મુંબઈમાં ટેરર એલર્ટ .
છેલ્લા બે દિવસથી મુંબઈમાં ટેરર એલર્ટ જાહેર કરવામાં આવે છે. ભારતની ગુપ્તચર એજન્સીઓ, રો જેવી ભારતીય આંતરરાષ્ટ્રીય જાસૂસી સંસ્થાઓ અને ઈન્ટેલીજન્સના ઘણા બધા જાહેર કે છુપા એકમો આતંકવાદ સંબંધિત પ્રવૃત્તિઓની ગતિવિધિઓને ટ્રેક કરતા રહેતા હોય છે. એમાં પણ અત્યારે સંજોગો એવા છે કે ભારતના લગભગ તમામ પાડોશી દેશોમાં ભારોભાર અસ્થિરતા ભરેલા સંજોગો પ્રવર્તમાન છે. શ્રીલંકા કે તિબેટમાં પણ, બધે સ્થિતિ ચિંતાજનક છે. ખાસ કરીને બાંગ્લાદેશમાં સત્તાપલટો થયા પછી અને ત્યાંના લોકોની ભારત માટેનો દ્વેષ જોયા પછી ત્યાં વસતા અમુક અલગાવવાદી તત્વો ભારતને નુકસાન કરવાનું ન વિચારતા હોય એવું બને નહી. ભારતે ઇઝરાયેલ સાથે સંબંધો મજબૂત કરી રાખેલા છે અને દુનિયાના ઘણા દેશોમાં અત્યારે ઇઝરાયેલની વિરુદ્ધ વલણ છે. ફક્ત અલ-કાયદાથી જ નહી પણ બીજા ઘણા આતંકવાદી જુથોથી ભારત જેવા વિકાસશીલ અને બીજા વિકસિત દેશોએ જાગૃત રહેવું પડશે.
કુખ્યાત ઓસામા બિન લાદેનનો પુત્ર હમઝા બિન લાદેન લાંબા સમયથી વૈશ્વિક ગુપ્તચર એજન્સીઓનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. જ્યારે ઈ. સ. ૨૦૧૯માં આવેલા અહેવાલોમાં એવો દાવો થયો હતો કે તે યુએસ એરસ્ટ્રાઇકમાં માર્યો ગયો હતો. પણ તાજેતરની માહિતી કંઇક બીજું જ સૂચવે છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓ હવે એવી શક્યતા તરફ ઈશારો કરી રહી છે કે હમઝા હજુ પણ જીવિત છે અને વિશ્વના સૌથી ખતરનાક આતંકવાદી જૂથોમાંના એક અલ-કાયદાના પુનરુત્થાનમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે! અલ-કાયદા કરતા વધુ ખતરનાક આતંકવાદી સંગઠનો હતા અને હજુ પણ છે. છતાં પણ આ બધામાં અલ-કાયદા એટલે અલગ પડે કે આ આતંકવાદી સંગઠનને વિશ્વમાં સૌથી મોટી તબાહી મચાવવામાં સફળતા મળી. ઓસામા બિન લાદેનને પુષ્કળ ભંડોળ મળ્યા અને જુદા જુદા દેશમાં રહેતા તેના આતંકી સાથીદારોનો મોટો સપોર્ટ મળ્યો.
