For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અત્ર લુપ્તા સરસ્વતી .

Updated: Jan 11th, 2023


- અત્ર લુપ્તા સરસ્વતી

ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટે ત્રણ વરસના કેટલાક અભ્યાસક્રમ ચાર વરસના કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. શિક્ષણ કરતાં પણ ખાસ તો શિક્ષણ આપવાની પદ્ધતિની સમસ્યા વધુ છે. વાંક અવાવરું થઇ રહેલી એજ્યુકેશન  સિસ્ટમનો છે. સહુ હવે પ્રવર્તમાન એજ્યુકેશન સિસ્ટમથી નાખુશ છે, અસંતુષ્ટ છે. બાળકનું બાળપણ, યુવાનની જન્મજાત સહજ કેળવણી અને કોઈ પણ માણસની પ્રકૃતિદત્ત સર્ગશક્તિનું નિર્દયતાથી બાળમરણ કરવા માટે આપણી શિક્ષણ પદ્ધતિએ સારી હથોટી મેળવી લીધી છે. શબ્દકોશમાં શિક્ષણ પછીનો તરતનો શબ્દ આવે છે, શિક્ષણકળા. શિક્ષણ એ કળા છે એવું સદીઓથી આપણને ખબર છે પણ હકીકત એ છે કે વસ્તુતઃ એ કળાનો કાગડો થઇ ગયો છે. ઓનલાઇન એજ્યુકેશન હોય કે વર્ગનું સ્વર્ગ હોય, અભ્યાસમાં વિદ્યાર્થીઓ તલ્લીન થઈ જાય એવી રસિકતા નીપજાવવામાં આ યુગના મહત્ ભારતીય શિક્ષકો ગોથું ખાઈ ગયા છે જેની આકરી સજા નવી પેઢી ભોગવી રહી છે.

જડમૂળથી પરિવર્તનની આવશ્યકતા જ નહિ, અનિવાર્યતા હોવા છતાં શિક્ષણ હંમેશા ઉપેક્ષિત રહ્યું છે. એનડીએ સરકારે તો શિક્ષણના નામે મીંડું વાળી દીધું છે અને આવતા વરસો કેવા પસાર થવાના છે એનો દેશના સામાન્ય નાગરિકોને અણસાર તો છે જ. ભાજપ એક એવો પક્ષ છે કે જે દૂધ તે પોતે ન પી શકે એ દૂધ તે ઢોળી નાંખે છે. એટલે આવતા સમયના ભારતીય રાજકીય ઉપક્રમમાં પણ ક્યાંય અભિનવ શૈક્ષણિક પ્રણાલિકા દાખલ થાય એવી સંભાવના નહિવત્ છે. સમગ્ર  માનવજાત આ શિક્ષણના પાયા ઉપર ટકેલી છે તો પણ શિક્ષણ સાથે સાવકું વર્તન નિરંતર ચાલતું આવે છે. એજ્યુકેશનનો અલ્ટીમેટ હેતુ શું? ભણવાથી છેલ્લે શું મળશે? બાળક મોટું થાય ત્યારે આર્થિક રીતે પોતાના પગ પર ઊભું રહી શકે એટલે કે આવનારી પેઢીઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવાનો હેતુ છે એ તો સહુ જાણે છે.

પરંતુ પોતાની વ્યક્તિગત જિંદગીને કીડી પગલે પહાડ ચડવાની છટાથી ચોક્કસ ઊંચાઈએ લઈ જવી એવો સંકલ્પ રમતા રમતામાં ન થાય તો એ વિદ્યાર્થીએ શિક્ષણ પ્રાપ્ત કર્યું ન કહેવાય. સન્માન ખરેખર તો સંબંધોની બુનિયાદ છે અને એથી વિશેષ સંયુક્ત કુટુંબનો આધાર છે. અરે દંપતીઓના સહજીવનમાં પણ પારસ્પરિક સન્માન જ પ્રાણતત્ત્વ છે. એક બીજાઓ પરત્વે વ્યક્ત કરવાનું એ સન્માન ન શીખવી શકે એ તમામ સંસ્થાઓ ફી કલેક્શન સેન્ટર કહેવાય, પણ શાળા કે કોલેજ તો ન જ કહેવાય. આઈબીએમ કંપનીએ હમણાં વિવિધ ૮૦ દેશોની મલ્ટીનેશનલ કંપનીઓના ૮૦૦ જેટલા ઉચ્ચાધિકારીઓનો ઈન્ટરવ્યુ લઈને સર્વે પ્રગટ કર્યો છે. એ બધાને પૂછવામાં આવેલું કે એવી તે કઈ વસ્તુ છે જે તમને દિવસરાત દોડતા રાખે છે? એ કયા મુખ્ય કારણો છે જે તમારી કંપનીને સતત સફળતાના ગ્રાફ ઉપર ટોચ ઉપર જ રાખે છે?

એ બધા જ સફળ બિઝનેસ ટાયકુનના જવાબમાં અચરજભરી સામ્યતા હતી. ઓવરઓલ, બધાનું કહેવું હતું કે બે ગુણો, બે ક્વોલીટીઝ એવી છે કે એ બંનેને કારણે આજે અમારી કંપનીનું નામ જગતના દરેક ખૂણે છે. એ બે ક્વોલીટીઝ કઈ? ઉતરતા ક્રમમાં જોઈએ તો, પહેલો ગુણ અનુકૂલનક્ષમતા  જે તે કંપનીની સમય મુજબ જમાના સાથે બદલાવ લાવવાની તત્પરતા અને ક્ષમતા. આ તત્પરતા અને એ માટેની ક્ષમતા કેટલામાં છે ? કોડાક અને નોકિયા કંપનીમાં આ ક્ષમતા ઝીરો ટકાવારીએ હતી એટલે તેઓ હવે નામશેષ થયા. કોડાક અને નોકિયાની આવી કરુણાજનક સ્થિતિ કેમ થઇ? તેઓ બદલાતા સમય સાથે એડજસ્ટ ન થઇ શક્યા. પરિવર્તનનો પવન ફૂંકાતો હતો ત્યારે તેઓ એના એ જ શઢ પલાણવામાં રહ્યા જ્યારે બીજી કંપનીઓએ સતત પોતાને બદલાવીને ક્રાન્તિ સ્વીકારી. આ અનુકૂલનક્ષમતા આપણે શિક્ષણમાં આપીએ છીએ ખરા? ટેક્સ્ટબુક્સ વર્ષો જૂની એ જ ઘરેડમય ચાલ્યા કરે છે.પરીક્ષા પદ્ધતિ પણ એવી કે જે ટેક્સ્ટબુકમાં આપ્યું હોય એ જ પૂછાય. વિદ્યાર્થીની વિદ્યાને બદલે પરીક્ષાર્થીની યાદદાસ્તની કસોટી લેવાય છે આ પદ્ધતિમાં. આજનું એજ્યુકેશન ગોખણિયા બાળકોને નંબર એક ઉપર લઇ જવાનો કૃત્રિમ આભાસ તેના વાલીઓ સામે રજૂ કરે. 

Gujarat