનું મહત્ત્વનું કારણ એ છે કે આપણે ઇંગ્લિશને જ મહાન ભાષા માનીએ છીએ. એક પ્રજા તરીકે ગુજરાતીઓનું ધ્યાન શબ્દોને બદલે આંકડાઓમાં વધારે હોય છે અને એ વાત આખી દુનિયા જાણે છે. પરંતુ હવે આપણે એવા યુગમાં પ્રવેશી ચૂક્યા છીએ કે કોમ્યુનિકેશનના માધ્યમ તરીકે ગુજરાતીમાં જેમને સાચું અને સારું લખતા નહીં આવડે તેમને બોલતા પણ નહીં આવડે. જેમનું ગુજરાતી વાંચન વિસ્તૃત હશે અને કાન પણ સદગ્રંથો પરની વિવેચનાઓ સાંભળી કેળવાયેલા હશે તેમની વાણી અને વ્યવહાર ઉચ્ચ દરજ્જાના નીવડશે.
પાંચ સગા-સંબંધીઓની વચ્ચે માત્ર હા અને ના જેવી ટૂંકાક્ષરી વાત કરનારાઓ હવે અંતર્મુખી નહીં ગણાય, પરંતુ બાઘા ગણાશે. આવા બાઘાછાપ લોકો માટે એક જમાનો હતો કે જ્યારે નવ બોલ્યામાં નવ ગુણ માની લેવામાં આવતા હતા. હવે તો બોલે એના જ બોર વેચાય છે અને નવ ગુણવાળાઓ તો ખોટા સિક્કાની જેમ પાછા આવવા લાગ્યા છે. જે માતાપિતા બધી જ વાતો બાળકો સાથે તાડૂકીને કરતા હોય એ બાળકોનું ભવિષ્યનું ભાષાસ્તર થર્ડ ક્લાસ હોય છે. માબાપથી ડરતા બાળકે આખી જિંદગી આત્મવિશ્વાસના ઇન્જેક્શન લેવા પડે છે. એવા લોકોની અરધી જિંદગી પર્સનાલિટી ડેવલપમેન્ટમાં જાય છે ને બાકીની જિંદગી બીજા તેજસ્વી લોકોની નિંદા કરવામાં જાય છે. તેઓ દયાપાત્ર હોય છે અને એના મૂળ કારણોમાં માતા-પિતાની ભૂલો હોય છે.

