માલદીવ પર ડ્રેગન તરાપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ચીનના શાસકો ઝેરીલા છે. ભારતીય અંકુશરેખા પર ચીની લશ્કરે પીછેહઠ કરી એ બાબત વધુ ભ્રામક હતી કારણ કે કબજામાં આવેલી જમીન અને હાથમાં આવેલો મોકો જવા દે એ ચીન ન હોય. ભારતને ભીડવામાં ચીન વર્ષોથી અથાક પ્રયત્નો કરે છે અને છેલ્લા મહિનામાં તેને પોતાના ઉંદરકામની ઝડપ વધારી દીધી છે. ભારતને ચારેબાજુથી ઘેરવામાં ચીનને બહુ રસ છે. ભારતની પૂર્વ દરિયાઈ સરહદ ઉપર નાકાબંધી લાગે તો ભારતને ભીંસમાં લાવી શકાય. પોતાનો મલીન ઈરાદો પાર કરવા માટે તે માલદીવને પોતાનું બગલબચ્ચું રાષ્ટ્ર બનાવવા માંગે છે. એ હેતુ સિદ્ધ કરવા માટે ચીન સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી રહ્યું છે. માલદીવ સાથે ભારતના બહુ સારા ન કહી શકાય એવા સંબંધોનો ચીન પૂરતો ગેરલાભ લઈને આપણને નુકસાન પહોચાડવા ચાહે છે.
માલદીવ્સ ટાપુની ઓળખ દુનિયાભરમાં સુંદર પર્યટન સ્થળ તરીકેની છે. દેશવિદેશના અને ખાસ તો સમગ્ર એશિયાના સહેલાણીઓ માલદીવમાં ફરવા માટે આવતા હોય છે. હાલના સંજોગોમાં માલદીવનું મહત્ત્વ એક પ્રવાસન સ્થળ કરતા વિશેષ છે. ભારત અને ચીન બંનેની રણનીતિના એક મહત્ત્વના ભાગ તરીકે માલદીવ દેશ કેન્દ્રમાં છે. હિંદ મહાસાગરમાં ચીન પોતાનું વર્ચસ્વ જમાવવા માટે સતત પ્રયત્નશીલ છે. તે પોતાના વેપારી જહાજો, નૌકાકાફલાઓ મોકલીને કે કોઈ ટાપુ ઉપર બાંધકામ કરીને યેનકેન પ્રકારે કબજો મેળવવાની દાનત ધરાવે છે. ભારતને ચીનની આ ખોરી દાનત વિશે પૂરો ખ્યાલ છે. એશિયાના દેશોમાં ચીનનું પ્રભુત્વ ઘટાડી તો ન શકાય માટે ભારતે પોતાનું વજન વધારવું રહ્યું. માલદીવના કેસમાં તે અઘરું છે.
માલદીવની વસ્તી માંડ ચાર લાખની છે. ચીન તેને પોતાની વન બેલ્ટ વન રોડની અજગર છાપ પરિયોજનામાં સામેલ કરવા માંગે છે. વિશ્વ સ્તરે એવી છાપ છે કે દુનિયામાં જ્યાં ચીનની હાજરી હશે ત્યાં ભારત મજબૂતીથી પ્રવેશી નહિ શકે અથવા તો ટકી નહિ શકે. માલદીવ ટાપુથી ભારતના લક્ષદ્વીપ ટાપુઓ વચ્ચેનું અંતર માત્ર બારસો કિલોમીટર જેટલું છે જે જળમાર્ગે બહુ વધુ ન કહેવાય. આવા સંજોગોમાં દુશ્મન દેશ માલદીવની નજીક પહોચી જાય તો ભારત માટે સમસ્યા ઉભી થાય. યામીનની સરકાર હતી ત્યારે ચીને તેના ઘણા પ્રોજેક્ટ માલદીવમાં ચાલુ કર્યા હતા. યામીને ચીન સાથે અનેક કરારો સાઈન કરેલા જેમાં એક પ્રોજેક્ટ માલદીવની રાજધાનીમાં મોટું એરપોર્ટે બનાવવાનો પણ હતો. ઘુસણખોર ચીનને બસ આટલું જ જોઈતું હતું કે માલદીવની રાજકીય અને આર્થિક નસ એના હાથમાં આવી જાય.
ચીની ડ્રેગન દયાહીન બની બીજા દેશોની ધોરી નસ કાપવામાં કુશળ છે અને એ આખી દુનિયા જાણે છે. હોંગકોંગના વતનીઓ ઉપર મહિનાઓથી ચીની શાસકો જે અત્યાચાર કરે છે તે આ વાતની સાબિતી આપે છે. ચીને માલદીવમાં જબ્બર રોકાણ કર્યું, ત્યાંસી કરોડ ડોલરનું એરપોર્ટ બનાવી દેવાનું વચન આપ્યું. એરપોર્ટને રાજધાની સાથે જોડતો બે કિલોમીટર લાંબો પુલ બનાવવાનો પણ સોદો થયો. પચ્ચીસ માળની હોસ્પિટલ તો ચીન અત્યારે પણ બનાવી રહ્યું છે. માલદીવની મુલાકાતે સૌથી વધુ ચીની પ્રવાસીઓ જાય છે. માલદીવમાં ફરવા આવનારામાં સૌથી મોટો હિસ્સો ચીની પર્યટકોનો છે. માલદીવની આવકનો મુખ્ય આધાર પર્યટન છે.માર્ચ, ૨૦૧૫માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવની મુલાકાતે જવાના હતા પરંતુ ભારતતરફી પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદને પદભ્રષ્ટ કરવાના મુદ્દે મુલાકાત રદ થઇ હતી.
આજકાલ માલદીવ પાસે ચીન ૧.૩ અબજ ડોલરની ઉઘરાણી કરે છે. માલદીવના કુલ જીડીપીના ત્રીજા ભાગ કરતા પણ આ દેવું થોડું વધુ છે. માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે જાન્યુઆરીમાં કહ્યું હતું કે માલદીવના કુલ દેવામાંથી ચીનનો ભાગ એંશી ટકા કરતા વધુ છે. નશીદે કહેલું કે ચીને માલદીવના મીનીમમ સોળ જેટલા ટાપુ લીઝ ઉપર લીધા છે. એ ટાપુ ઉપર શું કામકાજ ચાલુ છે એ ચોક્કસપણે કહી શકાતું નથી. હકીકતમાં એ ટાપુઓ પર ચીન સમુદ્ર, આકાશ અને હવામાનના અભ્યાસના બહાને એક ઓબ્ઝર્વેટરી સ્થાપવાની ફિરાકમાં છે. જ્યાંથી નિરંતર ભારતની સૈન્ય પ્રવૃત્તિઓને જાસૂસી નજરે જોઈ શકાય. પરંતુ આજકાલ ચીન અને માલદીવના સંબંધો વણસતા જાય છે. ગયા સપ્તાહે બિન બુલાયે મહેમાન જેવા વીસેક ચીની અધિકારીઓના કાફલાએ માલદીવ સરકારે એરપોર્ટ પરથી જ પાછા વિદાય કરી દીધા હતા. ભારતે આ બદલાયેલા વાતાવરણનો લાભ લેવો જોઈશે.




