Get The App

સૌથી મોટો ચોર ડેટાચોર .

Updated: Nov 30th, 2025

GS TEAM

Google News
Google News
સૌથી મોટો ચોર ડેટાચોર                       . 1 - image


રશિયાએ અગાઉ યુક્રેન પર પહેલો સાયબર હુમલો કર્યો હતો જે પછીના ભીષણ હુમલા માટેની ચેતવણીરૂપ હતો. હજુ રશિયા નવા સાયબર હુમલાઓ કરશે. જો યુદ્ધ ચાલુ જ રહેશે તો રશિયન હેકરોની આખી ફોઝ કામે લાગી જશે. કોરોનાકાળના સન્નાટાને કારણે મળેલી થોડીક નવરાશમાં અને પછીથી દુનિયામાં ડેટા ચોરી વધી ગઈ છે. ડેટા બહુ મોટી વિભાવના છે. જે રીતે કુબેરનો ભંડાર હોય કે કોઈ રાજાધિરાજનો ખજાનો હોય એવો જ મહામૂલો રત્નભંડાર હવે ડેટા છે. આ ડેટાને લૂંટનારા બહારવટિયાઓ એટલે કે હેકિંગ કરનારાઓ તમામ સિક્યોરિટી સિસ્ટમ તોડીને ખજાના સુધી પહોંચે છે. આ ડેટાને તેઓ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વેચે છે. ડેટા વેચનારી વેબસાઇટો પણ પાર વિનાની છે. આંતરરાષ્ટ્રીય બજારમાં એને ડેટાથેપ્ટ કહે છે. કેટલીક વિકિલિક્સ જેવી જાઁબાઝ ટોળકીઓ દુનિયાના રહસ્યમય ડેટા ઉપાડે છે અને પછી તેને વિશ્વ સમુદાય સમક્ષ જાહેર કરી દે છે. પરંતુ એ સિવાય કોમ્પ્યુટર ટેક્નોલોજીના નિષ્ણાત હેકર્સ અતિ દુર્લભ માહિતીના સંપુટો ઉપાડી લાવે છે અને ઊંચા ભાવે તેને વેચે છે.

અગાઉ ફેસબુકના કરોડો ઉપભોક્તા(યુઝર્સ)નો ડેટા ચોરી થઈ જતા માર્ક ઝુકરબર્ગ ફરી વિવાદમાં સપડાયા હતા. એમની સામેનો આક્ષેપ એ હતો કે તેઓ પોતે જ આ રીતે હેકિંગ કરાવીને ડેટાનો જંગી વેપાર કરતા થઈ ગયા છે. એટલે કે વાડ પોતે જ ચિભડાં સ્વાદિષ્ટ લાગતા ગળી જવા તત્પર હોઈ શકે છે. રશિયા એક એવો દેશ છે જેને તમામ પ્રકારના ડેટાને ખરીદવાની ભૂખ અને પછી જે તે દેશના નેતાઓને એ ડેટા વેચી દેવાની તરસ છે. ડેટાની વ્યાખ્યામાં આવે એવો કોઈ પણ માલ વ્લાદિમિર પુટિન નામના ચાલાક ખેલાડીને કોઈ પણ ભોગે ખપે, પાંચ કરોડ લોકોના ફેસબુક એકાઉન્ટની બધી જ વિગતની અગાઉ ચોરી થઈ ત્યારે આંગળી તો રશિયન હેકરો તરફ હતો. જો કે, ફેસબુકે પ્રભાવિત થયેલા તમામ ખાતાને ત્યારે ઉજાગરા કરીને લોગઆઉટ કર્યા હતા અને અન્ય ચાર કરોડ યુઝર્સને પણ લોગ આઉટ કરવા પડયા હતા. એના પછી પણ એ જ રીતે ફરી પાંચ કરોડ ફેસબુક એકાઉન્ટના ડેટાની ઉઠાંતરી થઈ હતી.