બીજા બધા આતંકવાદી સંગઠનો કોઈ એક ચોક્કસ વિસ્તાર પૂરતા સીમિત હોય. જ્યારે અલ-કાયદાને ફંડિંગથી લઈને ટેકનિકલ સપોર્ટ સુધી બીજા દસેક કરતા વધુ દેશોમાં ફેલાયેલા તેમના આતંકીઓ તરફથી બિનશરતી ટેકો મળતો રહ્યો. માટે ઓસામા બિન લાદેનનું કદ વધી ગયું. માટે તેઓ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર હુમલો કરવાનું વિચારી શક્યા. એ અલ-કાયદા હવે ભલે શાંત લાગતું હોય પણ અહેવાલો મુજબ તેના આતંકીઓ પ્રયત્ન કરી રહ્યા છે કે ફરીથી કંઇક મોટો ધડાકો કરીએ. આ ધડાકો એટલે કે પોતાની હયાતીની ગવાહી આપતો હુમલો એ પોતાના સર્વકાલીન શત્રુ અમેરિકા પર કરવા ધારે છે એમ કહેવાની જરૂર નથી. જોકે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈ. સ. ૨૦૧૯ માં હમઝાના મૃત્યુની પુષ્ટિ કરી હતી, પરંતુ તેની પુષ્ટિ કરવા માટે ઘશછ જેવા કોઈ નક્કર પુરાવા નથી.
નવા અહેવાલો સૂચવે છે કે હમઝા તાલિબાનના રક્ષણ હેઠળ અફઘાનિસ્તાનમાંથી કાર્યરત હોઈ શકે છે. પશ્ચિમી ગુપ્તચરોએ અલ-કાયદાના વૈશ્વિક જેહાદી નેટવર્કને પુનઃજીવિત કરવાના ઉદ્દેશ્ય સાથે ગઝની અને હેલમંડ જેવા વિસ્તારો સહિત દેશભરમાં અનેક તાલીમ શિબિરો સ્થાપી હોવાનો દાવો કર્યો છે. હમઝાના પ્રભાવના કારણે જૂથમાં નવી ઉર્જા આવી છે. યુવા આતંકીઓની ભરતીને પ્રેરણા આપવામાં આવે છે અને નાના નાના છેલબટાઉ છોકરાઓને આતંકવાદી સંગઠનમાં રીક્રુટ કરવામાં આવે છે. બીજા જે નાના મોટા છૂટાછવાયા આતંકી જૂથો છે તેમને પણ અલ-કાયદામાં ભેળવી દેવાની ઝુંબેશ ઉપડી છે. હમઝા તેના ભાઈ અબ્દુલ્લા સાથે, આતંકવાદી જૂથને ખતરનાક નવા જોડાણો સાથે પુનઃનિર્માણ કરી રહ્યો હોવાનું માનવામાં આવે છે. નિષ્ણાતોને બીક છે કે અલ-કાયદા સંભવતઃ પાકિસ્તાની જાસૂસી સંસ્થા સાથે પણ જોડાઈ જશે અથવા તો જોડાઈ ગયું છે. જો આવું થાય તો તે નવું આતંકી જૂથ બહુ જોખમી અને તાકાતવર બની જાય.
હમઝાની કામગીરીને શક્તિશાળી હક્કાની નેટવર્ક દ્વારા સમર્થન હોવાનું માનવામાં આવે છે, જેનાથી અલ-કાયદાની ક્ષમતાઓમાં વધારો થાય છે. હમઝા બિન લાદેનના નામ હેઠળ અલ-કાયદાના પુનરુત્થાન માટે બહુ જોર કરી રહ્યો છે. ઈ. સ. ૨૦૨૧માં તાલિબાન સત્તામાં આવ્યા પછી અફઘાનિસ્તાન ફરી એકવાર ઉગ્રવાદી પ્રવૃત્તિઓ માટેનું સંવર્ધન સ્થળ બની ગયું છે. જેને કારણે વૈશ્વિક સુરક્ષા માટે ગંભીર ખતરો ઉભો થઇ શકે છે. ઘણાને ડર છે કે આ પ્રદેશ ફરી એકવાર ૯/૧૧ની પૂર્વધારણાને પુનરાવતત કરીને વિનાશક હુમલાઓ માટે લોન્ચપેડ બની જાય એવું બની શકે. તેમ છતાં તેનું ચોક્કસ સ્થાન કે હેતુ અનિશ્ચિત છે. હમઝા બિન લાદેનનું નામ ભયંકર આતંકવાદના બીજા યુગની આશંકા પેદા કરે છે.