દુનિયાના અબજો લોકો, લાખો વેબસાઇટો, સોશ્યલ મીડિયા અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. સોશ્યલ મીડિયા એક સશક્ત સંચાર માધ્યમ પુરવાર થયા છે પરંતુ મુદ્રિત માધ્યમ જેટલી એની વિશ્વસનીયતા નથી. આ વાતાવરણમાં ડેટા સુરક્ષાનો સવાલ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે. ડેટા સુરક્ષાનો પ્રશ્ન કાનૂની પણ છે, અને વ્યક્તિગત અધિકારો સાથે જોડાયેલો છે. કોઈનું પણ એકાઉન્ટ હેક થવું એ એની અંગતતા પરનો હુમલો છે. પાછલા વરસોમાં હેવી ડેટા લિકેજ પછી ફેસબુકે તેના તમામ યુઝર્સને વાયદો કરીને નવી સિક્યોરિટી સિસ્ટમ ઇન્સ્ટોલ કરી હતી અને એ માટે લાખો ડોલરનો વ્યય કર્યો હતો છતાં ફરી વખત હેકિંગ થતા ફરી ડેટાની ચોરી થઈ ગઈ હતી. એનો અર્થ કે હેકિંગ કરનારાઓ માર્ક ઝુકરબર્ગના ટેક્નોક્રેટ કરતાં તો બહુ એડવાન્સ છે. હેકરો સામે ડેટાબેન્ક લાચાર દેખાય છે.

અગાઉ બ્રિટનની કુખ્યાત કંપની કેમ્બ્રિજ એનાલિટિકાએ ફેસબુકના ડેટાની ચોરી કરી હતી તે પછીથી જાહેર થયું હતું તેમ હજુ પણ ડેટા ચોરીના આફ્ટરશોક તો  આવતા જ રહે છે. સામાન્ય યુઝર્સ એ જાણતો જ હોતો નથી કે એનો ડેટા જેવા બિંદુરૂપ અનેક ડેટા એકત્રિત થઈને સિંધુ સ્વરૂપ આકાર લઈ લે છે ને પછી એના વિશ્લેષણ દ્વારા તો આખા ને આખા દેશને જીતીને એના પર શાસન કરવાની માસ્ટર કી તૈયાર થાય છે. કોર્પોરેટ જાયન્ટ કંપનીઓનો પોતાનો ડેટા તો ચોરી થતો રહે છે પરંતુ એ કંપનીઓ પણ અન્ય સ્પર્ધક કંપનીઓના ડેટાને હસ્તગત કરવા માટે આકાશ-પાતાળ એક કરતી હોય છે. બ્રિટન અને અમેરિકામાં આજે કોઈ પણ એક વ્યક્તિના ડેટાનો ભાવ એક ડોલરથી વીસ ડોલર વચ્ચેનો છે. વેબસાઇટ પર તમે ઇ-પેમેન્ટ કરો એટલે ચાહો તેની કરમ કુંડળી તમને ઇ-મેઇલથી પ્રાપ્ત થઈ જાય તે એટલી હદ સુધી કે તમે આશ્ચર્યમુગ્ધ થઈ જાઓ. આ બધી વેબસાઇટોને બ્લેક માર્કેટ સાઇટ તરીકે ઓળખવામાં આવે છે.

આવી સૌથી વધુ બ્લેક માર્કેટ સાઇટ રશિયા અથવા તો સંયુક્ત રશિયામાંથી છૂટા પડેલા દેશોમાંથી ચલાવવામાં આવે છે. પૂર્વ યુરોપના દેશોમાં પણ બ્લેક માર્કેટ સાઇટની બોલબાલા છે, ચાહો તે ડેટા તમને ક્ષણ માત્રમાં મળે, પણ દરેક ડેટાની એના 'વજન' પ્રમાણેની ચોક્કસ કિંમત હોય છે. હેકિંગ કરનારાઓ અને ડેટાને બજારમાં વેચનારાઓ આમ તો જેમ્સ બોન્ડનો કે શેરલોક હોમ્સનો જ વંશવેલો છે પરંતુ તેઓ તેમના વડદાદાઓથી ક્યાંયના ક્યાંય આગળ નીકળી ગયા છે. મોસ્કોની વેબમની ટ્રાન્સફર નામક કંપની તો દુનિયાભરની બે નંબરી લેણદેણની નવી એક્સચેન્જ બની ગઈ છે.  

Tags :